બલભદ્રપુરાણ : જૈનોનું પુરાણ. દિગંબર જૈનોનાં આગમોનાં ચાર જૂથમાંના પ્રથમાનુયોગમાં આવતાં પાંચ પુરાણોમાંનું એક. તેમાં જૈન રામકથા કહેલી હોવાથી અને રામને જૈનો ‘પદ્મ’ કહેતા હોવાથી આનું પ્રચલિત નામ ‘પદ્મપુરાણ (પઉમપુરાણ)’ છે; જોકે પુષ્પિકાઓમાં ‘બલહદ્દ પુરાણ’ એવું સ્પષ્ટ લખ્યું છે. જૈન પરંપરામાં રામ આઠમા બલભદ્ર ગણાતા હોવાથી આ નામ યથાર્થ છે.
આ ગ્રંથની બે હસ્તપ્રતો આમેર શાસ્ત્રભંડારમાં સચવાઈ છે. સિંહસેન ઉર્ફે રઇઘૂકવિએ અપભ્રંશભાષામાં આ પુરાણ ઈ. સ. 577 આસપાસ હરિસિંહ સાધુની પ્રેરણાથી રચ્યું અને તેમને જ સમર્પિત કર્યું. વળી પ્રત્યેક સંધિના પ્રારંભે તેમની પ્રશંસા અને મંગલકામનાના સંસ્કૃત શ્ર્લોકો મૂક્યા છે. તેમાં 265 કડવકો 11 સંધિમાં વહેંચાયેલાં છે. કડવકોની સંખ્યા સર્વત્ર સરખી નથી. નવમી સંધિમાં નવ કડવક છે, જ્યારે પાંચમીમાં 39 છે. ગૌતમ શ્રેણિકની આશંકાના ઉત્તરમાં ઇન્દ્રભૂતિ આ કથા કહે છે. શ્વેતામ્બર વિમલસૂરિનું પ્રાકૃત ‘પઉમચરિય’ આના કથાનકનો આધાર છે. જૈન વાચનામાં મૂળ કથાનકમાં ઘણા ફેરફારો કરાયા છે. થોડાનો નિર્દેશ આ પ્રમાણે કરી શકાય.
(1) શૂર્પણખાનું નામ અહીં ‘ચન્દ્રનખા’ આપ્યું છે; (2) રાવણે હરાવેલો વાલી સુગ્રીવને રાજ્ય સોંપી દિગંબરદીક્ષા લે છે; (3) દશરથને 4 રાણી છે. શત્રુઘ્નની માતા સુપ્રભા છે. કૈકેયીના સ્વયંવરમાં દશરથ વરાતાં અન્ય રાજાઓ સાથેના યુદ્ધમાં પતિનો રથ હાંકતી કૈકયીની ધીરજ અને ચતુરાઈથી રાજા વરદાન આપે છે; (4) મૂળ જનકપુત્રે પણ વિદ્યાધરે પાળેલા અને સીતાને પરણવા ઇચ્છતા ભામંડલના કહેવાથી સીતાસ્વયંવરમાં ‘વજ્રાવર્ત’ ધનુષની પણછ ચડાવવાની શરત રાખી છે; (5) પસ્તાતી કૈકેયી ભરતને લઈને રામને પાછા લાવવા વનમાં જાય છે; (6) તપ કરતા ચન્દ્રનખાના પુત્ર શમ્બૂકની સમક્ષ પ્રગટ થયેલ ‘સૂર્યહાસ’ ખડ્ગ અચાનક આવી ચડેલા લક્ષ્મણે ચલાવતાં તે હણાય છે અને માયાવી રૂપ ધરી આવેલી પણ અપમાનિત થયેલી ચન્દ્રનખાનો આક્રમણખોર પતિ ખરદૂષણ યુદ્ધમાં હણાય છે; (7) કૈકેયીએ મોકલેલ વિશલ્યાના સ્નાનજળથી લક્ષ્મણ મૂર્ચ્છામાંથી જાગે છે અને તેને પરણે છે; (8) રાવણના ચક્ર વડે જ લક્ષ્મણ તેને હણે છે અને ઇન્દ્રજિત્, કુંભકર્ણ, મેઘવાહન તથા મન્દોદરી જૈન દીક્ષા લે છે; (9) ત્યજાયેલી સીતાને પુંડરીકપુરનો રાજા વજ્રજંઘ આશ્રય આપે છે. તેનાં બાળકોનાં નામ અનંગલવણ અને લવણાંકુશ છે. તેઓ અયોધ્યા ઉપર આક્રમણ કરે છે; (10) સીતાના દિવ્યનો અગ્નિકુંડ જલકુંડ બની જતાં સર્વત્ર પાણી પ્રસરે છે, જે રામના પદસ્પર્શથી ઓસરે છે. રામ સીતાની માફી માગે છે; પણ સીતા રામ સાથે ન જતાં જૈન દીક્ષા લઈ લે છે.
આ પુરાણમાં સર્વત્ર સંક્ષિપ્ત આલેખન ઝડપી ગતિએ થયેલું લાગે છે. ઋતુવર્ણનો પણ ટૂંકાં છે. રાવણ સાથેના યુદ્ધનું વર્ણન પણ સામાન્ય કક્ષાનું છે.
જયન્ત પ્રે. ઠાકર