બદાયૂની, શકીલ (જ. 3 ઑગસ્ટ 1916, બદાયૂં, ઉત્તર પ્રદેશ; અ. 20 એપ્રિલ 1970) : હિંદી ચલચિત્રો દ્વારા બેહદ લોકપ્રિય બનેલા ઉર્દૂ શાયર. ‘શકીલ’ તખલ્લુસ. પૂરું નામ શકીલ અહેમદ. પિતાનું નામ જમીલ અહેમદ અને અટક કાદિરી. શકીલના ધાર્મિક પ્રકૃતિના પિતા મસ્જિદમાં ખતીબ અને ઇમામ હતા. જીવનની તડકીછાંયડી અનુભવતાં શકીલને દિલ્હી, લખનૌ, આગ્રા અને છેલ્લે મુંબઈ સુધી જવાનું થયું. મુંબઈમાં ફિલ્મ-જગતમાં ગીતકાર તરીકે તેમણે ખ્યાતિ મેળવી.
પ્રાથમિક શિક્ષણ મદરેસામાં મેળવી ઉર્દૂ, ફારસી, અરબી ભાષા વિશે થોડી જાણકારી મેળવી; પછી મસ્ટન ઇસ્લામિયા હાઇસ્કૂલ–બદાયૂનમાં દાખલ થયા. થોડું અંગ્રેજી પણ શીખ્યા. 1936માં અલીગઢની મુસ્લિમ યુનિવર્સિટીમાં દાખલ થયા; 1942માં સ્નાતક થયા. આગળ અભ્યાસ ન કરતાં, પુરવઠા વિભાગમાં નોકરી લઈ લીધી, જ્યાં પછીથી તેઓ મહેનતના પરિણામે વિભાગીય અધીક્ષક બન્યા.
નામી કવિ મૌલાના ઝિયાઉલ કાદિરી શકીલના સગા કાકા થાય. ઝિયાસાહેબ પોતે ધાર્મિક વિદ્વાન અને ઉર્દૂના પ્રતિષ્ઠિત કવિ હતા. શકીલના પિતા પણ ધાર્મિક મનોવૃત્તિના પવિત્ર બુઝુર્ગ હતા. આ માહોલનો પ્રભાવ શકીલ ઉપર પડ્યો. કવિતાના સંસ્કાર ઘરઆંગણેથી સાંપડ્યા. તેમાં ભળી મનની પવિત્રતા અને ઉચ્ચતા. તે ગુણોએ શકીલને એક સારા કવિ અને ગઝલકાર બનવાની તમામ પ્રકારની ખૂબીઓ ઉપલબ્ધ કરી આપી.
અલીગઢ યુનિવર્સિટીના કવિતા અને સાહિત્યથી છલકાતા વાતાવરણમાં શકીલની કવિતાને ભરપૂર મોકળાશ મળી. તેઓ એક સારા ‘ગઝલગો’ કવિ તો હતા જ, પરંતુ એટલા જ કર્ણપ્રિય અવાજમાં તરન્નુમની સાથે તેઓ પોતાની ગઝલ રજૂ કરી શકતા ગઝલગાયક પણ હતા. કવિ-સંમેલનોમાં તેમની લોકપ્રિયતા દિનપ્રતિદિન વધવા લાગી. મુશાયરાઓના કારણે તેમનો અમદાવાદ સાથે પણ ગાઢ સંબંધ બંધાયો હતો. દર વર્ષે અખિલ ભારતીય મુશાયરા યોજાતા અને તેમાં પ્રગતિશીલ કવિઓ ઉપરાંત ગઝલના નામાંકિત કવિઓ ‘દિલ’ લખનવી, ‘ફના’ નિઝામી કાનપુરી, ‘મજરૂહ’ સુલતાનપુરી વગેરે ભારે લોકચાહના મેળવતા. અમદાવાદના શકીલના ચાહકોએ તેમના માર્ગદર્શન હેઠળ ‘બઝ્મે શકીલ’ની સ્થાપના કરી હતી. બઝ્મે શકીલનાં આ કવિ-સંમેલનોમાં હજારોની મેદની ઊમટી પડતી હતી અને રાતભર સૌ શાયરીનો આનંદ માણતા હતા.
પોતાના પિતાના આગ્રહથી તેઓ મુંબઈ પહોંચ્યા. ત્યાં ફિલ્મનિર્માતા-દિગ્દર્શક કારદારે શકીલની કવિત્વશક્તિને પારખીને તેમને ફિલ્મી ગીત લખવાની પ્રેરણા આપી. કારદાર તેમજ મહેબૂબખાને શકીલનાં ગીતોને આવકાર્યાં. ખ્યાતનામ સંગીતકાર નૌશાદે સંગીત પીરસ્યું અને એ ગીતો ખૂબ લોકપ્રિય થયાં. આજે પણ એ ગીતો લોકજીભે રમતાં રહ્યાં છે. તેમનો કાવ્યસંગ્રહ ‘કુલ્લિયાતે શકીલ’ નામે પ્રગટ થયો છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા