બલરામ : મહાભારતનું પાત્ર. તેઓ શ્રીકૃષ્ણના મોટાભાઈ અને વસુદેવ–દેવકીના સાતમા પુત્ર; પરંતુ કંસથી બચાવવા માટે, ગોકુળમાં રહેતી વસુદેવ-પત્ની રોહિણીના ગર્ભમાં તેમને સંક્રાન્ત કરવામાં આવ્યા હતા. તેમનો ઉછેર વ્રજ–વૃંદાવનમાં થયો હતો, જ્યાં તેમણે ધેનુક–પ્રલંબ જેવા દાનવોને હણ્યા હતા.

શાસ્ત્રાધ્યયન માટે, સાંદીપનિના આશ્રમમાં પણ કૃષ્ણ સાથે તેઓ રહ્યા હતા.

‘બલરામ’ નામકરણની પાછળ શારીરિક ‘બળ’નું આધિક્ય અને સદગુણોથી સ્વજનોને ‘આનંદ આપવાની (रम्) વિશિષ્ટતા’, – એ બે હકીકતો અભિપ્રેત છે.

ઓખામંડળના રાજા રેવતની પુત્રી રેવતીને પરણેલા બલરામના વ્યક્તિત્વની વિશિષ્ટતા એટલે તેમનો ગૌર વર્ણ, નીલ અથવા શ્યામ રંગનાં ઉત્તરીય-વસ્ત્રો, મદિરા-પાનનો શોખ અને શસ્ત્ર તરીકે ‘હળ’. એમ કહેવાય છે કે મદિરા-ઉન્માદની અસર તળે જ તેમણે યમુનાને જળક્રીડા માટે પોતાની પાસે બોલાવી હતી, પરંતુ તે આજ્ઞા ન સ્વીકારાતાં, તેમણે હળ વડે યમુનાને ખેંચી હતી અને નદીની ક્ષમાયાચના પછી તેને મુક્ત કરી હતી. ‘હરિવંશ’ પ્રમાણે, વૃંદાવનમાં જળની સુવિધા માટે, ‘હળ’ વડે યમુનાને ખોદી નહેરની વ્યવસ્થા કરી હતી. એ જ રીતે, કૌરવોનાં કટુવચનોથી ક્રુદ્ધ બલરામે ગંગાપ્રવાહમાં હસ્તિનાપુરને ‘હળ’ વડે તાણવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ બધાંને કારણે તેમને ‘મધુ-પ્રિય’, ‘હલધર’ અને ‘સંકર્ષણ’ – એવાં ઉપનામો મળ્યાં છે.

શ્રીકૃષ્ણનો પુત્ર સાંબ દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું અપહરણ કરવા ગયો ત્યારે કૌરવોએ તેને પકડેલો. એ વખતે બલરામે તેને છોડાવેલો.

કૃષ્ણને જેમ પાંડવો માટે, તેમ બલરામને કૌરવો પ્રત્યે પક્ષપાત હતો. સુભદ્રાને અર્જુન સાથે નહિ, પણ ગદાયુદ્ધના પોતાના શિષ્ય દુર્યોધન સાથે પરણાવવાનો તેમણે નિષ્ફળ આગ્રહ સેવ્યો હતો. મહાભારત-યુદ્ધમાં તેમણે ભાગ ન લીધો અને તીર્થયાત્રા કરવા ચાલ્યા ગયા હતા, જ્યાંથી છેક ભીમ-દુર્યોધન-ગદાયુદ્ધપ્રસંગે પાછા આવ્યા હતા અને યુદ્ધ ન કરવાનું તેમનું સૂચન ન સ્વીકારાતાં, તેઓ દ્વારિકા ચાલ્યા ગયા હતા.

સામાન્યત: તે શેષના, પરંતુ ‘ગીતગોવિંદ’ અનુસાર વિષ્ણુના, અવતાર ગણાય છે.

અંતે યાદવાસ્થળી-પ્રસંગથી ખિન્ન થયેલા બલરામે સમુદ્રકિનારા પર ધ્યાન-યોગથી પ્રાણત્યાગ કર્યો હતો.

જયાનંદ દવે