ચંદ્રગોમી

January, 2012

ચંદ્રગોમી : બૌદ્ધ વૈયાકરણ. મ. મ. હરપ્રસાદ શાસ્ત્રીએ નેપાળમાંથી તેમના વ્યાકરણની હસ્તપ્રત મેળવી હતી (1356). જર્મન વિદ્વાન બ્રૂનો લિબીએ ટિબેટી અનુવાદ ઉપરથી તેનું પુનર્ગ્રથન કરી તેને લાઇપ્ત્સિકથી પ્રસિદ્ધ કર્યું હતું (1902).

એમના વ્યાકરણમાં સંજ્ઞાનું સ્વતંત્ર પ્રકરણ ન હોવાથી અને પાણિનિએ સૂત્રમાં જ્યાં જ્યાં ‘સંજ્ઞા’ શબ્દ વાપર્યો છે ત્યાં ત્યાં તેમણે ‘નામ’ શબ્દનો પ્રયોગ કરી તેને ટાળ્યો હોવાથી તેમનું વ્યાકરણ ‘અસંજ્ઞક’ નામથી ઓળખાય છે.

ચંદ્રગોમીએ પાણિનિ વ્યાકરણને વધુ સંક્ષિપ્ત અને વિષયવાર વિભાજિત કર્યું છે. પાણિનિના પ્રથમ 2 અધ્યાયોના વિષયોને પોતાના 6 અધ્યાયમાં સમાવિષ્ટ કર્યા છે અને 4000 સૂત્રોની સંખ્યા ઘટાડીને 3100ની કરી છે.

વ્યાકરણ ઉપરાંત ‘શિષ્યલેખા’ નામનું કાવ્ય અને ‘લોકાનંદ’ નામનું નાટક પણ તેમણે રચ્યું છે. પ્રો. હાને વીસબાર્ડનથી એનું પ્રકાશન કર્યું છે (1974).

અરુણોદય જાની