બરોળ (spleen) અને બરોળ-ઉચ્છેદન (splenectomy) : બરોળ : પેટના ડાબા અને ઉપરના ભાગમાં આવેલો લંબગોળ પિંડ જેવો અવયવ. તેને પ્લીહા પણ કહે છે. તે શરીરના લસિકાભ-તનુતન્ત્વી તંત્ર (lymphoreticular system) નામના રોગપ્રતિકારક તંત્રનો અવયવ ગણાય છે. શરીરની લસિકાભ-પેશી(lymphatic tissue)નો મોટો જથ્થો તેમાં આવેલો છે. તેની લંબાઈ આશરે 12 સેમી. છે. પેટના ડાબા અને ઉપલા ખૂણાવાળા ભાગને ડાબો અધ:પર્શૂકીય વિસ્તાર અથવા અવવક્ષીય વિસ્તાર (hypochondrium) કહે છે. તે વિસ્તારમાં બરોળ આવેલી છે. તે જઠરના ઘુમ્મટતલ (gastric fundus) અને ઉરોદરપટલ(diaphragm)ની વચ્ચે પેટના પોલાણમાં ગોઠવાયેલી હોય છે. તે એક ચપટો અવયવ છે અને તેને બે સપાટીઓ છે – અવયવી સપાટી (visceral surface) અને ઉરોદરપટલીય સપાટી (diaphragmatic surface). તેની અવયવી સપાટી પર તેને અડતા અવયવોનાં પાસાં પડેલાં હોય છે – જઠરીય પાસો (gastric impression), મૂત્રપિંડી પાસો અને સ્થિરાંત્રીય (colonic) પાસો; જે અનુક્રમે જઠર, મૂત્રપિંડ અને મોટા આંતરડા સાથે સંસર્ગમાં હોય છે. ઉદરીય સપાટી લીસી અને બહિર્ગોળ હોય છે અને તે ઉરોદરપટલના ઘુમ્મટને અનુરૂપ હોય છે. તેનું બહારનું આવરણ શ્વેત તંતુઓ અને લંબનશીલ તંતુઓ(elastic tissue)નું બનેલું હોય છે. તેમાં છૂટાછવાયા અરૈખિક સ્નાયુતંતુઓ પણ આવેલા હોય છે. તેને બરોળનું સંપુટ (capsule) કહે છે. તેના ઉપર પેટની પરિતનકલા(peritoneum)નું આવરણ હોય છે. તેને સતરલ પટલ (serous membrane) કહે છે. બરોળની અવયવી સપાટી પર દ્વારમુખ (hilum) આવેલું હોય છે, જ્યાંથી નસો અને ચેતાઓ પ્રવેશે છે. તેની અંદર તંતુમય જાળી (trabeculae) આવેલી હોય છે. તેની વચ્ચેનાં પોલાણોમાં મૃદુપેશી (pulp) આવેલી હોય છે. બરોળની મૃદુપેશી તેની પ્રમુખપેશી (parenchyma) છે. તે લાલ અને સફેદ રંગની હોય છે. શ્વેત મૃદુપેશી અથવા સફેદ પેશી (white pulp) મુખ્યત્વે લસિકાભ પેશીની બનેલી હોય છે અને તે ધમનીઓની આસપાસ ચોંટેલી હોય છે. ધમનીની આસપાસના લસિકાકોષો(lymphocytes)નાં ઝૂમખાંવાળી આ પેશીનાં જૂથોને બરોળીય ગંડિકાઓ (splenic nodules) કહે છે. તેમને પ્લીહા-ગંડિકાઓ પણ કહે છે. લાલ પેશી અથવા રક્ત મૃદુપેશી(red pulp)માં પહોળી શિરાઓનાં નાનાં નાનાં પોલાણો અથવા શિરાવિવરિકાઓ (venous sinuses) હોય છે. તેમાં લોહી તથા બરોળ પેશીની પાતળી દોરીઓ જેવી સંરચનાઓ હોય છે. તેને બરોળી રજ્જવિકાઓ (splenic cords) અથવા પ્લીહા-રજ્જવિકાઓ કહે છે. તેમની સાથે શિરાઓ જોડાયેલી હોય છે.
