બેગુસરાઈ : બિહાર રાજ્યનો એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન: તે 25° 25’ ઉ. અ. અને 86° 08’ પૂ. રે.ની આજુબાજુનો 1,918 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં સમસ્તીપુર જિલ્લો, ઈશાનમાં ખગારિયા જિલ્લાનો થોડો ભાગ, પૂર્વમાં ખગારિયા જિલ્લો, દક્ષિણમાં લખીસરાઈ, મુંગેર અને પટણા જિલ્લાઓ, તથા પશ્ચિમે પટણા અને સમસ્તીપુર જિલ્લા આવેલા છે. 1971 સુધી તે મુંગેર જિલ્લાનો એક ભાગ હતો, પરંતુ 2 ઑક્ટોબર, 1972ના રોજ તેને સ્વતંત્ર જિલ્લો બનાવવામાં આવ્યો છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લાનો ઉત્તર તરફનો ભાગ ઊંચાણવાળો સમતળ પ્રદેશ છે. દક્ષિણમાં ગંગાનો ખીણપ્રદેશ આવેલો છે. દક્ષિણ તરફનો પ્રદેશ કાંપથી પુરાતો અને ધોવાતો જાય છે. ઉત્તર તરફ કબરતાલ નામનું વિશાળ પણ છીછરું સરોવર છે. સરોવરની પૂર્વ તરફ નદીઓ તેમજ કળણભૂમિથી છેદાયેલો ઘાસનો વિશાળ પ્રદેશ આવેલો છે. ગંડક નદીની દક્ષિણે આશરે 5 કિમી. પહોળી પટ્ટી વારંવાર પૂરનાં પાણીથી છવાઈ જાય છે. જિલ્લાનો વધુ દક્ષિણતરફી ભાગ ખેતીલાયક જમીનો ધરાવતો હોવાથી ગીચ વસ્તીવાળો બની રહેલો છે. અહીં ખનિજો કે અન્ય ખાણપેદાશો ખાસ મળતી નથી. જિલ્લાની મોટાભાગની ભૂમિ જૂના તેમજ નવા કાંપના નિક્ષેપોથી બનેલી છે.

જળપરિવાહ : જિલ્લાની દક્ષિણ સીમા પર ગંગા નદી વહે છે. બુરહી ગંડક, બાલન અને બાઘમતી નદીઓ તથા કબરતાલ સરોવરનાં જળ અને જળમાર્ગોથી આ જિલ્લો સમૃદ્ધ બનેલો છે. બુરહી ગંડક નદી ઘણા નાળાકાર વળાંકોમાં વાયવ્યથી અગ્નિ તરફ વહે છે. આ નદીએ અગાઉ પૂરથી ઘણો વિનાશ વેરેલો છે.

ખેતી : કાંપની ફળદ્રૂપ જમીનોથી બનેલાં મેદાનો અત્યંત ઉપજાઉ છે, તેથી જિલ્લો મુખ્યત્વે ખેતીપ્રધાન છે. આખું વર્ષ જુદા જુદા પાક લેવાય છે. દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં ઘઉં અને મકાઈ તથા ઉત્તરના કેટલાક ભાગોમાં ડાંગરનો પાક લેવાય છે. ઉત્તરમાં મુખ્યત્વે તો શેરડીનો રોકડિયો પાક લેવાય છે. જિલ્લાના આ સિવાયના બાકીના ભાગોમાં મરચાંની મોટા પાયા પર ખેતી થાય છે. આ ઉપરાંત થોડા પ્રમાણમાં ક્યાંક ક્યાંક કઠોળ અને તેલીબિયાંનું વાવેતર પણ થાય છે.

અહીં ખેતી માટે વરસાદ પર ભરોસો રાખી શકાતો નથી, તેથી પાતાળકૂવા, સાદા કૂવા, રાહત પંપો, વીજળી અને ડીઝલ-આધારિત પંપો દ્વારા સિંચાઈ થાય છે. સરકારે સિંચાઈ માટે પૂરતું લક્ષ અપાય એવી યોજનાઓ હાથ પર લીધેલી છે.

