બાલ્ટિક સમુદ્ર : ઉત્તર યુરોપના પશ્ચિમ ભૂમિભાગ વચ્ચે આવેલો સમુદ્ર. તે આટલાન્ટિક મહાસાગરના એક ફાંટારૂપે યુરોપના વાયવ્ય ભાગમાં પથરાયેલો છે. આ સમુદ્ર આશરે 50°થી 65° ઉ. અ. અને 10°થી 27° પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ વિસ્તાર આશરે 4,20,000 ચોકિમી. જેટલો છે. તેની લંબાઈ આશરે 1,600 કિમી. અને પહોળાઈ સ્થાનભેદે આશરે 350થી 650 કિમી. જેટલી છે. તેની વધુમાં વધુ ઊંડાઈ લૅન્ડશાર્ત ખાતે 510 મીટર જેટલી છે. અખાતો અને ઉપસાગરો સહિત તેના કિનારાની કુલ લંબાઈ આશરે 8,000 કિમી. જેટલી થાય છે.
બાલ્ટિક સમુદ્ર સ્કૅન્ડિનેવિયન દ્વીપકલ્પને યુરોપ ખંડના ઉત્તર કિનારાથી અલગ પાડે છે, તો ફિનલૅન્ડ, જર્મની, પોલૅન્ડ, સ્વીડન અને રશિયાને ઉત્તર સમુદ્ર તથા આટલાન્ટિક મહાસાગર સાથે જોડે છે. ગોટા નહેર સ્વીડનના બાલ્ટિક કિનારાને તેના પશ્ચિમ કિનારા સાથે ટૂંકા માર્ગે જોડી આપે છે. કીલની નહેર બાલ્ટિક સમુદ્રને ઉત્તર સમુદ્ર સાથે જોડે છે. સ્કૅન્ડિનેવિયન દ્વીપકલ્પ અને ડેન્માર્ક વચ્ચેની સાંકડી સામુદ્રધુની પૈકી ગ્રેટ બેલ્ટ અને લિટલ બેલ્ટ મુખ્ય છે. પશ્ચિમ તરફ સ્કાગેરાકની સામુદ્રધુની આવેલી છે. તે ઉત્તર સમુદ્ર સાથે સેતુ સમાન છે. ઈશાન તરફ આવેલી કટિગાટ સામુદ્રધુની ડેન્માર્ક અને સ્વીડનને જુદા પાડે છે. આ સમુદ્રમાં બૉથનિયાનો અખાત, ફિનલૅન્ડનો અખાત અને રીગાનો અખાત મુખ્ય ફાંટાઓ છે. બૉથનિયાનો અખાત પૂર્વ તરફ અને ફિનલૅન્ડનો અખાત ઉત્તર તરફ લંબાયેલો છે. ટાપુશૃંખલા રીગા અખાતના પ્રવેશમાર્ગનું રક્ષણ કરે છે. બૉથનિયાના અખાતના મુખની આરપાર ઍલૅન્ડ ટાપુઓ અવરોધરૂપ બની રહેલા છે. આ સમુદ્રમાં બૉર્નહોમ (ડૅન્માર્ક), ઑલૅન્ડ અને ગૉટલૅન્ટ (સ્વીડન) તથા ઍલૅન્ડ (ફિનલૅન્ડ) જેવા ટાપુઓ આવેલા છે. ઍલૅન્ડ ટાપુઓ સ્વીડન અને ફિનલૅન્ડને જુદા પાડે છે.
બાલ્ટિક સમુદ્રના કિનારા નજીક કોપનહેગન, ડેન્સ્ક, કીલ, ક્લેપડા, રીગા અને સ્ટૉકહોમ જેવાં અગત્યનાં શહેરો તથા લ્યૂબેક, રૉસ્તૉક, ડેન્ઝિગ અને કૉનિગ્સબર્ગ જેવાં બંદરો આવેલાં છે. આ સમુદ્રને કિનારે નૉર્વે, સ્વીડન, ફિનલૅન્ડ, પોલૅન્ડ, જર્મની, ડેન્માર્ક, રશિયા, એસ્તોનિયા, લૅટવિયા અને લિથુઆનિયાની સીમાઓ સંકળાયેલી છે, આ કારણે આ સમુદ્રનું વ્યૂહાત્મક મહત્ત્વ ઘણું જ છે.