બરોળના દ્વારમુખમાંથી ધમની, શિરા અને લસિકાવાહિનીઓ પસાર થાય છે. બરોળમાં બહારથી લસિકાતરલ (lymph) આવતું નથી. બરોળમાં મુખ્યત્વે જીવાણુ, જીર્ણ થયેલા રક્તકોષો તથા ગંઠનકોષો(platelets)નો નાશ થાય છે. તેમાં લસિકાકોષો (lymphocytes) અને પ્રરસકોષો (plasma cells) બને છે. તેઓ શરીરની રોગ-પ્રતિકારક્ષમતા માટે ઉપયોગી છે. તેઓ તે માટે પ્રતિદ્રવ્યો (antibodies) બનાવે છે. આ ઉપરાંત બરોળમાં રુધિરનો સંગ્રહ થાય છે, જે જરૂરિયાત પ્રમાણે રુધિરાભિસરણ માટે મુક્ત કરાય છે; દા.ત., શરીરમાંથી બહાર લોહી વહી જાય ત્યારે બરોળ સંકોચાઈને તેમાં સંગ્રહાયેલો લોહીનો પૂરવઠો રુધિરાભિસરણ માટે મુક્ત કરે છે. આ પ્રક્રિયા સંવેદી ચેતાતંત્ર (sympathetic nervous system) દ્વારા નિયંત્રિત થાય છે. સંવેદી ચેતાતંત્ર દ્વારા આવતી ઉત્તેજનાઓની અસર હેઠળ બરોળનું સંકોચન થાય છે. તે સમયે તેમાં સંગ્રહાયેલું લોહી રુધિરાભિસરણ માટે નસોમાં પાછું પ્રવેશે છે.
સામાન્ય રીતે પુખ્ત વ્યક્તિના હાડકાના પોલાણમાં આવેલી અસ્થિમજ્જા(bone marrow)માં લોહીના કોષોનું ઉત્પાદન થાય છે. અસ્થિમજ્જા વિકારગ્રસ્ત થાય ત્યારે ક્યારેક બરોળમાં પણ તેમનું ઉત્પાદન શરૂ થાય છે. તેને બહિર્મજ્જી રુધિરકોષપ્રસર્જન (extramedullary haematopoiesis) કહે છે.
આમ બરોળનાં મુખ્ય 4 કાર્યો છે : (1) જીવાણુઓનું કોષભક્ષણ કરીને તેમનો નાશ કરવો તથા શરીરની પ્રતિરક્ષાલક્ષી પ્રક્રિયામાં ભાગ લેવો; (2) જીર્ણ કે વિકૃત રુધિરકોષોનો નાશ કરવો; (3) લોહીના સંગ્રહ કે વિમુક્તન દ્વારા રુધિરાભિસરણમાં સહાયભૂત થવું અને (4) જરૂર પડ્યે લોહીના કોષોનું ઉત્પાદન કરવું.
બરોળમાંનું રુધિરાભિસરણ : બરોળને લોહી પહોંચાડતી ધમનીને બરોળ-ધમની (splenic artery) કહે છે. તે બરોળના દ્વારમુખમાંથી પ્રવેશીને નાની નાની શાખાઓમાં વિભાજિત થાય છે. સૌથી નાની ધમનીને મધ્યસ્થ ધમની અથવા મધ્યસ્થ ધમનિકા (central arteriole) કહે છે. તેમાંથી લોહી ધમનીય કેશવાહિની(arterial
capillaries)માં પ્રવેશે છે. ધમનિકાઓ અને કેશવાહિનીઓની આસપાસ લસિકાભ-પેશીના કોષો આવેલા હોય છે. ધમનિકાઓની આસપાસ બી પ્રકારના લસિકાકોષોની પુટિકાઓ આવેલી હોય છે. તેમની આસપાસ ટી પ્રકારના લસિકાકોષો આવરણ (sheath) બનાવે છે. કેટલીક મધ્યસ્થ ધમનિકાઓ સીધેસીધી લઘુશિરાઓ(venules)માં ખૂલે છે તો કેટલીક કેશવાહિનીઓમાં થઈને લઘુશિરાઓને લોહી પહોંચાડે છે. લઘુશિરાઓ એકઠી થઈને બરોળીય શિરાઓ (splenic veins) બનાવે છે. આ ઉપરાંત મધ્યસ્થ ધમનિકાઓ રક્ત મૃદુપેશીમાં આવેલી વિવરિકાઓ (sinuses) નામનાં લોહી ભરેલાં પોલાણોમાં પણ ખૂલે છે. આ વિવરિકાઓની દીવાલ પર મહાભક્ષી કોષો તથા શીળાકોષો નામના અન્ય તનુતન્ત્વી અંતછદીય (reticulo-endothelial) તંત્રના કોષોનું આચ્છાદન (lining) આવેલું હોય છે. આ કોષો જીવાણુઓ અને લોહીના જીર્ણ કે વિકારયુક્ત કોષોનું ભક્ષણ કરીને તેમનો નાશ કરે છે. વિવરિકાઓમાંનું લોહી પણ પાછું બરોળીય શિરાઓમાં જાય છે. બરોળમાંનું લોહીનું આવું વિશિષ્ટ પ્રકારનું પરિભ્રમણ બરોળનાં કાર્યોને અનુરૂપ હોય છે. લોહીમાં પરિભ્રમણ કરતા રક્તકોષોનું આયુષ્ય 120 દિવસનું હોય છે. ઘરડા અથવા જીર્ણ થયેલા રક્તકોષો વાંકા વળીને વિવરિકાઓનાં સાંકડાં પોલાણોમાંથી પસાર થઈ શકતા નથી. તેઓ ત્યાં ફસાઈ જાય છે. તે સમયે કોષભક્ષણ કરતા ઉપર જણાવેલા કોષો તેમનો નાશ કરે છે. કેટલાક રક્તકોષો વિકારયુક્ત બને તો તેમાં તેમનું કોષકેન્દ્રદ્રવ્ય હોવેલ-જોલી (Howel-Jolly) પિંડિકા તરીકે અને વિકૃત હીમોગ્લોબિનનું દ્રવ્ય હિન્ઝ (Heinz) પિંડિકા તરીકે ઓળખાય છે. લાલ મૃદુપેશીમાંથી પસાર થતા આવા વિકારયુક્ત રક્તકોષોમાંની કણરૂપ વિકૃતિઓને ચૂંટીને કાઢી નંખાય છે અને તેને વિવરિકામાં નંખાય છે.
બરોળવૃદ્ધિ કરતા કેટલાક મહત્વના રોગો કે વિકારો
ક્રમ |
વિકારજૂથ | ઉદાહરણ | નોંધ |
1. | ચેપ | ચેપી એકકેન્દ્રકોષિતા (infectious mononucleosis) જીવાણુજન્ય સપૂયરુધિરતા (bacterial septicaemia) | એક પ્રકારનો વિષાણુજ ચેપ જીવાણુના ચેપનો લોહી દ્વારા શરીરમાં વ્યાપક ફેલાવો |
જીવાણુજન્ય અંત:હૃદ્-શોથ (bacterial endocarditis) ક્ષય, મલેરિયા, બરોળમાં ગૂમડું વગેરે | હૃદયની અંદરની દીવાલ તથા વાલ્વ પર લાગતો ચેપ | ||
2. | પ્રતિરક્ષાલક્ષી | આમવાતી સંધિશોથ (rheumatoid arthritis), વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythromatosis) | પોતાના જ કોષોનો નાશ કરતા સ્વકોષઘ્ની વિકારો (autoimmune disorders) |
ઔષધજન્ય ઍલર્જી | – | ||
પ્રતિરક્ષાલક્ષી રક્તકોષલયી પાંડુતા (haemolytic anaemia), તટસ્થ શ્વેતકોષ-અલ્પતા (neutropenia), ગંઠનકોષઅલ્પતા (thrombocytopenia) | લોહીના વિવિધ કોષોનો નાશ કરતા વિકારો | ||
3. | બરોળના રુધિરા-ભિસરણના વિકારો | યકૃતકાઠિન્ય (cirrhosis), યકૃતશિરામાં અવરોધ, બરોળશિરામાં અવરોધ, નિવાહિકાશિરામાં અવરોધ, બરોળધમનીમાં પેટુ (aneurysm) | યકૃત અને બરોળની નસોમાં થતા રુધિરા- ભિસરણમાં અવરોધ, બેન્ટીનું સંલક્ષણ |
દીર્ઘકાલી રુધિરભારિતાકારી હૃદય નિષ્ફળતા (chronic congestive cardiac failure) | હૃદયની નિષ્ફળતા, જેને કારણે શરીરમાં પ્રવાહી ભરાય અને સોજા આવે. | ||
