ચંદ્ર, ચંદ્રગર્ત, ચંદ્રકલંક (moon, moon craters, maria)

January, 2012

ચંદ્ર, ચંદ્રગર્ત, ચંદ્રકલંક (moon, moon craters, maria) : ચંદ્ર : પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ. વાયુ-રૂપ દ્રવ્યના સ્વતંત્ર ઘનીભવન(condensation)થી ચંદ્રની ઉત્પત્તિ થઈ હોય તેવો એક મત છે અને પછીથી પૃથ્વી વડે પ્રગ્રહણ પામ્યો હોય. પૃથ્વી સાથે જ દ્રવ્યનું ઘનીભવન થયું હોય અને પછી વિભાજનને કારણે ચંદ્ર પૃથ્વીમાંથી છૂટો પડ્યો હોય તેવો બીજો મત છે. ઘણા લાંબા સમયથી ચંદ્ર ઉપર થતી ભૂસ્તરીય પ્રક્રિયાઓ અટકી ગઈ હોવાથી તેની સપાટી પ્રાચીન તત્વો, પદાર્થો અને ઘટનાઓનો ભંડાર ગણી શકાય.

આધુનિક ઉપકરણો અને યુ.એસ. તથા યુ.એસ.એસ.આર.ના ચંદ્રારોહણના પ્રયાસોથી ચંદ્રને લગતી કેટલીક માહિતી વધુ સ્પષ્ટ બની છે. ચંદ્રની કેટલીક માહિતી નીચે પ્રમાણે છે :

1 પૃથ્વીથી (ચંદ્રનું) સરેરાશ અંતર 3,84,403 કિમી.
2 વ્યાસ 3,476 કિમી.
3 દ્રવ્યમાન 7349 × 1022 કિગ્રા. (પૃથ્વીના

દ્રવ્યમાનનો 0.0123મો અંશ)

4 સરેરાશ ઘનતા 3.34 × 103 કિગ્રા./મીટર3

(3.34 ગ્રા/સેમી3) (પૃથ્વીની

ઘનતાનો 0.604મો અંશ)

5 ગુરુત્વ-પ્રવેગ 1.62 મી/સે.2 (પૃથ્વીના

ગુરુત્વ-પ્રવેગનો 0.165 મો અંશ)

6 ભ્રમણકાળ 27.322 સૌર દિવસ

(27 દિ. 7 ક. 43 મિ.11.6 સે.)

7 સરેરાશ કક્ષીય અપકેન્દ્રતા

(orbital eccentricity)

0.054900489
8 નિષ્ક્રમણ વેગ

(escape velocity)

2.38 કિમી/સેકન્ડ
9 કક્ષીય સમતલની દીર્ઘવૃત્તીય

આનતિ (inclination of

orbital plane to ecliptic)

5°8’. 43’’
10 ચંદ્રીય વિષુવવૃત્તની દીર્ઘવૃત્તીય

આનતિ (inclination of

Lunar equator to ecliptic)

1°32’ 40’’
11 સપાટીના તાપમાનની સીમા વિષુવવૃત્ત ઉપર (બપોરે) 127°સે.

(રાત્રે) -173° સે.થી -193° સે.

ચંદ્રનું કદ નાનું છે. તેની સરેરાશ ઘનતા ઘણી ઓછી હોવાથી તેની સપાટી આગળ ગુરુત્વ-બળ ઘણું ઓછું છે. આથી ચંદ્રની આસપાસનું વાતાવરણ ચંદ્રની પકડમાં રહેતું નથી. આ કારણને લીધે જ ચંદ્રની સપાટીનાં લક્ષણો પૃથ્વીની સપાટીનાં લક્ષણો કરતાં તદ્દન ભિન્ન છે. એક સમય એવો હશે જ્યારે ચંદ્રના વાતાવરણમાં ભારે સંયોજનો મોજૂદ હોય. દિવસ દરમિયાન ચંદ્રના ઊંચા તાપમાન અને ઘણા ઓછા ગુરુત્વબળને કારણે ઘણાં હલકાં તત્વો છટકી ગયાં હશે. સૂર્યનાં પારજાંબલી કિરણો તથા ક્ષ-કિરણો વડે સપાટી પરનાં સંયોજનોની વિભાજનપ્રક્રિયા થતી રહે ત્યારે કેટલાંક તત્વો છૂટાં પડી ગયાં હશે. આ સાથે સૂર્યમાંથી આવતા વિદ્યુતભારિત કણો વડે આયનીકરણ થતાં ભારે વાયુના અણુઓ પણ છટકી ગયા હશે. ચંદ્ર તેના ઉપર આપાત થતા પ્રકાશનો થોડોક અંશ પરાવર્ત કરે છે. અર્ધચંદ્ર કરતાં પૂર્ણચંદ્ર 10 ગણો વધારે તેજસ્વી હોય છે. પૂર્ણચંદ્રની તકતીનાં ભાગ અને ધાર સરખાં તેજસ્વી હોય છે. રેડિયોતરંગોની તરંગલંબાઈવાળું ઉષ્મીય વિકિરણ ચંદ્ર ઉત્સર્જિત કરે છે.

