આરોગ્ય-કાર્યકરોની રક્ષા (વિકિરણલક્ષી)

January, 2002

આરોગ્ય-કાર્યકરોની રક્ષા (વિકિરણલક્ષી) (protection of health workers, radiation releted) : આયનકારી (ionising) વિકિરણની આડઅસરો સામે આરોગ્ય કાર્યકરોનું રક્ષણ. આરોગ્ય અને તબીબી ક્ષેત્રે આયનકારી વિકિરણ જુદી જુદી રીતે ઉપયોગી છે. આરોગ્ય-કાર્યકર  ક્યારેક અચાનક જ ઘણી મોટી માત્રા(dose)માં વિકિરણન(irradiation)નો ભોગ બને અથવા તો લાંબા સમય સુધી મળેલી વિકિરણમાત્રા સંચિત (cumulative) રૂપે તેનામાં આડઅસર ઉત્પન્ન કરે.

વિકિરણજન્ય અસરો : વિકિરણની જોખમી અસરોનાં પ્રકાર અને તીવ્રતા (1) વિકિરણનાં પ્રકાર, માત્રા તથા દર, (2) શરીરના કયા ભાગ પર તે અસર કરે છે તે તથા (3) તેને પરિણામે સર્જાતી આનુષંગિક (secondary) અસરો પર આધારિત છે. વિકિરણો શરીરમાંના વિવિધ પરમાણુઓને વીજભારિત (electrically charged) કરીને આયનમાં ફેરવે છે તેમજ OH, H+ જેવા વિવિધ સંયોજનશીલ મૂલકો (radicals) સર્જે છે. શારીરિક આડઅસરો આયનો તથા મૂલકોના ઉત્પાદન પર આધારિત છે. પ્રાણીઓ પરના પ્રયોગો, વિકિરણચિકિત્સા(radiotherapy)નો અનુભવ, અણુહુમલા પછી જીવિત રહેલી વ્યક્તિઓ તથા પરમાણુઊર્જાસ્થાપનો(nuclear installations)માં થતા અકસ્માતોના અભ્યાસો દ્વારા વિકિરણની જોખમી અસરોની માહિતી મળે છે.

વિકિરણજન્ય અસરો ઉગ્ર (acute) અથવા વિલંબિત (late) હોય છે. વિલંબિત અસરો અનિશ્ચિત પ્રકારની જનીનીય (genetic), ભ્રૂણ (embryo) કે ગર્ભ સંબંધી અથવા કૅન્સરજનક હોય છે. વિકિરણથી થતા શરીરના કોષોના વ્યાપક નાશથી ઉગ્ર વિકિરણ સંલક્ષણ(syndrome)નાં ચિહનો અને લક્ષણો સર્જાય છે. (સારણી 1)

સારણી 1 : વિકિરણની ઉગ્ર અસરો

વિકિરણની

માત્રા (rads)

અસરગ્રસ્ત

અવયવતંત્ર

મુખ્ય ચિહનો

અને લક્ષણો

મૃત્યુ સામેની

લડતમાં સમય

10,000-

15,000

કેન્દ્રીય ચેતાતંત્ર

તથા રુધિરા-

ભિસરણ તંત્ર

બેભાનાવસ્થા,

આઘાત (shock)

ફક્ત થોડા

કલાકો

500-

1,200

પાચનતંત્ર લોહીના ઝાડા,

પાચનમાર્ગની

અંદરની દીવાલના

કોષોનો નાશ

3-10 દિવસો
250-300 લોહીના કોષો

ઉત્પન્ન કરતું

તંત્ર

પાંડુતા(anaemia),

ફેલાતો ચેપ, લોહી

વહેવું, લોહીના

કોષો ઘટવા

કેટલાંક

અઠવાડિયાં

જો વિકિરણન અતિમારક (superlethaldose) માત્રા રૂપે થાય તો શરૂઆતની અસર રૂપે અરુચિ, ઊબકા, ઊલટી, ઝાડા, ચૂંક, વધુ પડતી લાળ પડવી, શરીરમાંનું પાણી ઘટવું, વજનમાં ઘટાડો, થાક, અતિશય પરસેવો, શિરદર્દ, તાવ, લોહીનું ઘટેલું દબાણ વગેરે થાય છે. લગભગ 50 % દર્દીઓ મગજનો સોજો અથવા લોહીના કોષોના કે પાચનમાર્ગની અંદરની દીવાલના કોષો ઉત્પન્ન કરતા આદિકોષો-(stem cells)ના નાશને કારણે મૃત્યુ પામે છે.