4. | રક્તકોષોના વિકારો | વારસાગત કંદુકકોષિતા (hereditary spherocytosis), દાત્રકોષી પાંડુતા (sickle cell anaemia), વેલણાકારકોષિતા (elleptocytosis), થેલેસિમિયા | રક્તકોષના આકાર, હીમોગ્લોબિન કે ઉત્સેચકોના વિકારોને કારણે તેમનું તૂટવાનું વધતું પ્રમાણ. આ પ્રકારના રક્તકોષોનો નાશ બરોળમાં થાય છે. |
5. | અંત:પ્રવેશી વિકારો (infiltraive disorders) | એમિલોઇડતા, ગોચરનો રોગ, નિમેન-પિક રોગ, સૌમ્ય ગાંઠ, બરોળમાં કોષ્ઠ વગેરે. રુધિરકૅન્સર, લસિકાર્બુદ (lymphoma), હોજકિનનો રોગ, સ્થાનાંતરિત કૅન્સર | સૌમ્ય (benign) પ્રકારના વિવિધ વિકારો વિવિધ પ્રકારનાં કૅન્સર |
6. | પ્રકીર્ણ વિકારો | અજ્ઞાતમૂલ બરોળવૃદ્ધિ, અતિગલગંડી વિષાક્તતા (thyrotoxicosis), લોહની ઊણપવાળી પાંડુતા, સારકૉઇડતા (sarcoidosis) | બરોળવૃદ્ધિનું નિશ્ચિત કારણ મહદ્ અંશે જાણમાં ન હોય તેવા વિકારો |
બરોળવર્ધન (splenomegaly) : બરોળનું કદ મોટું થાય તેને બરોળવર્ધન અથવા પ્લીહાવર્ધન કહે છે. જો તેનું કાર્ય વધુપડતું થઈ ગયું હોય તો તેને અતિબરોળતા અથવા અતિપ્લીહન (hypersplenism) કહે છે. મોટી થયેલી બરોળ હરહંમેશ અતિબરોળતાનો વિકાર કરે જ એવું નથી; પરંતુ અતિબરોળતા થાય (બરોળનું કાર્ય વધી જાય) ત્યારે હંમેશાં બરોળ મોટી થાય છે. જુદી જુદી 6 રીતે બરોળ મોટી થાય છે. (1) વિવિધ પ્રકારના ચેપમાં તનુતન્ત્વી અંતછદીય તંત્રના કોષોનું કાર્ય તથા સંખ્યા વધે છે; દા.ત., મલેરિયા, કેટલાક પ્રકારના જીવાણુજન્ય ચેપ વગેરે. તેવી જ રીતે રોગપ્રતિકારક્ષમતા સાથે સંકળાયેલ પ્રતિરક્ષાતંત્રના વિકારોમાં પણ લસિકાભ-પેશીના કોષોની સંખ્યા વધે છે. આ પ્રકારે કોષોની સંખ્યા વધે ત્યારે બરોળ મોટી થાય છે. (2) યકૃત(liver)માં થતા તંતુકાઠિન્ય (cirrhosis of liver) નામના રોગમાં બરોળનું રુધિરાભિસરણ બદલાય છે. તેવું જ બરોળની શિરા, યકૃતની શિરા કે નિવાહિકા શિરા(portal vein)માં લોહીનો ગઠ્ઠો જામે તો થાય છે. આવા સંજોગોમાં બરોળ મોટી થાય છે. (3) બરોળમાં ઉદભવતી કે ફેલાઈને તેને અસરગ્રસ્ત કરતી ગાંઠ બરોળને મોટી કરે છે. (4) અસ્થિમજ્જામાં લોહીના કોષોનું ઉત્પાદન ઘટે તેવા કેટલાક રોગોમાં બરોળમાં તેનું ઉત્પાદન શરૂ થાય છે. તેને બહિર્મજ્જી રુધિરકોષપ્રસર્જન કહે છે. તેવા સંજોગોમાં બરોળ મોટી થાય છે. (5) ગોચરના રોગમાં કે એમિલૉઇડતાના વિકારમાં બરોળમાં અન્ય દ્રવ્યોના સંગ્રહ થાય ત્યારે તે મોટી થાય છે. (6) ક્યારેક બરોળમાં પ્રવાહી ભરેલી કોષ્ઠ (cyst) કે રુધિરવાહિનીઅર્બુદ(haemangioma)ની ગાંઠ થયેલી હોય તોપણ બરોળ મોટી થઈ જાય છે. વિવિધ રોગોમાં બરોળ મોટી થાય છે. તેમાંના કેટલાક મહત્વના રોગોનાં નામ સારણીમાં દર્શાવ્યાં છે.
