આયરિશ રિપબ્લિકન આર્મી (I. R. A.) : આયર્લૅન્ડના પ્રજાસત્તાકમાં સ્થપાયેલું બિનસત્તાવાર અર્ધલશ્કરી સંગઠન. શરૂમાં ‘આયરિશ વૉલન્ટિયર્સ’’ તરીકે અને ત્યારબાદ 1919 ના જાન્યુઆરીમાં આઇ. આર. એ. તરીકે તેની સ્થાપના થયેલી. તેનો હેતુ ઉત્તર આયર્લૅન્ડને બ્રિટનથી મુક્ત કરવાનો હતો પરંતુ તેણે અસરકારક રાજકીય અંકુશ ભાગ્યે જ પ્રાપ્ત કર્યો છે.
સ્વાતંત્ર્યસંગ્રામ (1919-21 ) દરમિયાન તેણે ગેરીલા પદ્ધતિઓ અપનાવી હતી. પરંતુ તે અવિભાજિત અને પ્રજાસત્તાક આયર્લૅન્ડની આકાંક્ષા સેવે છે.
આયરિશ ફ્રી સ્ટેટ ડિસેમ્બર 1948 માં પ્રજાસત્તાક બનતાં ‘આર્મી’એ ઉત્તર આયર્લૅન્ડ અને બ્રિટન સામે મોરચો માંડ્યો. ઉત્તર આયર્લૅન્ડના રોમન કૅથલિકોએ ‘આર્મી’ને ટેકો આપવાનું શરૂ કર્યું અને હિંસક ઝુંબેશ શરૂ કરી. 1950 અને 1960 ના દાયકાઓ દરમિયાન છૂટાછવાયા હિંસક બનાવો બનતા રહ્યા. કેટલી હદ સુધી હિંસા વ્યાપક બનાવવી તેને અંગે મતભેદો ઊભા થતાં ‘આર્મી’માં ભંગાણ પડ્યું. ‘સિન ફેન’(આયરિશ રાષ્ટ્રવાદી પક્ષ)ની ડબ્લિનમાં ડિસેમ્બર 1969 માં મળેલી પરિષદ બાદ આયરિશ રિપબ્લિકન આર્મી ‘સત્તાવાર’ અને ‘કામચલાઉ’ પાંખોમાં વહેંચાઈ ગયું. કામચલાઉ પાંખ પ્રોવોસ (provos) તરીકે ઓળખાય છે, જેમાં આતંકવાદી પદ્ધતિઓ અપનાવવામાં માનતા યુવાન લડાયકો છે.
1970 ના દાયકામાં પ્રોવોસ દ્વારા આચરાયેલી આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઘણા નાગરિકો અને બ્રિટિશ સૈનિકો માર્યા ગયા હતા. 27-8-1979 ના રોજ પ્રોવોસે કરેલા હુમલામાં ભારતના છેલ્લા ગવર્નર જનરલ લૂઈ માઉન્ટબૅટન માર્યા ગયા હતા. બ્રિટિશ વડાપ્રધાન માર્ગારેટ થૅચરની હત્યા કરવાનો પ્રયાસ પણ આ સંગઠને કર્યો હતો. 1980ના દાયકાના આરંભમાં પોતાને ફોજદારી નહિ, પણ રાજકીય કેદીઓ ગણવાની માગણીના ટેકામાં આ સંગઠનના કેટલાક સભ્યો જેલોમાં ભૂખ-હડતાળ પર ઊતરીને મૃત્યુ પામ્યા હતા.
હેમન્તકુમાર શાહ