બિદર : કર્ણાટક રાજ્યના છેક ઈશાન કોણમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 17° 35´થી 18° 25´ ઉ. અ. અને 76° 42´થી 77° 39´ પૂ. રે. વચ્ચેનો 5,448 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તાર અને વસ્તીના સંદર્ભમાં રાજ્યના નાના ગણાતા જિલ્લાઓ પૈકીનો તે એક છે. તેની ઉત્તર વાયવ્ય અને પશ્ચિમ તરફ મહારાષ્ટ્રના નાંદેડ અને ઉસ્માનાબાદ જિલ્લા, પૂર્વ તરફ આંધ્રપ્રદેશના નિઝામાબાદ અને મેડક જિલ્લા તથા દક્ષિણે રાજ્યનો ગુલબર્ગ જિલ્લો આવેલા છે.

ભૂપૃષ્ઠ : ભૂપૃષ્ઠની ર્દષ્ટિએ આ જિલ્લો રાજ્યના અન્ય જિલ્લાઓથી જુદો પડી આવે છે. બિદર જિલ્લાનું ભૂપૃષ્ઠ દખ્ખણના ઉચ્ચપ્રદેશથી બનેલું છે. ત્યાં રાતા રંગની જમીનનું આવરણ જોવા મળે છે. જિલ્લાનો બાકીનો મોટો ભાગ નીચાણવાળો છે, ઉત્તર ભાગ કપાસની કાળી જમીનો ધરાવે છે. તેની ભેજસંગ્રહક્ષમતા વધુ છે. અહીંની ફળદ્રૂપ જમીનોમાંથી ધાન્ય, ફળો, શાકભાજી અને વેલાઓની સારી ઊપજ મળી રહે છે. સમૃદ્ધ ભૂગર્ભ જળપુરવઠાને કારણે ખેતીની પેદાશો લઈ શકાય છે, દક્ષિણના ઉચ્ચપ્રદેશ પર સૂકું ઘાસ થાય છે, થોડા પ્રમાણમાં વાવેતર પણ કરી શકાય છે.

જળપરિવાહ : આખોય જિલ્લો ડેક્કન ટ્રૅપરચનાના લાવાના થરથી બનેલો વિસ્તાર છે. 1,989 ચોકિમી. થાળા-વિસ્તાર ધરાવતી માંજરા અહીંથી પસાર થતી મોટી નદી છે. તે ગોદાવરીની શાખા-નદી છે; પરંતુ કરંજા માંજરા(મંજીરા)ની શાખા-નદી હોવા છતાં આ જિલ્લાની મુખ્ય નદી છે, તે જિલ્લાના નીચાણવાળા મધ્ય ભાગમાંથી વહે છે, તેનો થાળા-વિસ્તાર 2,422 ચોકિમી. જેટલો છે. કૃષ્ણા નદીના થાળાની મુલ્લામદી અને ગૌદારનાળા નામની બે નાની નદીઓ 585 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આ બધી નદીઓ નૌકાવ્યવહાર માટે અનુકૂળ નથી. વળી અહીં વરસાદનું પ્રમાણ મધ્યમસરનું રહેતું હોવાથી તેમાં પૂર પણ આવતાં નથી.

આબોહવા : જિલ્લો સમુદ્રથી દૂર હોઈને મે માસમાં ગુરુતમ તાપમાન 40°થી 42° સે. જેટલું અને જાન્યુઆરીમાં લઘુતમ તાપમાન 16°થી 25° સે. જેટલું રહે છે. ઉચ્ચપ્રદેશીય ભૂપૃષ્ઠ હોવાથી મેદાની ભાગ કરતાં ઉનાળામાં અહીં તાપમાનમાં ફરક પડે છે. અહીં વરસાદ 750 મિમી. જેટલો પડે છે.