પશુપાલન : જિલ્લામાં જોવા મળતાં ઢોરની ઓલાદ મધ્યમ કક્ષાની છે. જિલ્લામાં દર વર્ષે આસો માસમાં સિંઘોલ ગામ ખાતે ભરાતા પશુમેળામાં લોકો ઢોરનું ખરીદવેચાણ કરે છે. બરૌની ખાતે સ્થાપવામાં આવેલી દૂધની ડેરીમાં દૂધનો પાઉડર, ઘી, મલાઈ, માખણ વગેરેનું ઉત્પાદન લેવાય છે. ડેરીને કારણે અહીં બેકારીની સમસ્યાનો આંશિક ઉકેલ લાવી શકાયો છે. જિલ્લામાં આવેલાં તળાવોમાં થતા માછલીઓના ઉછેરને કારણે અહીં મત્સ્યકેન્દ્ર સ્થપાયું છે. પરિવહનની સુવિધાઓને લીધે માછલીઓની જિલ્લા બહાર નિકાસ પણ કરવામાં આવે છે.

ઉદ્યોગો : અગાઉના સમયમાં વિદેશીઓ દ્વારા ચાલતો ગળીનો વેપાર હવે નામશેષ થઈ ગયો છે. તેમાં રોકાયેલા સ્થાનિક લોકો હવે ખેતીના વ્યવસાય તરફ વળ્યા છે. આઝાદી પહેલાં અહીં કોઈ મહત્વનો ઉદ્યોગ ન હતો. હવે બરૌની ખાતે બરૌની ઔદ્યોગિક વસાહત સ્થાપાઈ છે, તેમાં ખનિજ તેલ રિફાઇનરી, તાપવિદ્યુતમથક, ખાતર નિગમ, દાણાદાર ખાતર બનાવવાનો એકમ તેમજ દૂધની ડેરી તથા નાનામોટા સંકલિત એકમો કામ કરે છે. અગાઉ ચિત્રકારીગરીવાળાં માટીનાં વાસણો બનાવવાના કાર્યમાં રોકાયેલાં ઘણાં કુંભાર-કુટુંબોના વંશજો હવે આ ઉદ્યોગોમાં કામ કરે છે.

વેપાર : પરિવહનના વિકાસની સાથે સાથે અહીં વેપારવણજનો પણ વિકાસ સધાયો છે. ચોખા સહિતનાં ધાન્ય, કાપડ, કોલસા અને લેખનસામગ્રીની આયાત કરવામાં આવે છે; જ્યારે મરચાં, એરંડા, મકાઈ, મલાઈ અને માખણની નિકાસ થાય છે. જિલ્લામાં બરૌની અને તેઘરા ખાતે મરચાં અને મીણબત્તીનો વેપાર થાય છે.

પરિવહન : જિલ્લામાં વાહનવ્યવહારનો સારો વિકાસ થયો છે. ગંગા નદી પર પટણા જિલ્લાના હાથીદાહ ખાતે રાજેન્દ્ર પુલનું નિર્માણ થયા બાદ બરૌની આગળ પડતું ઔદ્યોગિક નગર બની રહેલું છે. બરૌની–ગુવાહાટી રાષ્ટ્રીય ધોરી માર્ગ–27 અહીંથી પસાર થાય છે. જિલ્લામાં રેલમાર્ગો પણ વિકસ્યા છે. બરૌની પૂર્વીય તથા ઈશાની રેલવિભાગનું જંક્શન બની રહેલું છે. અહીંનું ગારહરા યાર્ડ દેશનાં મહત્વનાં રેલ-યાર્ડ પૈકીનું એક ગણાય છે. અહીંથી દેશના ઘણા ભાગોમાં માલની હેરફેર માટેના વેપારની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. આ ઉપરાંત જિલ્લાની નદીઓ પણ જળમાર્ગો તરીકે ઉપયોગમાં લેવાય છે. બેગુસરાઈ અને ઉલ્લાવ ખાતે હવાઈ મથકો આવેલાં છે.

