બાલ્ટિક ભાષાઓ

January, 2000

બાલ્ટિક ભાષાઓ : બાલ્ટિક સમુદ્રના પૂર્વકિનારાના પ્રદેશોમાં બોલાતી ભાષાઓ. મૂળમાં ભારત-યુરોપીય ભાષાસમુદાયની એક શાખારૂપ આ ભાષાઓમાં વર્તમાનમાં બોલાતી લિથુઆનિયન અને લૅટ્વિયન ઉપરાંત કાળબળે લુપ્ત થયેલી જૂની પ્રશિયન, યોત્વિન્જિયન, ક્યુરોનિયન, સેલોનિયન, અર્ધગેલ્લિયન ભાષાઓનો પણ સમાવેશ થતો હતો. આ પૈકી લિથુઆનિયન, લૅટ્વિયન અને જૂની પ્રશિયન ત્રણેયનાં લિખિત પ્રમાણો ચૌદમી સદીથી પ્રાપ્ત થયાં છે. આ બાલ્ટિક ભાષાઓ ભારત-યુરોપીય ભાષાકુલની સ્લાવિક, જર્મન અને ભારત-ઈરાની ભાષાઓ સાથે સામ્ય ધરાવે છે. જોકે તેમના વચ્ચેનું આ સામ્ય કોઈ સમાન ઉદગમને કારણે છે કે પરસ્પરના સંપર્કના પ્રભાવને લઈને છે તે નક્કી થઈ શક્યું નથી. બાલ્ટિક અને સ્લાવિકના 100 જેટલા શબ્દો તેમના સ્વરૂપ અને અર્થ પરત્વે એક જ છે. બાલ્ટિકના પૂર્વીય અને પશ્ચિમી એવા ભેદ પ્રવર્તે છે. આ પૈકીની પૂર્વીય બાલ્ટિક અને સ્લાવિકમાં તો સંબંધક (ષષ્ઠી) વિભક્તિ એકવચનનો પ્રત્યય (genitive singular ending) સરખો જ છે. વળી સંબંધવાચક સર્વનામની રચના પરત્વે જૂની પ્રશિયન પણ સ્લાવિકને મળતી આવે છે.

પૂર્વીય બાલ્ટિક ભાષાઓ પૈકી લિથુઆનિયન ભાષા ધ્વનિશાસ્ત્ર કે શબ્દવિદ્યા પરત્વે ચુસ્ત છે; દા.ત., કેટલાક લિથુઆનિયન શબ્દો લૅટ્વિયન ભાષાનાં આદ્યસ્વરૂપોની ગરજ સારે છે અને તેઓ આદ્ય સ્લાવિક ભાષાસ્વરૂપમાં રૂઢ થયેલ કેટલાંક સ્વરૂપોને બહુધા મળતા આવે છે. આને લઈને ભારત-યુરોપીય ભાષાશાસ્ત્રના તુલનાત્મક અધ્યયન માટે લિથુઆનિયન ભાષાનું ઘણું મહત્વ ગણાય છે. આથી વિપરીત, લૅટ્વિયન ભાષા સુધારાત્મક સ્વરૂપની છે. જેમ કે લિથુઆનિયન સંયુક્ત સ્વરો (dipthongs) an, en, in અને un ટકી રહ્યા છે, જ્યારે લૅટ્વિયનમાં એમનું ધ્વનિ-પરિવર્તન થઈને તેઓ અનુક્રમે uo, ie, નાં ઉચ્ચારણોમાં પરિવર્તિત થયા છે. તેવી રીતે તાલવ્યીકૃત k અને g લિથુઆનિયનમાં યથાવત્ ટકેલ છે, જ્યારે લૅટ્વિયનમાં તેનું પ્રાણઘર્ષી (affricates) c અને dz(palato-velars)માં રૂપાંતર થયું છે. ભારત-યુરોપીય કોમળ-તાલવ્ય સ્વરો અને નું લૅટ્વિયનમાં થયેલું દંત્યસંઘર્ષી (dental spirants) અને માં રૂપાંતર થયું છે. બધા દીર્ઘસ્વરોને હ્રસ્વમાં રૂપાંતરિત કરવા અને હ્રસ્વ સ્વરોનો લોપ કરવા જેવી વિશેષતાઓ પણ લૅટ્વિયનનું નોંધપાત્ર લક્ષણ છે.