જંગલો : આ જિલ્લામાં માત્ર 3% ભૂમિવિસ્તાર જંગલોવાળો છે, જંગલપેદાશોનું પ્રમાણ આ કારણે તદ્દન ઓછું છે. જંગલોનો 50 % વિસ્તાર હોમનાબાદ તાલુકામાં આવેલો છે. અહીંનાં જંગલોમાંથી કેરી, સીતાફળ, આમલી તથા બીડી માટેનાં પાન મળે છે.

ખેતી-સિંચાઈ : જિલ્લામાં જ્યાં જ્યાં ફળદ્રૂપ જમીનો આવેલી છે ત્યાં ખેતીનું પ્રમાણ વધુ છે. જિલ્લાની કુલ ભૂમિનો આશરે 85 % ભાગ ખેડાણ હેઠળ છે. મધ્યમસરના વરસાદને કારણે સૂકી ખેતી થાય છે. જિલ્લામાં નહેરસિંચાઈની ખાસ સગવડ નથી, સિંચાઈ-યોજના માટેનો એકમાત્ર સ્રોત કરંજા નદી છે. છેલ્લાં થોડાંક વર્ષોથી તેનો ઉપયોગ શરૂ થયેલો છે. ભવિષ્યમાં બિદર અને ભાલકી તાલુકાઓને પણ તેનો લાભ મળશે. દરેક તાલુકાઓમાં નાનાં નાનાં (50 જેટલાં) તળાવો છે, હજારો કૂવાઓ છે, તેનાથી જમીનોને સિંચાઈનો લાભ મળે છે. ઘઉં, જુવાર, તુવેર અને ચણા જિલ્લાના મુખ્ય કૃષિપાકો છે. ઘઉંનો પાક સિંચાઈથી અને બાકીના વરસાદથી લેવાય છે.

બિદર જિલ્લો

અન્ય કૃષિપાકોમાં શેરડી તથા મગફળી અને સૂરજમુખી જેવાં તેલીબિયાં થાય છે. ખાદ્ય અને અખાદ્ય પાકોની ટકાવારી અનુક્રમે 75 % અને 16 % જેટલી છે. રેશમકીટપાલન 1976થી શરૂ કરવામાં આવેલું છે. તેનાથી અત્યાર સુધીમાં આશરે 100 જેટલાં કુટુંબોને આર્થિક લાભ થયો છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.

પશુપાલન : ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલનની પ્રવૃત્તિ પણ વિકસી છે. જિલ્લામાં આશરે 5 લાખથી વધુ ઢોર તેમજ 1 લાખથી વધુ મરઘાંનો ઉછેર થાય છે. મરઘાં-ઉછેરની પ્રવૃત્તિ બિદર ખાતે વિકસી છે. બળદોનું અહીં ઘણું મહત્વ છે, કૂવાઓમાંથી પાણી ખેંચવા માટે તેમનો ઉપયોગ થાય છે; એ જ રીતે દૂધ અને કુદરતી છાણિયા ખાતર માટે ભેંસોનું પણ એટલું જ મહત્વ છે. ઘેટાં-બકરાંના ઉછેરની પ્રવૃત્તિ પણ થાય છે. જિલ્લાનાં જુદાં જુદાં અનુકૂળ સ્થાનોમાં આશરે 20 જેટલી સહકારી દૂધ-ઉત્પાદક મંડળીઓ કામ કરી રહી છે. અહીંથી હૈદરાબાદ અને ગુલબર્ગ ખાતે દૂધનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