પરીક્ષણ અને નિદાન : સામાન્ય કદની બરોળ પાંસળીના પાંજરાના ડાબા નીચલા છેડે સુરક્ષિત રીતે ગોઠવાયેલી રહે છે અને તેથી તેને પેટ પર હાથ વડે તપાસતાં (સંસ્પર્શન, palpitation) તેને અડી શકાતું નથી. સામાન્ય કદની બરોળની લંબાઈ 12 સેમી. અને પહોળાઈ 7 સેમી. હોય છે. તે ત્રાંસી ગોઠવાયેલી હોય છે. છાતીના પાંજરાના ડાબા અને નીચલા ભાગમાં ટકોરા મારવામાં આવે ત્યારે તેની નીચે રહેલા જઠરમાંના વાયુના પરપોટાને કારણે ઢોલ વાગતું હોય તેવો ધ્વનિ (tympanic note) અનુભવાય છે. જો બરોળ મોટી થયેલી હોય તો ઉપર જણાવેલા સ્થાને બોદો ધ્વનિ (dull note) ઉદભવે છે. દર્દીને ચત્તો સુવાડીને. તેને ધીમે ધીમે શ્વાસ લેવાનું કહીને તેના પેટને તે ઢીલું રાખે તેવું જણાવાય છે. ત્યારબાદ કેડ તરફના જમણા ખૂણેથી ડાબા પાંસળીઓ તરફના ખૂણા તરફ ધીમે ધીમે દબાવતાં જતાં, જો બરોળ મોટી થયેલી હોય તો તેની ટોચને સ્પર્શી શકાય છે. ક્યારેક તે માટે દર્દીને જમણે પડખે સુવાડીને પાંસળીઓને નીચે સુધી આંગળી નાંખવામાં આવે છે. મોટી થયેલી બરોળ પર ટકોરાથી તપાસ કરતાં બોદો ધ્વનિ આવે છે. વળી તેની અંદર તરફની કિનારી પર એક ખાંચ જણાય છે. તેની મદદથી તે બરોળ છે એવું ઓળખી શકાય છે. ઘણી વખત થોડીક જ મોટી થયેલી બરોળને આવી શારીરિક તપાસથી દર્શાવી શકાતી નથી. તેવે સમયે અશ્રાવ્ય ધ્વનિલેખન (sonography), સી.એ.ટી. સ્કૅન, સમસ્થાની (isotop) ટંગ્સ્ટન-99(99Tc)ની મદદથી કરાતું સમસ્થાની વિકિરણચિત્રણ (isotop scan) વગેરે વિવિધ તપાસપદ્ધતિઓથી બરોળ મોટી થઈ છે કે નહિ તે શોધી શકાય છે. આ પદ્ધતિઓ દ્વારા બરોળમાંની ગાંઠ, પ્રવાહી ભરેલી પોટલી (કોષ્ઠ) કે કોઈ અન્ય વિકૃતિ થઈ છે કે નહિ તે પણ જાણી શકાય છે. તેમની મદદથી યકૃતના વિકારોની માહિતી પણ મળે છે. ક્યારેક બરોળવૃદ્ધિનું કારણ સ્પષ્ટ થતું નથી. જો મૂળ રોગની સારવારમાં જરૂર પડે તો શસ્ત્રક્રિયા વડે બરોળને કાઢી નંખાય છે અને ત્યારબાદ તેની સૂક્ષ્મદર્શક વડે તપાસ કરાય છે. ક્યારેક નિદાન કરવાના હેતુથી પણ આવી શસ્ત્રક્રિયા કરાય છે, દા.ત., હોજકિનના રોગનો તબક્કો જાણવો.