પ્રવાસન : આ જિલ્લામાં બરૌની, ચેરિયા-બેરિયાપુર, કબરતાલ, બીરપુર, ચામથા, જયમંગલગઢ, ઝમતિયા ઘાટ, નૌલાઘાટ અને સેમરિયા અગત્યનાં પ્રવાસમથકો છે : (1) બરૌની : બરૌની આ જિલ્લાનું ઝડપથી વિકસતું જતું ઔદ્યોગિક નગર છે. અહીં ખનિજ તેલ રિફાઇનરી અને તાપવિદ્યુતમથક સ્થપાયાં હોવાથી તે ઔદ્યોગિક સંકુલ બની રહેલું છે. પરિવહનક્ષેત્રે પણ તે મોકાનું સ્થાન ધરાવે છે. (2) ચેરિયા-બેરિયાપુરા : ચેરિયા અને બેરિયાપુર નામનાં બે ગામો પરથી આ જોડિયું નામ પડેલું છે. ચેરિયા નામ ‘ચિડિયાં’ પરથી પડેલું ગણાય છે. નજીકના કબરતાલ સરોવર પર આવતાં પક્ષીઓ પરથી આવું નામ પડેલું હોવાનું મનાય છે. તે ચેરિયા-બેરિયાપુર વિભાગનું મુખ્ય મથક છે. (3) કબરતાલ : જિલ્લાના ઉત્તર ભાગમાં ચેરિયા-બેરિયાપુર નજીક આ સરોવર આવેલું છે. 22 ચોકિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે. અહીં આવતાં ઘણાં પક્ષીઓના શિકાર અર્થે શિકારીઓ પણ અવરજવર કરતા રહે છે. કબરતાલ પરિવાહ યોજનાના અમલ પછી આ સરોવર નવેમ્બર બાદ લગભગ સુકાઈ જાય છે, માત્ર તેના ઊંડા ભાગો પૂરતું પાણી જળવાઈ રહે છે. મહાલય અને કાચાલય તરીકે ઓળખાતા ઊંડાણવાળા ભાગોમાં રહેલાં પાણી વડે ડાંગરની ખેતી થાય છે. (4) બીરપુર : બરૌની વિભાગમાં આવેલું આ સ્થળ બેગુસરાઈથી 10 કિમી.ને અંતરે બાલન નદીને ઉત્તર કાંઠે વસેલું છે. અહીંના એક જૂના તળાવના તળમાંથી 1959માં ભગવાન વિષ્ણુ તેમજ અન્ય દેવોની કેટલીક પાષાણ-પ્રતિમાઓ મળી આવેલી છે. તે ગુપ્તકાળની હોવાનું મનાય છે. (5) ચામથા : ચામથા ગામ બછવાડા વિભાગમાં ગંગા નદીને ઉત્તર કાંઠે આવેલું છે. અહીં એક જૂનું મંદિર આવેલું છે. જૂના વખતમાં રોજ અહીં ગંગાસ્નાન કરવા આવતા એક મહાન સંતની યાદમાં તે બંધાયેલું હોવાનું કહેવાય છે. (6) જયમંગલગઢ : જિલ્લામથક બેગુસરાઈથી ઉત્તરમાં 16 કિમી.ને અંતરે ચેરિયા-બેરિયાપુર વિભાગમાં તે આવેલું છે. અહીંના એક મંદિરમાં વરાહ, બદરીનારાયણ અને શિવ-પાર્વતીની પ્રાચીન મૂર્તિઓ છે. વર્ષના અમુક ગાળા દરમિયાન ઘણા ભાવિકો આ મૂર્તિઓની પૂજા કરવા માટે આવે છે. (7) ઝમતિયા ઘાટ : આ ઘાટ ગંગાનદી પર આવેલો છે. બછવાડાથી પશ્ચિમે આશરે 2 કિમી.ને અંતરે આવેલા ઘાટ પર સ્નાન કરવાનું ઘણું મહત્વ ગણાય છે. ભગવાન શિવના આરાધકો સર્વપ્રથમ આ ઘાટ પર સ્નાન કરી, ગંગાને તેના જ જળનો અર્ઘ્ય આપે છે, તર્પણ કરે છે અને પછી મંદિરમાં જઈ દર્શન કરે છે. અહીંનું આ મંદિર મૈથિલી કવિ વિદ્યાપતિના નામ પરથી વિદ્યાપતિધામ તરીકે જાણીતું બનેલું છે. (8) નૌલા ઘાટ : આ સ્થળ બેગુસરાઈથી 14 કિમી. અંતરે ભગવાનપુર વિભાગમાં આવેલું છે. અહીં આવેલા ઘણા ટેકરાઓનું ઉત્ખનન કરતાં માટીની મોટી બરણીઓ, જૂના ઘડાઓના ટુકડા, કાળા પથ્થરની ભગવાન વિષ્ણુની ભગ્ન મૂર્તિ તથા ટેરાકોટાની મૂર્તિઓ મળી આવેલી છે. (9) સેમરિયા : બેગુસરાઈથી પશ્ચિમે મોકામેહ (મોકામા) સામે ગંગાના ઉત્તર કાંઠે આ ગામ આવેલું છે. કારતક, મહા અને વૈશાખ માસની પૂર્ણિમાના દિવસોએ અહીં મોટો મેળો ભરાય છે. ગંગાસ્નાન માટે અહીં ઘણા ભાવિકો એકઠા થાય છે.

