આયરિશ સમુદ્ર : યુરોપ ખંડના વાયવ્ય ભાગમાં આવેલો ઉત્તર ઍટલાંટિક મહાસાગરનો ફાંટો. તે આશરે 52 0થી 55 0 ઉ. અ. અને 30થી 60 પ. રે. વચ્ચેનો લગભગ 1  લાખ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ સમુદ્ર આશરે 210  કિમી. લાંબો, તેના પહોળા ભાગમાં 240  કિમી. પહોળો અને સરેરાશ 60  મીટર જેટલો ઊંડો છે. તેની મહત્તમ ઊંડાઈ 175  મીટર જેટલી છે. આ સમુદ્ર ગ્રેટ બ્રિટનના મોટા ટાપુ ઇંગ્લૅંડને નાના ટાપુ આયર્લૅન્ડથી અલગ પાડે છે. તે ઉત્તર તરફ ઉત્તર આયર્લૅન્ડ અને સ્કૉટલૅન્ડ વચ્ચેની નૉર્થ ચૅનલ દ્વારા તથા દક્ષિણ તરફ આયર્લૅન્ડના અગ્નિ છેડા અને નૈર્ઋત્ય વેલ્સ વચ્ચેની સેન્ટ જ્યૉર્જની ખાડી દ્વારા ઍટલાંટિક મહાસાગરમાં ભળી જાય છે. તેની ઉત્તરે સ્કૉટલૅન્ડ, પૂર્વ તરફ ઇંગ્લૅંડ, દક્ષિણ તરફ વેલ્સ અને પશ્ચિમ તરફ આયર્લૅન્ડ આવેલાં છે. છીછરા ગણાતા આ સમુદ્રની મધ્યમાં ‘આઇલ ઑવ્ મૅન’ ટાપુ વિશેષ ઉલ્લેખનીય છે, જ્યારે વેલ્સની નજીક ઍન્ગલેસી (બીજું નામ મૉન – વેલ્શની માતા મોના પરથી) ટાપુ આવેલો છે. જૂના વખતમાં આ સમુદ્ર ઓશિયનસ હાઇબરનિક્સ તરીકે ઓળખાતો હતો.

આયરિશ સમુદ્રની મોટા ભાગની કિનારીઓ પરની ભૂમિ પ્રથમ જીવયુગ કે તેથી વધુ જૂના ખડકોની બનેલી છે, જ્યારે વાયવ્ય ઇંગ્લૅંડ અને આઇલ ઑવ્ મૅનના ઈશાન કોણમાં ટ્રાયાસિક ખડકો છે. આ બધાંની તુલનામાં સમુદ્રતળના ખડકો નવા વયના છે. તળખડકોના ભૂસ્તરીય અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે કે ટર્શ્યરી કાળ દરમિયાન ફાટ (rift) પડવાથી ઉદભવેલું થાળું તે પછીથી દબાતું જવાથી આ સમુદ્ર તૈયાર થયેલો છે.

Cardigan bay graham well

કાર્ડિગન ખાડી ગ્રેહામ વેલ, આયરિશ સમુદ્ર

સૌ. "Cardigan bay graham well" | CC BY-SA 2.0

સમુદ્રસપાટી પરના ભરતીપ્રવાહો આશરે 8 કિમી./કલાકે આયરિશ કિનારા પરથી સેન્ટ જ્યૉર્જ ખાડી તરફ પહોંચે છે. કોઈક સ્થાનોમાં તે વેગીલા પણ હોય છે. પશ્ચિમ-મધ્ય આયરિશ સમુદ્રમાં તે 1  કિમી./કલાકે મંદગતિથી વહે છે. ભરતીના પ્રવાહો આ સમુદ્રમાં ઉત્તર અને દક્ષિણ બંને દિશાઓમાંથી પ્રવેશે છે તથા તે આઇલ ઑવ્ મૅન ટાપુની દક્ષિણે 54 0 ઉ. અક્ષાંશ નજીક એકબીજાને મળે છે.

બ્રિટિશ ટાપુઓનું સૌથી મોટું બંદર લિવરપૂલ આ સમુદ્રકાંઠા પર આવેલું છે. માન્ચેસ્ટર જહાજી નહેર મારફતે આ સમુદ્ર માન્ચેસ્ટર સાથે સંકળાયેલો રહે છે. તેના પશ્ચિમ કાંઠા પરના ડબ્લિન બંદર દ્વારા આયર્લૅન્ડ પ્રજાસત્તાકની 50 % વેપારી હેરફેર કરવામાં આવે છે.

અહીં ઉનાળા અને શિયાળામાં હેરિંગ અને વાઇટિંગ તથા કૉડ અને ફ્લૅટફિશ પકડવામાં આવે છે. અહીંથી પકડવામાં આવતી માછલીઓનું પ્રમાણ ઉત્તર સમુદ્ર કરતાં દસમા ભાગનું રહે છે. લિવરપૂલથી ઉત્તરે 60 કિમી. દૂર ફ્લિટવુડનું મુખ્ય મત્સ્યકેન્દ્ર આવેલું છે, જ્યારે ડબ્લિન નજીક ડૂન લૉઘેર અને હાઉથ આયરિશ સમુદ્રમાં આયર્લૅન્ડનાં અગત્યનાં મત્સ્યકેન્દ્રો છે. આ ઉપરાંત માછીમારી માટેનાં બીજાં ઘણાં નાનાં નાનાં સ્થાનિક કેન્દ્રો પણ છે.

મહેશ મ. ત્રિવેદી 

ગિરીશભાઈ પંડ્યા