ચહેરાનો વિપત્તિકારક ચેપ

January, 2012

ચહેરાનો વિપત્તિકારક ચેપ : ચહેરા પર લાગતો જોખમી ચેપ. ચહેરામાં લોહીનું પરિભ્રમણ પુષ્કળ હોય છે. વળી નાકના ટેરવા અને હોઠોની આસપાસના ભાગમાંની શિરાઓ (veins) ચહેરાના સ્નાયુઓ તથા નેત્રકોટર(orbit)માંની નસો સાથે જોડાયેલી હોય છે અને તે દ્વારા ચહેરો ખોપરીની અંદર મગજની આસપાસ આવેલી શિરાઓ સાથે પણ જોડાણ ધરાવે છે. મગજની નીચલી સપાટી પાસે આંખની ર્દષ્ટિચેતા તથા આંખના ડોળાને ફેરવતી ચાલકચેતા(motor nerves)નો સમૂહ તથા ચહેરાની સંવેદનાઓ લઈ જતી ત્રિશાખી ચેતા (trigeminal nerve) નામની પાંચમી કર્પરી (cranial) ચેતા એમ ખોપરીની કુલ 5 ચેતાઓ નજીક નજીકથી પસાર થાય છે. તે સ્થળે મગજની કેટલીક શિરાઓ તથા ચહેરાની ઉપર જણાવેલી શિરાઓ સાથે જોડાણ ધરાવતો છિદ્રાળુ શિરાવિવર (cavernous sinus) નામનો શિરાનો પહોળો લોહી ભરેલો ભાગ આવેલો છે.

નાક અને મોંની આસપાસના ભાગ પર ફોલ્લી, ગૂમડું કે પાકેલો ખીલ થાય અને તેને ચૂંટવામાં, ચોળવામાં કે કાપવામાં આવે તો તેમાંનો ચેપ તે વિસ્તારની શિરાઓ દ્વારા ખોપરીમાં મગજની નીચે આવેલા છિદ્રાળુ શિરાવિવર અથવા કૅવર્નસ સાયનસમાં ફેલાય છે. તે સમયે તે બાજુની આંખમાં દુખાવો થાય છે, માથું દુખે છે, આંખનો ડોળો લાલ થાય છે અને બહાર તરફ ઊપસી આવે છે. વધુ તીવ્ર ચેપ હોય તો દર્દી બેભાન થાય છે અને ક્યારેક ર્દષ્ટિ ગુમાવે છે અથવા મૃત્યુ પણ પામે છે. જોકે ઍન્ટિબાયૉટિકના આ યુગમાં મૃત્યુ થવાની સંભાવના ઘણી જ ઓછી થઈ ગઈ છે. સામાન્ય રીતે ચહેરાના આ વિસ્તારના ચેપને સ્થાનિક સારવાર અને ઍન્ટિબાયૉટિક દવા વડે મટાડવામાં આવે છે.

(1) આંખ, (2, 3, 4) ચહેરાની શિરાઓ, (5, 6, 8) ચહેરા અને મગજની શિરાઓને જોડતી નસો, (7) મગજની નીચલી સપાટી પર આવેલું છિદ્રાળુ શિરાવિવર (cavernous sinus), (9) મગજ, (10) ચહેરાના વિપત્તિકારક ચેપની જગ્યા, (11) કવર્નસ સાયનસમાંના ચેપને કારણે આંખમાં દુખાવો તથા સોજો.

શિલીન નં. શુક્લ

સોમાલાલ ત્રિવેદી