ચંગીઝખાન

January, 2012

ચંગીઝખાન (જ. 1167, મોંગોલિયા; અ. 25 જૂન 1227, જિ. ચિંગશુઈ, ચીન) : વિશ્વવિજેતા તરીકે અપ્રતિમ યુદ્ધકૌશલ અને પરાક્રમથી ધરા ધ્રુજાવનાર મૉંગોલ સમ્રાટ. મૂળ નામ ટેમુજીન કે ઝેંગીસ. મૉંગોલિયાની સરહદે આવેલ ઑનાન નદીના જમણા કાંઠે આવેલ ગામ જન્મસ્થળ. બોરજીન જાતિના રાજવંશી પિતા યેગુસીનું ઝેરથી મૃત્યુ થયું ત્યારે ચંગીઝખાનની વય 9 વરસની હતી. તેની પત્નીનું નામ બોર્ટે હતું.

ચંગીઝખાન

પિતાના મૃત્યુ પછી ચંગીઝખાન તથા તેની માતાને તુચ્છ ગણી તયચીઉતે સત્તા કબજે કરી. યુવાન ચંગીઝખાનને પકડી લઈને તેની સાથે ગુલામ કરતાં પણ વધારે ખરાબ વર્તાવ કરવામાં આવ્યો હતો. સંત્રીની ગફલતનો લાભ લઈને તે નાસી ગયો અને બીજી મૉંગોલ ટોળીના નાયક તુઘ્રીલખાનની મૈત્રી સાધી તેણે 20,000 સૈનિકોની સહાય મેળવી. આ ઉપરાંત તેના બાલમિત્ર જામુકાએ પણ તેને સહાય કરી. આ લોકોની સહાયથી તેણે પિતાનો ઘાત કરનાર તાર્તાર લોકોને 1202માં, કેરકીટ ટોળીને 1203માં અને નૈમાન જાતિને 1204માં હરાવી. તેની બરોબરી કરી સ્પર્ધા કરે તેવા એક પણ આગેવાનને તેણે જીવતો રહેવા ન દીધો. તુઘ્રીલખાન તથા જામુકાની પણ આવી જ વલે કરી.

1206માં ‘કુરીલતાઈ’(સભા)માં મળેલા બધા વિભાગના મૉંગોલોએ તેને મૉંગોલ જાતિના સર્વોચ્ચ ‘ખાન’ તરીકે જાહેર કર્યો અને ‘સમગ્ર દુનિયાના બાદશાહ’(Universal Monarch)નું તેને બિરુદ મળ્યું.

મૉંગોલ સામ્રાજ્ય

તેણે ચીન ઉપર ચડાઈ કરતાં પહેલાં ચીનની વાયવ્ય સરહદે આવેલ કાન્સુ અને ઓરડોસ પ્રદેશના શાસક ટેન્ગુર ટોળીનો પ્રદેશ જીતી લીધો. ત્યારબાદ 1211માં ચીનની મહાન દીવાલની ઉત્તર તરફનો ભાગ જીતી લીધો. 1214ના પ્રારંભમાં પીળી નદીની ઉત્તરનો પ્રદેશ તેણે કબજે કર્યો. ચીની શહેનશાહે પોતાની પુત્રી ચંગીઝખાન સાથે પરણાવી પુષ્કળ ધન આપી તેની સાથે સુલેહ કરી. તેમ છતાં, 1215માં તેણે ફરી ચીન ઉપર આક્રમણ કરી બેજિંગ જીતી લીધું. ત્યારબાદ નૈમાન રાજકુમાર કુચલુગને હરાવી કારાખીટાઈનો પામીરનો પ્રદેશ કબજે કર્યો.

સ્ટેપીઝ તથા પૂર્વ ચીનનો પ્રદેશ કબજે કર્યા પછી તેણે ખીવ ઉપર ચડાઈ કરી. ચંગીઝખાન દ્વારા રક્ષાયેલી મુસ્લિમ વણજાર ઉપર હુમલો કરાતાં અને તેના બે એલચીઓનું ખૂન કરાતાં તેણે યુદ્ધ જાહેર કર્યું. સમરકંદ, બુખારા વગેરે એક પછી એક શહેરો કબજે કરી, લૂંટ ચલાવી, સામે થનારની કતલ કરી, બગીચા અને ખેતરો તથા નહેરોનો નાશ કરી તેણે સમગ્ર પ્રદેશ વેરાન કરી દીધો. તેના સેનાપતિએ પાછા ફરતાં રશિયાનો નીપર નદી સુધીનો પ્રદેશ, કૉકેસસ પ્રદેશ અને ક્રિમિયા કબજે કર્યાં. પૂર્વ ઈરાનનો કાસ્પિયન સમુદ્ર સુધીનો પ્રદેશ પણ કબજે કરાયો હતો. 1221માં અફઘાનિસ્તાન ઉપર હુમલો કરી તેણે બલ્ખ જીતી લીધું. ત્યારબાદ મૉંગોલિયા તરફ પ્રયાણ કરતાં ચીનના કાન્સુ પ્રાંતના લીયુપાનના ડુંગરો નજીક ઘોડા ઉપરથી પડી જવાથી ચિંગશુઈ જિલ્લાના ગ્રીષ્મભવનમાં તેનું 1227માં મૃત્યુ થયું.

તેની અદભુત વ્યવસ્થાશક્તિ, શિસ્તબદ્ધ લશ્કર તથા સાહસિક સ્વભાવને કારણે તેણે પોતાના દોઢ લાખ સૈનિકોના લશ્કરથી વધારે સંખ્યાબળ ધરાવતા તેના વિરોધીઓને સખત હાર આપી. અગાઉ માણસોને અફવા ફેલાવવા મોકલી દુશ્મન સૈનિકોને નાસીપાસ કરવાની તથા તેમનામાં ભાગલા પડાવવાની નીતિ તેણે અખત્યાર કરી હતી. તે અભણ હતો પણ તેની સમજશક્તિ સારી હતી. વફાદારીની તે કદર કરતો. તેના ઘડેલા કાયદા આજે પણ સારા ગણાય છે. તેણે પશ્ચિમમાં એડ્રિયાટિક સમુદ્રથી પૂર્વમાં પૅસિફિક મહાસાગર સુધી ફેલાયેલા વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કરી ઇતિહાસમાં પોતાનું નામ રોશન કર્યું હતું.

શિવપ્રસાદ રાજગોર