અતિબરોળતા (અતિપ્લીહન, hypersplenism) : જ્યારે પણ બરોળ લોહીના કોષોને રુધિરાભિસરણમાંથી વધુ પ્રમાણમાં દૂર કરતી હોય ત્યારે તેવી સ્થિતિને અતિબરોળતા કે અતિપ્લીહન કહે છે. તેમાં કાં તો બરોળમાંનું રુધિરાભિસરણ વિકારયુક્ત થયેલું હોય છે અથવા તો કોઈ પ્રતિરક્ષાલક્ષી વિકારને કારણે રક્તકોષ અને/અથવા ગંઠનકોષની સામે પ્રતિદ્રવ્યો (antibodies) બનેલાં હોય છે, જેમને કારણે બરોળમાંના મહાભક્ષી કોષો (macrophages) લોહીના જે-તે પ્રકારના કોષોનો નાશ કરે છે. આવા સમયે (1) બરોળ મોટી થાય છે; (2) લોહીમાંના એક કે વધુ પ્રકારના કોષોનો બરોળમાં નાશ થાય છે; (3) અસ્થિમજ્જામાં તે પ્રકારના રુધિરકોષનું ઉત્પાદન સામાન્ય અથવા વધુ હોવા છતાં લોહીમાં તેમની સંખ્યા ઘટેલી હોય છે, તથા (4) લોહીમાં જે તે પ્રકારના રુધિરકોષોના ઓછા પક્વ કોષો જોવા મળે છે. જેમ કે પુખ્ત રક્તકોષોને બદલે તનુતન્ત્વી કોષો (reliculocytes) અને પક્વ ગંઠનકોષોને સ્થાને તેમના અપક્વ સ્વરૂપના કોષો. ક્યારેક શ્વેત કોષોમાંના કોષકેન્દ્રની ખંડિકાઓની સંખ્યા વધે છે. આ ચારેય ચિહ્નો અતિબરોળતાના નિદાનની પુષ્ટિ કરે છે. તેની સારવાર માટે કારણરૂપ રોગ કે વિકારની સારવાર અપાય છે, અને જો તે શક્ય ન હોય તો શસ્ત્રક્રિયા વડે બરોળને કાઢી નાંખવામાં આવે છે.
અલ્પબરોળતા અથવા અલ્પપ્લીહન (hyposplenism) : તેને અસ્પ્લીહન અથવા અબરોળતા (asplenia) પણ કહે છે. જો શસ્ત્રક્રિયા વડે બરોળ કાઢી નંખાઈ હોય, જો તે જન્મથી જ ગેરહાજર હોય, દર્દીને દાત્રકોષી પાંડુતા(sickle cell anaemia)ના રોગમાં તે વિકારગ્રસ્ત થયેલી હોય કે તેના પર વિકિરણચિકિત્સા (radiotherapy) અપાયેલી હોય તો બરોળનું દેહધાર્મિક કાર્ય થતું નથી. દાત્રકોષી પાંડુતામાં બરોળમાં અનેક નાના નાના પ્રણાશી વિસ્તારો (infarcts) થાય છે અને આમ તેનો ઘણો ભાગ નાશ થયેલો હોય છે. તેને સ્વત:બરોળ-ઉચ્છેદન (autosplenectomy) કહે છે. સામાન્ય રીતે 5 વર્ષ કે વધુ સમયના દાત્રકોષી પાંડુતાના તીવ્ર વિકારવાળા દર્દીઓમાં તેવું જોવા મળે છે. દાત્રકોષી પાંડુતાના દર્દીમાં જો બરોળ મોટી થયેલી જોવા મળે તો આલ્ફા થેલેસિમિયાનો વિકાર પણ તેની સાથે છે એવું સૂચવે છે. જ્યારે બરોળનું કામ ઘટે ત્યારે પરિભ્રમણ કરતા લોહીમાં કોષકેન્દ્રવાળા રક્તકોષો જોવા મળે છે, રક્તકોષોમાં હોવેલ-જોલીની પિંડિકાઓ તથા હિન્ઝ પિંડિકાઓ જોવા મળે છે. જો દર્દીના શરીરમાં બરોળ સામાન્ય કદની કે મોટા કદની હોય અને તેના રક્તકોષોમાં હોવેલ-જોલી પિંડિકાઓ જોવા મળે તો તે બરોળમાં કોઈક અંત:પ્રવેશી વિકાર થયો હોય એવું સૂચન કરે છે. અલ્પબરોળતાવાળા દર્દીઓમાં જીવાણુજન્ય ચેપ વધુ લાગે છે, જે ક્યારેક જીવનને જોખમી પણ પુરવાર થાય છે. સામાન્ય રીતે સ્ટ્રોપ્ટોકૉકસ ન્યૂમોનિ, નિઝેરિયા મેનિન્જાઇટિડિસ, ઈ.કોલી તથા એચ. ઇન્ફ્લ્યુએન્ઝી નામના સંપુટધારી જીવાણુઓ (encapsulated bacteria) વડે ચેપ લાગવાનો ભય વધે છે. તેથી તેવા દર્દીઓને ન્યૂમોકૉકલ જીવાણુઓ સામેની રસી આપવી જરૂરી બને છે.