ચંદ્રને વિકિરણ પટ્ટા નથી. આંતર-ગ્રહ ક્ષેત્રની હાજરીમાં ચંદ્રનું દ્રવ્ય ઉષ્માના અવાહક તરીકે વર્તે છે. ચંદ્રના ખડકો ચુંબકત્વ ધરાવે છે. ચંદ્રનું ચુંબકીય ક્ષેત્ર લગભગ નહિવત્ હોવા છતાં ચંદ્રના ખડકો શા માટે ચુંબકત્વ ધરાવે છે તે એક રહસ્ય છે.

ધરતીકંપની જેમ ચંદ્રકંપ (moonquakes) પ્રમાણમાં શાંત હોય છે તથા સંખ્યામાં પણ ઓછા હોય છે. ચંદ્રકંપ ઊંડે અંતર્ભાગમાં થતા હોય છે.

ચંદ્રગર્ત : ચંદ્રની સપાટી ઉપર આવેલા ગર્ત. 1 કિમી.થી 250 કિમી. વ્યાસના આશરે 30,000થી પણ વધુ ચંદ્રગર્ત ચંદ્ર ઉપર આવેલા છે. આ ગર્ત પ્રમાણમાં સારી ઊંડાઈના હોય છે. કોપરનિકસ નામક ગર્તની ઊંડાઈ આશરે 33.3 મીટર જેટલી છે. આ ગર્તના અસ્તિત્વ વિશે એવું મનાય છે કે ચંદ્રની ઉત્પત્તિના પ્રારંભિક 50થી 70 કરોડ વર્ષ દરમિયાન તેની સપાટી ઉપર સતત ઉલ્કાઓના મારાને કારણે તે ઉદભવેલા છે.

ચંદ્રકલંક : ટેલિસ્કોપ તેમજ અદ્યતન ઉપકરણો શોધાયાં તે પહેલાં, ચંદ્રની સપાટી ઉપર દેખાતાં કાળાં ધાબાં. 1600માં ગૅલિલિયોએ ટેલિસ્કોપ વડે લીધેલાં અવલોકનથી પ્રતિપાદિત કર્યું કે ચંદ્રની સપાટી ઉપર ગર્ત, ખડકો, ખીણો તથા મોટાં મેદાન આવેલાં છે. આ બધાંમાં સપાટ મેદાનો વધુ પ્રમાણમાં છે અને આજે તે કલંક તરીકે ઓળખાય છે. આ મેદાનોની ઉત્પત્તિ વિશે સત્તરમી સદીમાં એમ માનવામાં આવતું કે તે ઉત્પન્ન થયાં તે પહેલાં ત્યાં સમુદ્ર હશે અને તેનું પાણી સુકાઈને મેદાન બન્યાં હશે. લૅટિન ભાષામાં સમુદ્ર એટલે mare. તેથી કલંકનું Maria નામ પડ્યું હશે. આ પૈકીનું સૌથી મોટું મેદાન ‘મેર ઇમ્બ્રિયમ’ (Mare Imbrium) 1100 કિમી. પહોળું છે. તદુપરાંત ‘મેર નુબિયમ’ (Mare Nubium), ‘મેર નેક્તારીસ’ (Mare Nectaris), ‘મેર ત્રાંક્વિલિતાતિસ’ (Mare Tranquilitatis) અને ‘મેર સરેનિતાતિસ’ (Mare Sarenitatis) જેવાં મુખ્ય કલંક પણ ચંદ્ર ઉપર આવેલાં છે.

દીપક ભદ્રમુખ વૈદ્ય