પૂર્વીય બાલ્ટિક ભાષાઓની સાહિત્યિક પરંપરાનો પ્રારંભ 1547માં રચાયેલ માર્ટિન લ્યૂથરના ‘કૅટેકિઝમ’(પ્રશ્નોત્તરમાલા)ના લિથુઆનિયન ભાષાંતરથી થાય છે. 1653–54માં ડેનિલિયસ ક્લીન્સે લખેલું આ ભાષાનું પ્રથમ વ્યાકરણ અને અઢારમી સદીમાં ક્રિસ્ટિજોનાસ ડોનેલૈટિવે રચેલી કવિતાનો લિથુઆનિયન ભાષાના લેખનનું અધિકૃત સ્વરૂપ ઘડવામાં મહત્વનો ફાળો રહ્યો. લિથુઆનિયન શબ્દકોશ સર્વપ્રથમ 1629માં સંકલિત થયો. વસ્તુત: આ ભાષા પૂર્વીય અને મધ્યના ઉચ્ચ પ્રદેશમાં તત્કાલીન પ્રચલિત બોલીઓનું પ્રતિબિંબ પાડે છે. એનું પ્રશિષ્ટ રૂપ પશ્ચિમી ઉચ્ચ લિથુઆનિયન વિસ્તારના રૂઢિચુસ્ત દક્ષિણી બોલીસ્વરૂપ પર આધારિત હોવાનું જણાયું છે. લિથુઆનિયન વર્ણમાલા મુખ્યત્વે લૅટિન વર્ણમાલામાં ઉચ્ચારણચિહ્નો મૂકીને ઘડાઈ છે. એમાં નાસિક્ય વર્ણો ચારેય શુદ્ધ સ્વરો છે.

લૅટ્વિયન સાહિત્યિક પરંપરાનો પ્રારંભ પણ કૅથલિક ‘કૅટેકિઝમ’ના 1585માં થયેલા ભાષાંતરથી થાય છે. પ્રથમ લૅટ્વિયન શબ્દકોશ 1638માં સંગૃહીત થયો, જ્યારે તેનું પ્રથમ વ્યાકરણ 1644માં રચાયું. તેનું શરૂઆતનું ભાષાસ્વરૂપ અર્વાચીન સ્વરૂપથી સહેજ ભિન્ન પડે છે. લૅટ્વિયનના 3 બોલીભેદો પ્રવર્તે છે : મધ્ય લૅટ્વિયન, લિવોનિયન કે તહમિયન અને ઉચ્ચ લૅટ્વિયન. આમાંની મધ્યબોલી પરથી અધિકૃત ભાષાસ્વરૂપ ઘડાયું છે. લૅટ્વિયન ભાષાસ્વરૂપ પણ લૅટિન વર્ણમાલા પરથી ઘડાયું છે. તેમાં ઉચ્ચારચિહ્નો પ્રયોજાય છે. એમાં તાલવ્ય વ્યંજનો વિશિષ્ટ છે.

અઢારમી સદીમાં લુપ્ત થઈ ગયેલી જૂની પ્રશિયન ભાષાનાં પ્રમાણો પણ ચૌદમી સદીથી મળે છે. જર્મન અને જૂની પ્રશિયનના 802 શબ્દો ધરાવતી ‘એલ્બિંગ વોકૅબ્યુલરી’ની રચના એ સમયની મનાય છે. ઈ.સ. 1517થી 1526 દરમિયાન આ પ્રકારનો 100 શબ્દોનો એક બીજો સંગ્રહ પણ રચાયો હતો. જોકે જૂની પ્રશિયનમાં સોળમી સદી દરમિયાન જર્મનમાંથી ભાષાંતર કરેલ ત્રણ ‘કૅટેકિઝમ’ ઘણું મહત્વ ધરાવે છે. તેમની ભાષા વસ્તુત: જૂની પ્રશિયનના સાહિત્યિક સ્વરૂપને વ્યક્ત કરે છે. તે પરથી જણાય છે કે લુપ્ત થયેલી ભાષામાં લિથુઆનિયન અને લૅટ્વિયન કરતાં પણ જૂના આર્ષ પ્રયોગો મોટી સંખ્યામાં સુરક્ષિત હશે.

પ્રવીણચંદ્ર પરીખ