બરોળ-ઉચ્છેદન : શસ્ત્રક્રિયા વડે પેટમાંથી બરોળ કાઢી નાંખવાની ક્રિયાને બરોળ-ઉચ્છેદન કહે છે. બરોળ-ઉચ્છેદનનું મુખ્ય કારણ બરોળને થયેલી ઈજા છે : અકસ્માતજન્ય અથવા અન્ય કોઈ શસ્ત્રક્રિયા સમયે થયેલી ઈજા. ક્યારેક ગાંઠની કોઈ શસ્ત્રક્રિયામાં તે વિસ્તારના અવયવોને એકસામટા (enblock) કાઢવા પડે તેમ હોય ત્યારે પણ બરોળ કાઢવી પડે છે. હોજકિનના રોગનો તબક્કો નક્કી કરવામાં ક્યારેક તેને કાઢવાની જરૂર ઉદભવે છે. કેટલાક પ્રકારના બરોળવર્ધનના નિદાન માટે જ્યારે બધી જ કસોટીઓ નિષ્ફળ જાય ત્યારે બરોળ-ઉચ્છેદન વિશે વિચારાય છે. જોકે મોટી બરોળના બધા જ કિસ્સામાં બરોળ કાઢી નંખાતી નથી. ક્યારેક અતિબરોળતાનો વિકાર ઉદભવે ત્યારે લોહીના કોષોની સંખ્યા ઓછી રહે છે. તેને અલ્પકોષિતા (cytopenia) કહે છે. તે સમયે યોગ્ય કિસ્સામાં બરોળ કાઢી નાંખવાની શસ્ત્રક્રિયા કરાય છે. બી-પ્રકારના સકેશકોષી રુધિરકૅન્સર(hairy cell leukaemia)ના દર્દીમાં અલ્પકોષિતાનો વિકાર થાય છે. તેમાં બરોળ-ઉચ્છેદનની શસ્ત્રક્રિયા લાભદાયી રહે છે અને તેથી 50% દર્દીઓ 5 વર્ષથી વધુ જીવી શકે છે. આમવાતી સંધિશોથ (rheumatoid arthritis) સાથે અતિબરોળતાનો વિકાર હોય તો તેને ફેલ્ટીનું સંલક્ષણ કહે છે. તેમાં તથા ગોચરના રોગમાં ક્યારેક બરોળ-ઉચ્છેદન કરાય છે. રક્તકોષોને વહેલા તોડી નાંખીને નાશ કરતા વિકારોને પાંડુતા (anaemia) કહે છે. તેમને રક્તકોષલયી પાંડુતા (haemolytic anaemia) પણ કહે છે; દા.ત., વારસાગત કંદુકકોષિતા (hereditary spherocytosis), વારસાગત વેલણકોષિતા (hereditary elliptocytosis), પ્રતિરક્ષાલક્ષી રક્તકોષલયી પાંડુતા (immune hemolytic anaemia), ઉષ્ણ-પ્રક્રિયાકારી IgG પ્રતિદ્રવ્યોને કારણે કે પાયરૂવેઝ કાયનેઝ નામના ઉત્સેચકની ઊણપથી થતી રક્તકોષલયી પાંડુતા વગેરે. આ સર્વે વિકારોમાં બરોળ-ઉચ્છેદન ઉપયોગી નીવડે છે. મહત્તમ થેલેસિમિયાના રોગમાં પાછળથી અલ્પકોષિતા થાય છે ત્યારે બરોળ કાઢી નંખાય છે. દીર્ઘકાલી રુધિરકૅન્સરમાં અને ક્યારેક લોહીના કોષોના ઉત્પાદનના અન્ય વિકારોમાં અતિબરોળતાની સારવાર દ્વારા દર્દીને રાહત પહોંચાડવા માટે બરોળ-ઉચ્છેદન કરાય છે. પ્રતિરક્ષાલક્ષી અલ્પગંઠનકોષી રુધિરછાંટ (immune thrombocytopenia) નામના ગંઠનકોષો ઘટવાથી લોહી વહેવાના વિકારમાં પણ ક્યારેક બરોળ કાઢવી જરૂરી બને છે. આવા વિકારમાં જ્યારે દવાઓ નિષ્ફળ જાય કે સ્ટીરૉઇડ-જૂથની દવાઓ પર વધુ પડતો આધાર રાખવો પડે ત્યારે તેની જરૂર પડે છે. તેવી જ રીતે રુધિરગંઠનકારી અલ્પગંઠનકોષી રુધિરછાંટ (thrombotic thrombocytopenic purpura) નામના વિકારની સારવારમાં પણ બરોળ-ઉચ્છેદનની ક્યારેક જરૂર પડે છે.