ઉદ્યોગો-વેપાર : રાજ્યમાં આ જિલ્લો ઔદ્યોગિક ર્દષ્ટિએ પછાત ગણાય છે. અહીં વિશાળ કે મધ્યમ કક્ષાના કોઈ ઉદ્યોગો વિકસ્યા નથી. 1990ના દશકાથી અહીં સહકારી ક્ષેત્રે ચાલતું ખાંડનું કારખાનું કામ કરી રહ્યું છે. આ કારણે શેરડીના વધુ ઉત્પાદન માટે પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. આ સાથે ખાંડસરીના તથા આસવનિર્માણના એકમો પણ વિકસ્યા છે. ખાદ્યતેલો, કૃષિવિષયક ઓજારો – સહાયકારી સાધનો, તેમજ લાકડાની પાટડીઓ બનાવવાના એકમોનો પણ વિકાસ થતો ગયો છે. બિદર પરંપરાગત હસ્તકૌશલ્યની ચીજવસ્તુઓ માટે પણ જાણીતું છે. ખાણક્ષેત્રે સોપસ્ટોન, લેટેરાઇટ અને બેસાલ્ટ(બાંધકામ-સામગ્રી)નું ખનન કરવામાં આવે છે. 35 %થી 40 % એલ્યૂમિનાધારક સિલિકાયુક્ત બૉક્સાઇટ મૃદ બસવકલ્યાણ અને માનખેડ નજીક મળતી હોવા છતાં તેમજ અગ્નિજિત માટીની ઈંટો બનાવવા માટેની સફેદ મૃદના વિશાળ નિક્ષેપો કમથાણા નજીક મળતા હોવા છતાં તેમનું મોટા પાયા પર ખનન થતું નથી. આ સિવાય ઔરદ અને સીરસી નજીક રાતા ગેરુના પટ્ટા પણ મળે છે.

ખાદ્યાન્ન, ખાદ્ય તેલો તથા કાપડ બહારથી મંગાવવામાં આવે છે. ઔરદ, બસવકલ્યાણ અને ભાલકી નગરોમાં આવેલા એકમોને નિભાવવા ચામડાં અને ખાલ, રૂ તથા શેરડી પણ બહારથી મંગાવાય છે. સાબુ અને હાથસાળનું કાપડ જિલ્લામાં બનતી પેદાશો છે. આ ઉપરાંત અહીં તેલીબિયાંના પાકને લીધે તેલમિલો અને રૂને કારણે જિન-પ્રેસનાં કારખાનાં વિકસ્યાં છે. બિદર તારકસબ અને ધાતુકામ માટે પણ જાણીતું છે.

પરિવહન-પ્રવાસન : રેલમાર્ગો અને સડકમાર્ગો અહીં પૂરતા પ્રમાણમાં વિકસ્યા ન હોવાથી પરિવહનક્ષેત્રે આ જિલ્લો પછાત છે. અહીંથી માત્ર  79 કિમી. લંબાઈનો રેલમાર્ગ પસાર થાય છે. 1,444 કિમી. લંબાઈના સડકમાર્ગો પૈકી 796 કિમી.ના માર્ગો ગ્રામીણ વિસ્તારોમાં આવેલા છે. 75 કિમી. જેટલો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે. આ જિલ્લામાંનાં ઔરદ, બસવકલ્યાણ, ભાલકી, બિદર, ચિત્તગોપા, હોમનાબાદ નગરો ઐતિહાસિક ર્દષ્ટિએ જાણીતાં હોવાથી પ્રવાસીઓ માટે આકર્ષણનાં કેન્દ્રો બની રહેલાં છે. આ જિલ્લાનું સામાજિક-સાંસ્કૃતિક લોકજીવન પરંપરાગત રીતે જળવાઈ રહેલું છે.