વિકિરણની વિલંબિત (મોડેથી થતી) આડ-અસરો વ્યક્તિગત કિસ્સાઓમાં કે જૂથમાં જોવા મળે છે. વિકિરણગ્રસ્ત વ્યક્તિનાં બાળકોમાં જનીનીય વિકારો પણ જોવા મળે છે. વિકિરણથી ઈજા પામેલા પણ જીવતા રહી ગયેલા કોષોને કારણે વિલંબિત અસરો ઉત્પન્ન થાય છે. ઉંદરો પરના પ્રયોગોએ દર્શાવ્યું છે કે વિકિરણને કારણે તેમની વૃદ્ધત્વની પ્રક્રિયા ઝડપી બને છે અને જીવનકાળ ઘટે છે. આંખ પરના વિકિરણને કારણે વધતો જતો (650-1,150 rad) કે સ્થાયી રહેતો (200-650 rad) મોતિયો થાય છે. વિકિરણને કારણે શરીરના કોષોમાં વિકૃતિ સર્જાવાથી કૅન્સર-કોષગોત્ર(clone)ના કોષોની સંખ્યાવૃદ્ધિ વધારતું વાતાવરણ સર્જાવાથી 5થી 14 વર્ષમાં લોહીનું કૅન્સર કે 25 વર્ષમાં અન્ય અવયવોનું ગાંઠના રૂપનું કૅન્સર થઈ શકે છે. પહેલાના સમયમાં પૂરતી કાળજી ન રાખતા રેડિયોલૉજિસ્ટ ડૉક્ટરોમાં ચામડીનું કૅન્સર જોવા મળતું હતું. (વિકિરણજન્ય જનીની વિકૃતિઓ માટે જુઓ ‘આનુવંશિકતા અને જનીનવિદ્યા’નો લેખ.) જેમ જેમ વિકિરણની માત્રા વધે તેમ તેમ જનીનીય વિકૃતિનું પ્રમાણ વધે છે. વિકિરણની સુરક્ષિત માત્રા જાણમાં નથી. વિકિરણન થયા પછી 6 મહિના સુધી ગર્ભધારણ ન કરવામાં આવે તો ગર્ભમાં જનીનીય વિકૃતિઓ થતી નથી. વિકિરણ વંધ્યતા (sterility) પણ સર્જે છે.

સારણી 2 : વિકિરણજન્ય વંધ્યતા

વંધ્યતાનો વિકિરણની માત્રા (rads)
સમયગાળો પુરુષો સ્ત્રીઓ
ટૂંક સમય (1-2 વર્ષ) 250 50
કાયમી 600 400

પ્રતિવિકિરણ સુરક્ષા : વિકિરણજન્ય અસરો સામે રક્ષણ માટે મુખ્ય બે સિદ્ધાંતો છે : (1) લાભકારક હોય તો વિકિરણનો ઉપયોગ શક્ય તેટલી ઓછી માત્રામાં કરવો અને (2) તેમ કરતાં આરોગ્ય-કાર્યકરનું સ્વીકૃત માત્રાથી વધુ વિકિરણન ન થાય તે જોવું. આ સિદ્ધાંતોને આધારે આંતરરાષ્ટ્રીય ધોરણે કામ કરતી ઇન્ટરનેશનલ કમિશન ઑવ્ રેડિયેશન પ્રોટૅક્શન (ICRP) નામની સંસ્થાએ કેટલાક માર્ગદર્શક નિયમો ઘડ્યા છે. ભારતમાં ઍટૉમિક ઍનર્જી રેગ્યુલેટરી બૉર્ડ (AERB) આ પ્રકારનું કાર્ય કરે છે. વિકિરણની માત્રા કરતાં તેના પ્રકાર પર તેની આડઅસરો આધારિત છે.

