બદાયૂં : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તર પ્રદેશના બરેલી વિભાગનો નૈર્ઋત્ય ભાગ આવરી લેતો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 40´થી 28° 29´ ઉ. અ. અને 78° 16´થી 79° 68´ પૂ. રે. વચ્ચેનો 5,168 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મોરાદાબાદ, રામપુર અને બરેલી જિલ્લા; પૂર્વ તરફ શાહજહાનપુર જિલ્લો; અગ્નિકોણમાં ફર્રુખાબાદ જિલ્લો; દક્ષિણે ઇટાહ જિલ્લો; નૈર્ઋત્યમાં અલીગઢ જિલ્લો તથા પશ્ચિમમાં બુલંદશહર જિલ્લો આવેલા છે. જિલ્લામથક બદાયૂં જિલ્લાના મધ્યપૂર્વ ભાગમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ-વનસ્પતિ-જળપરિવાહ : આ જિલ્લાના ઘણા ભાગોમાં ઢાક(dhak-કેસૂડો)ના પ્રદેશો આવેલા છે. જૂના વખતમાં તે ખૂબ નોંધપાત્ર હતા અને કાલા ઢાક નામથી ઓળખાતા હતા. જિલ્લાનો બંકતી (Bankati) પ્રદેશ અગાઉ અન્ય પ્રકારનાં જંગલોથી છવાયેલો હતો, આ જંગલો ઝડપથી ક્ષીણ થતાં જઈને મહત્ત્વ ગુમાવતાં ગયાં છે; તેની તુલનામાં ઢાકનો પ્રદેશ હજી ટકી રહ્યો છે. અહીં ઊગતાં વૃક્ષોમાં આંબા, સીસમ, લીમડો, તુન, બાવળ, ગૂલર, પકર, પીપળ, વડ, વાંસ, ખજૂરી-તાડ, આમલી, જાંબુ, શેતૂર, બેલ, બોરડી, કાંચનાર અને અમલતાસ મહત્ત્વનાં છે. જિલ્લાનો સમગ્ર મેદાની ભાગ કાંપની જમીનોથી છવાયેલો છે. ગંગા અને તેની સહાયક નદી રામગંગા અહીંથી વહે છે. ગંગાની ખીણમાં ખદર (નવો કાંપ) અને ભાંગર(જૂનો કાંપ)થી બનેલી જમીનો મળે છે. આ ઉપરાંત અહીં માટીવાળી ગોરાડુ તેમજ ભૂર (રેતાળ) જમીનો પણ છે. ગંગાને અહીં તિકતા, મહાવા, અંધેરિયા, છોયા, સેત, સોત અને અરીલ જેવી નાની નાની નદીઓ મળે છે. ચોમાસામાં આવતાં પૂરથી નજીકના પ્રદેશો ક્યારેક પાણીથી છવાઈ જાય છે.

ખેતી-પશુપાલન : જિલ્લામાં 48 % રવી પાકો, 49 % ખરીફ પાકો અને 2થી 3 % ઝૈદ પાકો લેવાય છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં ઘઉં, બાજરો, ડાંગર, મકાઈ, જુવાર, જવ, તુવેર, અડદ, મગ, મસૂર, ચણા, તેલીબિયાં(મગફળી વિશેષ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં નેતર, બટાટા, કપાસ, તમાકુ, શણ અને હળદર પણ થાય છે. અહીં ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરે છે. પશુપ્રાણીઓમાં ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ડુક્કર, મરઘાંનો સમાવેશ થાય છે. કેટલાક લોકો પક્ષીઓ પણ પાળે છે. પશુઓના સ્વાસ્થ્ય માટે જિલ્લામાં 21 જેટલાં પશુદવાખાનાંની સગવડ છે.

ઉદ્યોગો-વેપાર : રેતી, માટી, કંકર, ઉપલ, ગોળાશ્મ જેવાં વ્યાપારી ર્દષ્ટિએ ઓછાં મૂલ્યવાન, પરંતુ ખનિજીય ર્દષ્ટિએ ઉપયોગી દ્રવ્યો અહીંથી મળી રહે છે. ઔદ્યોગિક ર્દષ્ટિએ જિલ્લો અવિકસિત છે. જિલ્લામાં શેખુપુર કો-ઑ. શુગર મિલ (ખાંડ-ઉત્પાદન), વેજિટેબલ ઇન્ડસ્ટ્રી (વનસ્પતિ ઘી), સ્ટ્રૉ બોર્ડ તથા સ્પિનિંગ-વીવિંગ મિલ અને સુતરાઉ દોરાના મોટા તેમજ મધ્યમ કક્ષાના ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા છે. ઉપરાંત શીતાગારો, ખાંડસરી અને દાળની મિલો જેવા એકમો નાના પાયા પર ચાલે છે. હાથસાળનું વણાટકામ પણ ચાલે છે. શહેરી વિસ્તારોમાં ગોળ, રાઈનું તેલ, ખાંડ, ચોખા, કઠોળ તથા યાંત્રિક કરવતોનું ઉત્પાદન લેવાય છે. અહીંથી બહાર નિકાસ થતી ચીજવસ્તુઓમાં ઘઉં તેમજ અન્ય અનાજ, બટાટા, ખાંડ, ચોખા, મગફળી અને ચાદરો તથા આયાતી ચીજવસ્તુઓમાં શાકભાજી, વનસ્પતિ ઘી, કાપડ અને ઘીનો સમાવેશ થાય છે.