વસ્તી : 1991 મુજબ જિલ્લાની વસ્તી 12,55,799 જેટલી છે; તે પૈકી 6,43,192 પુરુષો અને 6,12,607 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તી અનુક્રમે 10,10,096 અને 2,45,703 જેટલી છે. ધર્મવિતરણની ર્દષ્ટિએ હિન્દુઓ : 9,27,606; મુસ્લિમ : 2,41,978; ખ્રિસ્તી : 39,539; શીખ : 815; બૌદ્ધ : 44,274; જૈન : 517; અન્યધર્મી : 148 અને ઇતર 922 છે. આ જિલ્લામાં કન્નડ, હિન્દી, મરાઠી, તેલુગુ અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. કુલ વસ્તી પૈકી શિક્ષિતોની સંખ્યા 4,51,061 જેટલી છે; તે પૈકી 3,02,346 પુરુષો અને 1,48,715 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 3,15,874 અને 1,35,187 જેટલું છે. જિલ્લાનાં મોટાભાગનાં ગામડાંઓમાં પ્રાથમિક શાળાઓ, 186 ગામડાંઓમાં માધ્યમિક અને 39 ગામડાંઓમાં ઉચ્ચ/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા એક ગામમાં જુનિયર કૉલેજ છે, જ્યારે જિલ્લાનાં 5 નગરોમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક તથા જુનિયર કૉલેજો છે, તેમજ 4 નગરોમાં સ્નાતક-કક્ષાની કૉલેજો છે. બિદર ખાતે જુદી જુદી વિદ્યાશાખાઓની 28 જેટલી કૉલેજો છે, તે પૈકી ઇજનેરી ડિપ્લોમા કક્ષાની પૉલિટૅકનિક પણ છે. જિલ્લાનાં 5 નગરોમાં તથા 10 % ગામડાંઓમાં તબીબી સુવિધા માટે હૉસ્પિટલ કે દવાખાનાં આવેલાં છે.

બિદર જિલ્લો કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશનાં રાજ્યોની સીમાને ત્રિભેટે આવેલો હોવાથી આજે પણ તે મુખ્ય ત્રણ લોકસમૂહોથી બનેલો છે, તેમજ તેની સંસ્કૃતિ મિશ્ર પ્રકારની છે. દક્ષિણ ભારતમાંના તેના મધ્યના મોકાના સ્થાનને કારણે તેનું સ્થાન મહત્વનું બની રહેલું છે. અહીંનાં જુદાં જુદાં નગરોમાં તેના ઇતિહાસને યાદ કરાવતાં ખંડિયેરો આજે પણ નજરે પડે છે.

વહીવટી સરળતા માટે જિલ્લાને પાંચ તાલુકાઓમાં વહેંચેલો છે. અહીં પાંચ નગરો (બિદર, બસવકલ્યાણ, ભાલકી, હોમનાબાદ, સંતપુર) તથા 609 (22 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : દંતકથા અનુસાર બિદરનો ઇતિહાસ વિદર્ભના પ્રાચીન સામ્રાજ્યના ઇતિહાસ સાથે જોડાયેલો છે. તેના ઉલ્લેખો ‘માલવિકાગ્નિમિત્ર’, મહાભારત તેમજ પુરાણોમાં મળે છે. પહેલાં ‘વિદર્ભ’ નામથી ઓળખાતો વિસ્તાર આજે ‘વરાડ’ નામથી જાણીતો છે. એમ જણાય છે કે ‘બિદર’ નામ કદાચ બિદરૂ (વાંસ) પરથી ઊતરી આવ્યું હશે, અર્થાત્ આ પ્રદેશ જૂના વખતમાં વાંસ માટે જાણીતો હશે. બિદરની દક્ષિણે આવેલા ગુલબર્ગ જિલ્લાના ચેન્નામલ્લીશે 1700માં લખેલી કથા ‘વીરસંગય્યાન ચૌપદ’માં ‘બિદરૂરૂ’(બિદર્+ઊરુ)નો ઉલ્લેખ મળે છે. આજે પણ કન્નડમાં આ નગર બિદરકોડુ (વાંસનું નગર) તરીકે જાણીતું છે.