શસ્ત્રક્રિયા પૂર્વેની તૈયારીમાં બહુક્ષમ ન્યૂમોકૉકલ રસી (polyvalent penumococcal vaccine) અપાય છે. જો દર્દીને સ્ટીરૉઇડની દવા અપાયેલી હોય તો તણાવજન્ય સ્થિતિને પહોંચી વળવા તે પણ ચાલુ રખાય છે. હાડકાંમાંની લોહી ઉત્પન્ન કરતી અસ્થિમજ્જાપેશીમાં જો તંતુતા (fibrosis) વિકસે તો તેને મજ્જાતંતુતા(myelofibrosis)નો વિકાર કહે છે. મજ્જાતંતુના દર્દીમાં ક્યારેક શસ્ત્રક્રિયા પહેલાં બરોળધમનીમાં અવરોધ ઉત્પન્ન કરાય છે. મધ્યરેખા પર, તેની બાજુમાં કે પાંસળીની નીચે છેદ મૂકીને શસ્ત્રક્રિયા કરાય છે. જો 500 ગ્રામથી ઓછા વજનની બરોળ હોય તો તેને ઉદરદર્શક (laparoscope) નામના સાધનની મદદથી શસ્ત્રક્રિયા કરીને દૂર કરી શકાય છે; પરંતુ મોટી બરોળ કે યકૃતકાઠિન્ય(cirrhosis)નો વિકાર હોય તો શસ્ત્રક્રિયા સમયે લોહી વહેવાની સંભાવના હોવાને કારણે પેટ પર કાપો મૂકીને જ શસ્ત્રક્રિયા કરાય છે. બરોળ કાઢતા પહેલાં તેની નસોને બાંધી લેવાય છે. જો દર્દીના શરીરમાં વધારાની નાની બરોળ હોય તો તેને બરોળિકા (spenule) અથવા અતિરિક્ત બરોળ (accessory spleen) કહે છે. સામાન્ય રીતે 10 % દર્દીમાં અતિરિક્ત બરોળ હોય છે. બરોળને ઈજા થઈ હોય અને જો તેને દૂર કરવી પડતી હોય તો અતિરિક્ત બરોળને શરીરમાં રહેવા દેવાય છે. ક્યારેક પ્રતિરક્ષાલક્ષી વિકાર હોય તો શસ્ત્રક્રિયા પછી તરત ગંઠનકોષોને નસ વાટે આપવા જરૂરી બને છે. જો સ્વાદુપિંડના પુચ્છને વધુ પડતું હલાવવું પડ્યું હોય તો લોહી વહે છે કે નહિ તે જોવા પેટમાં નિષ્કાસન નળી (drainage tube) મુકાય છે. બરોળ-ઉચ્છેદન પછી થતી આડઅસરોમાં ફેફસું દબાઈ જવું, ગંઠનકોષોની સંખ્યા એકદમ વધી જવી, ઉરોદરપટલની નીચે ગૂમડું થવું, સ્વાદુપિંડમાં શોથજન્ય સોજો આવવો, જઠરમાં કાણું પડવું વગેરેનો સમાવેશ થાય છે. આવું શસ્ત્રક્રિયા પછીના પ્રથમ 2 મહિનામાં થાય છે. મોડી આડઅસર રૂપે શરીરમાં વ્યાપકપણે અને અતિતીવ્રતાથી ફેલાતો ચેપ લાગે છે. તે સમયે ઝડપી નિદાન અને તાત્કાલિક સક્ષમ સારવાર જીવનરક્ષક બને છે. 5 વર્ષથી નાનાં બાળકો તથા પ્રતિરક્ષાની ઊણપવાળી વ્યક્તિઓને ચેપરોધક માત્રામાં નિયમિતપણે પેનિસિલિન આપવાનું તથા બધા દર્દીઓને કોઈ પણ પ્રકારના ચેપમાં ડૉક્ટરનો તુરત સંપર્ક કરવાનું ખાસ સૂચવાય છે.
હર્ષા પંચાલ
સોમાલાલ ત્રિવેદી
શિલીન નં. શુક્લ