પરિવહન : જિલ્લાનું પરિવહન-માળખું પ્રમાણમાં ઓછું વિકસિત છે. જિલ્લાના પ્રત્યેક 1,000 ચોકિમી. વિસ્તારમાં માત્ર 167 કિમી.ના જ માર્ગો છે. જિલ્લામાં કુલ 619 કિમી.ના માર્ગો છે, તે પૈકી 380 કિમી.ના માર્ગો જાહેર બાંધકામ ખાતા હસ્તક તથા બાકીના રાજ્ય ધોરી માર્ગો છે. આ ઉપરાંત 45 કિમી.ના માર્ગો ખાનગી માલિકી હેઠળ છે. ઈશાન વિભાગીય રેલમાર્ગ પર આ જિલ્લો આગ્રા અને બરેલી સાથે જોડાયેલો છે. આ જિલ્લામાંથી પસાર થતો મીટરગેજ રેલમાર્ગ 57 કિમી. જેટલો લાંબો છે, જ્યારે 48 કિમી.નો બ્રૉડગેજ રેલમાર્ગ ઉત્તર રેલવિભાગમાં આવે છે.

પ્રવાસન : બદાયૂં, બિસૌલી અને ઉજાણી – એ ત્રણ આ જિલ્લાનાં જોવાલાયક સ્થળો ગણાય છે. બદાયૂં અહીંનું વડું વહીવટી મથક છે. બિસૌલી ખાતે રોહિલ્લાઓના સમય પહેલાંનો એક વિશાળ,  ઐતિહાસિક મહત્વ ધરાવતો કિલ્લો આવેલો છે. આજે તો તે ખંડિયેર હાલતમાં છે. વૉરન હેસ્ટિંગ્ઝે રોહિલ્લાઓના કુટુંબ પ્રત્યે આચરેલાં ઘાતકી દુષ્કૃત્યોની તે સાક્ષી પૂરે છે. ઉજાણી પ્રાચીન સમયનું ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ છે. આ ઉપરાંત ગુન્નૌર ખાતે સંત મખદૂમ સાહેબનો મકબરો તેમજ સહસાવનમાં એક પ્રાચીન મંદિર જોવાલાયક છે. આ જિલ્લાના લોકોએ 1857ના બળવા વખતે આગળપડતો ભાગ ભજવેલો. એ બળવાના સંબંધે કકરાલા અને ઇસ્લામનગર સ્થળો વધુ મહત્વનાં છે. કકરાલા ખાતે 1858માં અંગ્રેજો સાથે સંઘર્ષ થયેલો, જેમાં એક બ્રિટિશ જનરલની હત્યા કરવામાં આવેલી. ઇસ્લામનગરમાં બળવાખોરો અસફળ રહેલા અને તેમનો નાશ થયેલો. અહીં કાર્તિકી પૂર્ણિમા, શિવરાત્રિ, રામનવમી, જેઠ દશેરા તથા દેવીજીના તહેવારો ઉજવાય છે. વળી ગંગાસ્નાન, કંસલીલા, રામલીલા, ઝિયારત વગેરે નિમિત્તે અહીં મેળા ભરાય છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 24,48,338 જેટલી છે, તે પૈકી 13,52,744 પુરુષો અને 10,95,594 સ્ત્રીઓ છે; ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 20,17,033 અને 4,31,305 જેટલું છે. ધર્મવિતરણની ર્દષ્ટિએ અહીં હિન્દુઓ : 19,34,534; મુસ્લિમ : 5,05,756; ખ્રિસ્તી : 2,990; શીખ : 1,817; બૌદ્ધ : 2,748; જૈન : 316; અન્યધર્મી : 67 તથા અનિર્ણીત ધર્મવાળા 110 જેટલા છે.