મહમૂદ ગાવાંની મદરેસા, બિદર

બિદર (શહેર) : બિદર જિલ્લાનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 17° 54´ ઉ. અ. અને 77° 33´ પૂ. રે. પર તે જિલ્લાના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલું છે. સમુદ્રસપાટીથી 700 મીટરની ઊંચાઈ પર વસેલું આ શહેર મુંબઈ–હૈદરાબાદ રેલમાર્ગ પર આવેલું છે. તે ઉચ્ચપ્રદેશની ધાર પર નજીકમાં મેદાનોથી 60 મીટરની ઊંચાઈ પર હોવાથી આજુબાજુની ખીણોનાં નયનરમ્ય શ્યો તથા ઉત્તર અને ઈશાન તરફનાં ખેતરો જોવા મળે છે.

ઇતિહાસ : બહમની રાજ્યનું પાટનગર ગુલબર્ગથી 1425માં બિદર લઈ જવામાં આવ્યું. વારંગલ જીત્યા પછી રાજધાની તરીકે બિદર મધ્યમાં હતું. રશિયન પ્રવાસી એથનેસિયસ નિકિતિને 1470માં બિદરની મુલાકાત લઈને તેને મુસ્લિમ હિંદનું મુખ્ય શહેર ગણાવ્યું હતું. 1538માં બહમની વંશનો અંત આવ્યો અને બિદરમાં અમીરઅલી બરીદે બરીદશાહી વંશની સ્થાપના કરી. એ રાજ્ય 1619માં બિજાપુરના રાજ્યમાં સમાવી લેવામાં આવ્યું.

અહમદશાહ બહમનીએ 1426થી 1432 દરમિયાન બંધાવેલો બિદરનો કિલ્લો ઘણો મજબૂત હતો. કિલ્લાની અંદરના ભાગમાં મહેલો, મસ્જિદો અને બીજી ઇમારતોના અવશેષો આવેલા છે. કિલ્લાના 4 કિમી.ના ઘેરાવામાં 37 બુરજો અને કેટલીક તોપોના અવશેષો છે. તખ્ત મહેલ ભવ્ય અને શિલ્પકાળથી શણગારેલી ઇમારત છે, તેમાં ઊંચી કમાનો અને વિશાળ ખંડ છે. અલી બરીદ(1542–1580)નો રંગીન મહેલ કાળા પથ્થરનો બનાવેલ છે અને સ્થાપત્યનો જોવાલાયક નમૂનો છે. આ ઉપરાંત સોલા ખંભા મસ્જિદ, તર્કશ મહેલ, ગગન મહેલ, મહમૂદ ગાવાનની ચોબારા મદરેસા વગેરે ઇમારતો બિદરની શોભા વધારે છે. આ ત્રણ માળની ઇમારતમાં મસ્જિદ, ગ્રંથાલય, વ્યાખ્યાન-ખંડો, અધ્યાપકોના ખંડો વગેરેનો સમાવેશ થાય છે. તેની દરેક બાજુએ મિનારા અને આગળ બે ઊંચા ટાવર છે. ત્યાંનું નરસિંહ ગુફા મંદિર ટનલમાંથી ખોદીને કાઢવામાં આવ્યું છે.

બિદરમાં વિનયન, વાણિજ્ય, શિક્ષણ, આયુર્વેદ, ફાર્મસી તથા ઇજનેરીની કૉલેજો આવેલી છે.

બિદર નગરથી 68 કિમી. અંતરે આવેલું કલ્યાણ (બસવકલ્યાણ) દસમીથી બારમી સદી દરમિયાન બીજા ચૌલુક્ય વંશનું પાટનગર રહેલું. મધ્ય યુગના હિન્દુ વંશના રાજવીઓના શાસન વખતે  બિદરનું ઘણું જ મહત્વ હતું.  ત્યારે (1425) તે બહમનીનું પાટનગર હતું.

બિદરની મદ્રેસા (પંદરમી સદી) : બહમની રાજવંશના મહમૂદ ગાવાંએ પંદરમી સદીમાં બિદરમાં ઈરાની શૈલીમાં બંધાવેલ મદ્રેસા વિદ્યાલય.