અહીં બેગુસરાઈ, તેઘરા અને પુરીહારા ખાતે દુર્ગાપૂજાના પ્રસંગે મેળા ભરાય છે.

વસ્તી : 1991ની વસ્તીગણતરી મુજબ જિલ્લાની કુલ વસ્તી 18,14,773 જેટલી છે; તે પૈકી પુરુષો 9,56,310 અને સ્ત્રીઓ 8,58,463 છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 16,37,071 અને 1,77,702 જેટલું છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ : 15,90,635, મુસ્લિમ : 2,23,359, ખ્રિસ્તી : 178, શીખ : 210, બૌદ્ધ : 13, જૈન : 40, અન્યધર્મી : 38 જેટલા છે. આ જિલ્લામાં બોલાતી મુખ્ય ભાષાઓ હિન્દી અને ઉર્દૂ છે.

જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા 1991 મુજબ 5,30,691 જેટલી છે; તે પૈકી 3,72,093 પુરુષો અને 1,58,598 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 4,45,274 અને 85,417 જેટલું છે. અહીંનાં 539 ગામડાંઓમાં શિક્ષણ માટેની સગવડો ઉપલબ્ધ છે અને બધાં નગરોમાં ઉચ્ચ/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, તથા ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા છે. 1996 મુજબ બેગુસરાઈમાં 6 કૉલેજો આવેલી છે. જિલ્લાનાં બેગુસરાઈ, બરૌની, તેઘરા ખાતે હૉસ્પિટલો તથા જિલ્લાનાં લગભગ 50 ટકાથી વધુ ગામડાંમાં તબીબી સેવા ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને પાંચ ઉપવિભાગોમાં અને અગિયાર સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 4 નગરો અને 1,190 ગામડાં (503 વસ્તીવિહીન) આવેલાં છે. બરૌની, બેગુસરાઈ અને તેઘરા નગરો એક લાખથી ઓછી વસ્તી ધરાવે છે.

ઇતિહાસ : આ જિલ્લાના દૂરના ભૂતકાળની કોઈ તવારીખ ઉપલબ્ધ નથી. નવલગઢમાંથી તાજેતરમાં મળી આવેલા બે ‘પાલ’ શિલાલેખો તથા જયમંગલગઢ ખાતેથી મળી આવેલી પાલ યુગની કેટલીક મૂર્તિઓ તેના ઇતિહાસને પાલ વંશના સમય સુધી લઈ જાય છે. પરંતુ પાલ વંશ ક્યારે થઈ ગયો તે નિર્ધારિત થઈ શકતું નથી. કર્નાત (Karnata) વંશના નાન્યદેવે અહીં 1094માં રાજ્ય કરેલું અને તે પછી ઘણાં વર્ષો સુધી તેના વંશજોએ પણ ત્યાં શાસન કરેલું.

અહીં જયમંગલગઢના પંડાઓને જમીનો ખેડવા માટે તે નિ:શુલ્ક અપાતી, આ વ્યવસ્થા હિન્દુ-રાજપૂત અને મુસ્લિમ રાજ્યશાસનકાળ સુધી ચાલુ રહેલી. આ પ્રકારની વ્યવસ્થા અંગેની એક સનદ 1794ની સાલની મળી આવેલી છે. આ જિલ્લાનો ઇતિહાસ તેના મૂળ જિલ્લા મુંગેર સાથે સંકળાયેલો છે.

ગિરીશભાઈ પંડ્યા