આ સમુદ્ર અહીંના દેશોમાં જુદાં જુદાં સ્થાનિક નામોથી પણ ઓળખાય છે. જર્મનીમાં તેને ‘ઓસ્ટ સી’, સ્વીડનમાં ‘ઑસ્ટર્સજૉન’, પોલૅન્ડમાં ‘મૉર્ઝ બાલ્ટિકી’, રશિયામાં ‘બાલ્ટિસ્કોય મોર’ તથા ફિનલૅન્ડમાં તેને ‘ઈટામેરી’ કહે છે. બાલ્ટિક સમુદ્રમાં ઓડર, વિસ્તુલા, નેમુન્સ, નેવા, મેમલ અને પ્રેગલ નદીઓનાં મુખ આવેલાં છે. આ નદીઓ દર વર્ષે આ સમુદ્રના જળરાશિ કરતાં ચારગણું પાણી ઠાલવે છે. બીજી રીતે કહીએ તો, યુરોપની સપાટીના કુલ જળજથ્થાના પાંચમા ભાગનો જળજથ્થો નાનીમોટી 250 જેટલી નદીઓ દ્વારા આ સમુદ્રમાં ઠલવાય છે. શિયાળામાં આ સમુદ્ર થીજી જતો હોવાથી તેમાં વહાણવટું થઈ શકતું નથી, બૉથનિયાના અખાતનો ઉત્તર ભાગ નવેમ્બરથી મે સુધી અને ફિનલૅન્ડનો અખાત ડિસેમ્બરથી એપ્રિલ સુધી ઠરી જાય છે. બાલ્ટિક સમુદ્રનું પાણી ઉત્તર સમુદ્રના સાંકડા માર્ગ દ્વારા મિશ્ર થાય છે. બરફ તોડનારાં ઉત્કૃષ્ટ કક્ષાનાં જહાજો દ્વારા આ સમુદ્ર નૌકાવહન માટે ઉપયોગમાં લેવાય તો પણ તે ભયાનક બની શકે છે; કારણ કે આ વિસ્તારમાં જહાજોને નુકસાન કરે એવા તોફાની પવનો અચાનક ફૂંકાવાની સંભાવના રહેતી હોય છે. આ સમુદ્રના પશ્ચિમ કિનારે પાણીની ક્ષારતા સૌથી વધુ (10%o) અને બૉથનિયાના અખાતમાં સૌથી ઓછી (3%o) હોવાનું નોંધાયેલું છે. આમ વિશ્વના સૌથી વધુ ખારા પાણીના સમુદ્રો પૈકી તેની ગણના થાય છે.
બાલ્ટિક સમુદ્રની રચના પ્લાયસ્ટોસીન કાળમાં પ્રવર્તેલા હિમયુગો દરમિયાન થયેલી છે. તે વખતે બાલ્ટિક ભૂકવચ પર ખૂબ જાડાઈનું હિમાવરણ જામેલું હતું. તેના અસહ્ય બોજથી આ ભૂમિભાગ અવતલન પામતો ગયેલો. સમય વીતતાં હિમગલનથી બરફનું પ્રમાણ ઘટ્યું અને ભૂમિભાગ ઊંચકાતો ગયો; ઉત્થાનની આ પ્રક્રિયા હજી ચાલુ છે. આથી આ સમુદ્ર નાનો અને છીછરો થતો જાય છે. હિમયુગ દરમિયાન આ સમુદ્ર યોલ્દિયા સમુદ્ર અને ચોન્કિલસ સરોવર તરીકે ઓળખાતો હતો. ત્યારે તેનાં જળ મીઠાં હતાં, પરંતુ ક્રમે ક્રમે તેમાં ઉત્તર સમુદ્રનાં ખારાં પાણી પ્રવેશતાં ગયાં, તેથી તે ખારા પાણીના સમુદ્રમાં ફેરવાઈ ગયો છે.
નીતિન કોઠારી