મહમૂદ ગાવાં મૂળ ઈરાનનો વિદ્વાન હતો અને મહમૂદ શાહ ત્રીજાનો મંત્રી હતો. તે વિદ્યાઓનો આશ્રયદાતા (patron) હતો. વિદ્યાઓને આશ્રય આપવાના હેતુથી જ તેણે ઉપર્યુક્ત મદ્રેસા બંધાવી હતી. દખ્ખણ(ડેક્કન)માં માભોમ ઈરાનનું વાતાવરણ ઊભું કરવા તેણે માત્ર કારીગરો જ નહિ, પણ બાંધકામમાં વાપરવાના પથ્થરો પણ ઈરાનથી મંગાવ્યા હતા અને નખશિખ ઈરાની સ્થાપત્યનો નમૂનો તૈયાર કરાવ્યો હતો.

આ ઇસ્લામિયા કૉલેજમાં વ્યાખ્યાનખંડો, પુસ્તકાલય, મસ્જિદ તથા વિદ્યાર્થીઓ અને વ્યાખ્યાતાઓના નિવાસો જેવી વ્યવસ્થાઓ હતી અને તેમાં ઈરાનનાં નગરો કે સમરકંદ–તાશ્કંદના સ્થાપત્ય જેવી શૈલી હૂબહૂ અપનાવી હતી. પછીથી એ સ્થાપત્યમાં થયેલ સુધારા-વધારાથી મૂળ રચનાને નુકસાન પણ પહોંચ્યું છે. આમ છતાં એ મદ્રેસાનો નકશો (plan) ખૂબ સ્પષ્ટ છે. તેની લંબાઈ 62.48 મીટર અને પહોળાઈ 54.86 મીટર છે. પ્રવેશદ્વારવાળી બહારની બાજુ(ફસાદ)ને બે ખૂણે બે ઊંચા મિનારા છે. મકાનની વચ્ચે લંબચોરસ ચોક છે જ્યાં બધા સભાખંડ અને ઓરડા ખૂલે છે. આ ચોકની પાછળ સપાટ છત પર અર્ધ-અષ્ટ-કોણાકારનું બાંધકામ છે, જેની ખાસ્સી ઊંચાઈએ ‘તાર્તાર’ ઘુમ્મટ છે.

મકાનનું ઊર્ધ્વદર્શન ત્રણ મજલામાં વહેંચાયેલું છે. આ ત્રણેય મજલામાં કોણાકાર કમાનવાળી બારીઓ છે. જે ખાસ્સી પહોળી છે. મકાનની દીવાલોની સપાટીની રચના પ્રભાવક છે. તેમાં ઈરાની સ્થાપત્યની લાક્ષણિકતા દેખાય છે. તેજસ્વી ચમકદાર ટાઇલ્સના રંગોથી પૂરી સપાટી ભરી દેવાઈ છે. આ રીતે જે ભાતો ઉપસાવાઈ છે તેમાં સફેદ, લીલો અને પીળો રંગ મુખ્ય છે. તેમાં ફૂલપત્તીની અને ઈરાનની લાક્ષણિક અમૂર્ત ભૌમિતિક (arabesques) ભાતો ધ્યાન ખેંચે છે. વળી બારીઓના કઠેડા પર નિષ્ણાતો વડે સુલેખન (calligraphy) કરાવવામાં આવ્યું છે,  જે વિશેષ લાવણ્યસભર અને ભારે અસરકારક છે.

ટાઇલ્સનો ચળકાટ ભેજથી ઝાંખો ન પડી જાય તે માટે પથ્થરના પાયામાં વચ્ચે વચ્ચે સીસાનાં પતરાં જડ્યાં છે. આમ છતાં ભેજ ઉપરની દીવાલો સુધી પહોંચ્યો છે અને તેથી રંગોની તીવ્રતા ઝંખવાઈ છે.

ગિરીશભાઈ પંડ્યા

શિવપ્રસાદ રાજગોર

જયકુમાર ર. શુક્લ

અમિતાભ મડિયા