બરદલૈ, નિર્મલપ્રભા

January, 2000

બરદલૈ, નિર્મલપ્રભા (જ. 1933) : પ્રસિદ્ધ અસમિયા કવયિત્રી, સમીક્ષક, ગીતકાર, નાટ્યકાર, બાલસાહિત્યનાં લેખિકા તથા લોકસાહિત્યવિદ. સુસંસ્કૃત અને સુશિક્ષિત પરિવારમાં જન્મેલાં નિર્મલપ્રભાના જીવનની વિચિત્રતા એ છે કે એમને બાળલગ્નની રૂઢિનો ભોગ બનવું પડેલું. 13 વર્ષની વયે પ્રાપ્ત અવાંછિત માતૃત્વે જીવનના આરંભને દુ:સ્વપ્નમાં ફેરવી નાખ્યું હતું. પણ પછી પિતાની જ પ્રેરણાથી તેમણે શિવસાગર અને ગુવાહાટી(ગૌહત્તી)માં ઉચ્ચ શિક્ષણ લીધું. ગુવાહાટી યુનિવર્સિટીમાં અસમિયાનાં અધ્યાપિકા તરીકે કામ કર્યું. 1990માં તેઓ ત્યાં ‘જવાહરલાલ નેહરુ પ્રોફેસર’ તરીકે પસંદગી પામેલાં.

નિર્મલપ્રભાનું, મુખ્ય પ્રદાન તો અસમિયા કવિતાક્ષેત્રમાં છે. તેમના કાવ્યસંગ્રહો છે : ‘વન ફડિંગર રંગ’ (1967), ‘સમીપેલુ’ (1977), ‘દિનર પાછત દિન’ (1977), ‘અંતરંગ’ (1978), ‘સુદીર્ઘ દિન આરુ રિતુ’ (1982) અને ‘શબ્દર ઇપારે શબ્દર સિપારે’ (1992). આ સંગ્રહોમાંથી ચયન કરીને એક સંગ્રહ નામે ‘નિર્વાચિત કવિતા’ (1995) પ્રક્ટ થયો છે.

તેમની ગદ્યરચનાઓમાં મુખ્ય છે : ‘અસમર લોકકવિતા’ (1987), ‘કવિતા – દેશી વિદેશી’ (1987), ‘સાહિત્ય આરુ સંસ્કૃતિ’ (1987), ‘કવિતાર કથા’ (1987), ‘બરગીતર કથા’ (1995), ‘દેવી’ (1995) આ ઉપરાંત તેમણે બાલસાહિત્ય અને ગીતોની વિપુલ પ્રમાણમાં રચના કરેલી છે. તેમણે ફિલ્મી ગીતો પણ આપ્યાં છે.

હૃદયનાં મૃદુ સંવેદનને ઋજુતાથી ઇન્દ્રિયઘન કલ્પનો દ્વારા આંકવામાં તેમની સિદ્ધિ ધ્યાનાર્હ છે. અસમિયા લોકસંસ્કૃતિના સઘન પરિશીલનને લીધે તેમની કવિતામાં આસામના લોકસાહિત્યનો રણકો સાંભળી શકાય છે; પરંતુ એક કવયિત્રી તરીકે તેમણે આધુનિક નારીનો મિજાજ, એની અભીપ્સા અને આકાંક્ષા પણ પ્રકટ કર્યાં છે. ‘અંતરંગ’ સંગ્રહમાં તેમણે પ્રેમની માંસલ કવિતા આપી છે, જે મુક્ત નારીમનની દ્યોતક છે. તેમની ઉત્તર કવિતામાં આસામ – જનઆંદોલનના પડઘા પડ્યા છે. તેઓ લઘુકાવ્યોનાં કવયિત્રી છે. ક્યારેક જાપાની  હાઈકુ કે તાંકાની સગોત્ર લાગે એવી એમની કવિતામાં પ્રકૃતિનાં રમ્ય ચિત્રો છે. કવયિત્રી ક્યારેક વાક્ચાતુરીનો આશ્રય લેતાં પણ જણાય છે.

સર્જક-કલ્પના ધરાવતાં તેમનું સંશોધનક્ષેત્રે પણ મહત્વનું પ્રદાન છે. અસમિયા સંસ્કૃતિ અને લોકસાહિત્યના અધ્યયન ઉપરાંત તેમણે આસામના શાક્ત સંપ્રદાયનું અધ્યયન કરી ‘દેવી’ નામે ગ્રંથ લખ્યો છે.

તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સુદીર્ઘ દિન આરુ રિતુ’  માટે 1983નો સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો છે. ‘દેવી’ ગ્રંથ માટે અસમ સાહિત્યસભાના પુરસ્કાર ઉપરાંત અસમ સંસ્કૃત સોસાયટી તરફથી ‘સરસ્વતી’નું બિરુદ મળ્યું છે.

1991માં તેઓ અસમ સાહિત્ય સભાનાં પ્રમુખ તરીકે ચૂંટાયાં હતાં. તેમણે દેશ-વિદેશમાં અનેક ભ્રમણો કર્યાં છે. જાપાન-ચીનયાત્રાનું વૃત્તાન્ત ‘ચેરી ફૂલર દેશ’ નામે પ્રકટ થયું છે.

ભોળાભાઈ પટેલ