આકસ્મિક રીતે વધુ માત્રામાં વિકિરણન થાય ત્યારે થયેલી ઈજાની આંકણી માટે વિકિરણની જીવવિદ્યાકીય સાપેક્ષ કાર્યદક્ષતા (relative biological efficiency) ધ્યાનમાં રાખવામાં આવે છે. વિકિરણની થોડી માત્રાથી થતી શારીરિક અસરો બે પ્રકારની છે : નિશ્ચિત (non-stochastic) અને આશંકિત (stochastic). જો વિકિરણની અસર હેઠળ આવેલા જૂથમાંના ઘણા સભ્યોમાં કોઈ ચોક્કસ પ્રકારની એકસરખી અસરો દેખા દે તો તે અસરો વિકિરણથી થઈ છે તેવી આશંકા કરી શકાય. તેવી અસરને આશંકિત અસર કહે છે. કોષમાં વિકિરણ જેટલા પ્રમાણમાં શોષાય તેટલા પ્રમાણમાં તે નિશ્ચિત પ્રકારની અસર કરે છે. નિશ્ચિત તથા આશંકિત અસરો માટે મર્યાદાસમ માત્રા (dose equivalent limit) સૂચવવામાં આવેલી છે. આ મર્યાદા બાહ્ય તેમજ આંતરિક વિકિરણને લાગુ પડે છે. અને તે તેમના સરવાળા જેટલી હોય છે. બાહ્ય વિકિરણ માટે વર્ષ દરમિયાન થયેલ કુલ વિકિરણમાત્રા(radiation dose)ને ગણતરીમાં લેવામાં આવે છે, જ્યારે આંતરિક વિકિરણની અસર તરત જ થતી હોવાથી તત્કાલીન કુલ અસરકારક માત્રાને જ ગણતરીમાં લેવામાં આવે છે.

વર્ષ દરમિયાન આરોગ્ય કાર્યકરના જુદા જુદા અવયવો પર જો 500 મિલિસીવર્ટની માત્રામાં વિકિરણ થાય તો તે બિનજોખમી ગણવામાં આવે છે. જોકે નેત્રમણિ માટે ફક્ત 150 મિલિસીવર્ટ વિકિરણ જ બિનજોખમી ગણાય. આ જોખમ નિશ્ચિત અસરોને ધ્યાનમાં લઈને ગણવામાં આવ્યું છે. આશંકિત અસરો માટે આખા શરીર પર એકસરખું વિકિરણન થાય તો તેને સુરક્ષિત મર્યાદામાં ગણવામાં આવે છે. શરીરના જુદા જુદા અવયવો પર જુદું જુદું વિકિરણન થાય તો જે તે અવયવ માટેનો ભારાંક (weightage factor) ધ્યાનમાં લેવો પડે છે.

વિકિરણવાળું ક્ષેત્ર દર્શાવતું સાવચેતીસૂચક ચિહન

વિકિરણ-કામદારના રક્ષણની જવાબદારી તેની સંસ્થાના વડાની કે માલિકની, તેનાં સાધનો બનાવતી કંપનીની છે તથા તેનો ઉપયોગ કરનાર કામદારની પોતાની પણ છે. વિકિરણનો ઉપયોગ કરતી યંત્રસામગ્રીના સ્થાપન (installation) સમયે અને સમારકામ પછી ઉપયોગમાં લેવામાં આવે તે પહેલાં તે સાધનને નિષ્ણાત પાસે ચકાસી લેવડાવવાં જોઈએ. જે વિસ્તારમાં કામ કરવાથી વિકિરણની કુલ મર્યાદાસમ માત્રાના 3/10 ભાગથી વધવાની શક્યતા રહે છે, ત્યાંનો પ્રવેશ નિયંત્રિત રાખવામાં આવે છે તથા ત્યાં વિશિષ્ટ રક્ષક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં વિકિરણની માત્રા ઓછી હોય છે ત્યાં નિરીક્ષણ હેઠળની અવરજવર કરવા દેવામાં આવે છે. વિકિરણયુક્ત સ્થળનું સતત મૉનિટરિંગ (monitoring) કરવામાં આવે છે. તેવી જ રીતે તે વિસ્તારમાંના કાર્યકરોએ આવી વ્યક્તિગત મૉનિટરિંગ માટે જરૂરી તકતી (badge) પહેરવી જોઈએ, જેના દ્વારા તેણે નિશ્ચિત સમય દરમિયાન મેળવેલા વિકિરણની નોંધ રાખી શકાય અને આવા કાર્યકરોને રક્ષણ માટેની જરૂરી સૂચનાઓ અને તાલીમ આપી શકાય. આરોગ્ય-કાર્યકરની શારીરિક તપાસની તથા તેણે મેળવેલી વિકિરણ-માત્રાની નોંધ રાખવામાં આવે છે. ગર્ભધારણ-વયની સ્ત્રીઓને વાર્ષિક 50 મિલિસીવર્ટથી વધુ માત્રામાં વિકિરણ ન મળે તે જોવાય છે. સગર્ભા સ્ત્રીના કાર્ય કરવાના વાતાવરણમાં મર્યાદાસમ માત્રાના 3/10 ભાગથી વધુ પ્રમાણમાં વિકિરણ ન હોવું જોઈએ. તેને જરૂરી રક્ષક વસ્ત્રો આપવાનું સૂચવવામાં આવે છે.

શિલીન નં. શુક્લ

દયાલચંદ અરોરા