આરોગ્યનિકેતન (1956) : જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા બંગાળી લેખક તારાશંકર બંદોપાધ્યાયની કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કૃત પ્રસિદ્ધ કૃતિ. આ કૃતિને ‘રવીન્દ્ર પુરસ્કાર’ પણ પ્રાપ્ત થયો હતો. જીવનબાબુની આત્મકથા રૂપે આ નવલકથા લખાયેલી છે. તેમાંની મુખ્ય સમસ્યા છે પ્રાચીન તથા આધુનિક ચિકિત્સાપ્રણાલીનો ભેદ. આયુર્વેદમાં વૈદ્ય પરા-અપરાવિદ્યાને એકાત્મભાવથી ગ્રહણ કરે છે. એની સફળતા આધ્યાત્મિક અન્તદૃષ્ટિ, ધ્યાનોપલબ્ધિ, કલ્યાણકામના વગેરે પર આધારિત છે. પરંતુ ઍલૉપથી બહિર્મુખી તથા ધંધાદારી છે. વિજ્ઞાનને અંતિમ કસોટી તથા સત્ય માનવાને કારણે એમાં આંતરિક મૂલ્યોનું મહત્વ નથી. આ રીતે લેખકે બીજા અને ત્રીજા સ્તરે પણ નવી તથા જૂની પેઢીની પરસ્પર ભિન્ન જીવનદૃષ્ટિની સમસ્યા છેડી છે. આ રચનાનું કેન્દ્રવર્તી પાત્ર જીવન મહાશય છે. લેખક એના દ્વારા આધ્યાત્મિક મૂલ્યોને પ્રતિષ્ઠિત કરવા ઇચ્છે છે. આ કૃતિ તારાશંકરની શ્રેષ્ઠ કૃતિઓમાં સ્થાન પામેલી છે.
ચન્દ્રકાન્ત મહેતા