બરનાલા, સુરજિતસિંઘ (જ. 21 ઑક્ટોબર 1925, અટાલી, બેગપુર, પંજાબ) : ભારતના અગ્રણી શીખ રાજકારણી. પિતા નારસિંગ, માતા જસમેરકૌર. પત્ની સુરજિતકૌર. કાયદાની વિદ્યાશાખાનું શિક્ષણ મેળવ્યા બાદ 1950–51માં તેમણે પબ્લિક પ્રૉસિક્યૂટર તરીકે બરનાલાથી કારકિર્દીની શરૂઆત કરી હતી.
1967માં તેઓ પ્રથમ વાર રાજ્ય વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. 1969–71નાં વર્ષો દરમિયાન તેઓ રાજ્યના શિક્ષણપ્રધાન રહ્યા. 1977માં તેઓ પંજાબમાંથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. 1977થી ’79 દરમિયાન મોરારજી દેસાઈના પ્રધાનમંડળમાં તેઓ કેંદ્ર સરકારમાં ખેતીવાડી ખાતાના પ્રધાન હતા. 1985માં તેઓ પંજાબના મુખ્ય પ્રધાન બન્યા. તામિલનાડુ રાજ્યના રાજ્યપાલનું પદ પણ તેમણે થોડાક સમય માટે સંભાળ્યું હતું. 1998ની કેંદ્રની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી વિવિધ પક્ષોની મિશ્ર સરકારમાં તેઓ ખેતીવાડી ખાતાના પ્રધાન નિમાયા.
રાજકીય પ્રવૃત્તિઓની સાથે સાથે તેઓ અકાલી દળની પ્રવૃત્તિઓમાં પણ પરોવાયેલા રહ્યા છે. 1970થી ’73 દરમિયાન તેઓ ગુરુ નાનક ફાઉન્ડેશનના ચૅરમૅન રહ્યા. 1972થી ’77નાં વર્ષો દરમિયાન તેઓ શિરોમણિ અકાલી દળના સામાન્ય મંત્રી અને 1985માં તેના પ્રમુખ બન્યા. પંજાબ રાજ્યની શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં તેમણે સક્રિય રસ લીધો છે અને ધાર્મિક તથા વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે. નાનકાના સાહેબ એજ્યુકેશન ટ્રસ્ટ અને બાબા ગંધસિંહ એજ્યુકેશન ટ્રસ્ટના તેઓ હાલ ટ્રસ્ટી છે.
રાષ્ટ્રવાદી અને મધ્યમમાર્ગી રાજકારણી હોવાને કારણે શીખોના ઘણા મોટા વર્ગના તેઓ સ્વીકાર્ય નેતા છે. અકાલી દળ પર તેમની ઠીક ઠીક પકડ છે અને તેથી શીખો વતી રાષ્ટ્રીય રાજકારણમાં તેઓ મજબૂત સ્થાન ધરાવે છે.
1999માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો.
રક્ષા મ. વ્યાસ