બરની, ઝિયાઉદ્દીન

January, 2000

બરની, ઝિયાઉદ્દીન (જ. 1285, બરન, ઉત્તરપ્રદેશ; અ. આશરે 1357, દિલ્હી) : ભારતના સલ્તનત યુગના ઇતિહાસકાર. તેમનો જન્મ ઉચ્ચ કુટુંબમાં થયો હતો. તેમણે મજહબી ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. સુલતાન મોહમ્મદ બિન તુગલુકના દરબારમાં દિલ્હીમાં તે 17 વરસ રહ્યા હતા. સુલતાન તેમને માન આપતો હતો. ત્યારબાદ સુલતાન ફીરોઝશાહે ઈર્ષાળુ દરબારીઓની ચઢવણીથી તેમની અવગણના કરી અને જીવનનાં છેલ્લાં વરસોમાં તેઓ દુ:ખી થયા હતા. તેમણે ‘તારીખે ફીરોઝશાહી’ નામના તેમના પ્રસિદ્ધ ફારસી ગ્રંથમાં દિલ્હીના સુલતાન બલબનથી મોહમ્મદ બિન તુગલુક સુધી અને ફીરોઝશાહ તુગલુકના સમયનો છ વરસનો ઇતિહાસ લખ્યો છે. તેમાં તેમણે સુલતાનોનાં જીવનચરિત્રો પણ આપ્યાં છે. આ ગ્રંથમાં વર્ણવેલા કેટલાક બનાવોના તે પોતે સાક્ષી હતા. સત્ય ઘટનાને પ્રામાણિકતાથી રજૂ કરવાની તેઓ પોતાની ફરજ માનતા હતા; તેમ છતાં, ફીરોઝશાહ વિશેની માહિતી તેમણે વિકૃત કરીને મૂકી છે. તેમાં વર્ષ તથા બનાવોના ક્રમમાં ભૂલો છે. આમ છતાં આ ગ્રંથ તે સમયના ઇતિહાસ માટે મહત્વનો ગણાય છે. ‘ફતવા-એ-જહાનદારી’ ઇતિહાસનો તેમનો બીજો ઉલ્લેખનીય ગ્રંથ છે. તેમાં તેમણે વહીવટ વિશેના સાંપ્રદાયિક તથા બિનસાંપ્રદાયિક નીતિનિયમો વિશેના પોતાના વિચારો જણાવ્યા છે. વળી સુલતાનોએ જે રાજકીય નિયમો પાળવા જોઈએ તેનું વિવરણ પણ કર્યું છે. આ ઉપરાંત તેમણે ફારસી ભાષામાં અન્ય ગ્રંથો પણ લખ્યા છે.

જયકુમાર ર. શુક્લ