બદાયૂં શહેર અને જિલ્લો

જિલ્લામાં કુલ શિક્ષિતોની સંખ્યા 4,76,481 જેટલી જ છે; તે પૈકી 3,67,147 પુરુષો અને 1,09,334 સ્ત્રીઓ છે, જ્યારે ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે આશરે 7 ટકા અને 25 ટકા જેટલું છે. અહીં હિન્દી તેમજ ઉર્દૂ ભાષાઓ બોલાય છે. વસ્તીની તુલનામાં શિક્ષણ અને શાળાઓનું તેમજ તબીબી સેવાઓનું પ્રમાણ ઓછું છે. જિલ્લાને વહીવટી સરળતા માટે 5 તાલુકાઓમાં તથા 18 સમાજ-વિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 23 નગરો અને 2,081 (301 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. બદાયૂં(વસ્તી : 1,16,706; 1991)ને બાદ કરતાં બધાં જ નગરોની વસ્તી એક લાખથી ઓછી છે.

ઇતિહાસ : આ જિલ્લાના કોટ સાલવાહન અને સહસાવન ખાતેના ટેકરાઓમાંથી મળેલા કેટલાક સિક્કા તેમજ બદાયૂં શહેર નજીકના લખનપુરમાંથી મળેલા અભિલેખ પરથી અહીંના ઇતિહાસ પર પ્રકાશ પડે છે. દિલ્હીના સુલતાનોના શાસન દરમિયાન, બદાયૂંનો વિસ્તાર કથેર પ્રદેશનો એક ભાગ હતો. બદાયૂં ત્યારે એક ભવ્ય શહેર તેમજ આ સમગ્ર વિસ્તારનું પાટનગર પણ હતું. શમ્સ-ઉદ્-દીન અલ્તમશ (1202–1209) ત્યારે બદાયૂંનો પ્રથમ હાકેમ હતો, જે પછીથી દિલ્હીનો સુલતાન બનેલો. બદાયૂં ખાતેની ઈદગાહ આ સમયગાળા દરમિયાન બંધાયેલી. બદાયૂં ખાતેનો શમ્સી મકબરો પણ 1230માં અલ્તમશના પુત્રે બનાવરાવેલો. તબકાત-ઇ-નસીરીનો લેખક મિનહાસ-ઉસ-શીરાઝ ત્યારે બદાયૂંના હાકેમનો ખાસ માણસ ગણાતો હતો.

ત્યારપછીથી બદાયૂં લાંબા વખત માટે બળવાઓનું મથક બની રહેલું. બલ્બનના શાસન દરમિયાન જિલ્લાના રજપૂત રાજાઓ સુલતાનોને ગણકારતા નહિ. બળવાઓને ઊગતા જ દબાવી દેવા સુલતાનોએ કેટલીક નિર્દય રીતો પણ અખત્યાર કરેલી. તે પછીથી બદાયૂં થોડા વખત માટે અલી બેગ ગુરગનની દોરવણી હેઠળ મુઘલોના કબજા નીચે રહેલું. તે પછીથી મલિક કાફૂરે બદાયૂંનો કબજો મેળવી લીધેલો. 1351માં કોઈ રજપૂત ઉમરાવે બદાયૂંના હાકેમની હત્યા કરી, તેનાથી રોષે ભરાયેલા સુલતાને આ પ્રદેશને રફેદફે કરી જંગલ સમો વેરાન બનાવી દીધેલો. ત્યારપછી ખિઝ્રખાનના થયેલા અનાદર–માનભંગ દરમિયાન, મળેલી તક ઝડપીને જૌનપુરના રાજાએ આ પ્રદેશને થોડાક વખત માટે પોતાને હસ્તક લઈ લીધેલો, પરંતુ તે પછીથી બહલોલ લોદીએ તેને પોતાને હસ્તક લઈ લીધો. ત્યારપછી વળી થોડાક સમય માટે અહીં હિન્દુઓનું શાસન રહેલું, પરંતુ 1492માં સિકંદર લોદીએ દળો મોકલીને તેનો કબજો લઈ લીધો હતો.

અહીંનો જાણીતો નગરવાસી અબ્દુલ કાદિર અકબરનો સમકાલીન હતો. અકબરે અહીંના મકબરાનો જીર્ણોદ્ધાર કરાવેલો. લાંબા સમય સુધી ચાલુ રહેલા બળવાઓને કારણે બદાયૂંનું મહત્ત્વ ઘટતું ગયું અને અહીંથી પાટનગર ખેસવીને બરેલી ખાતે લઈ જવાયું.

ઔરંગઝેબના મૃત્યુ બાદ અહીંનો વહીવટ સાવ ભાંગી પડ્યો. તેમાંથી 1720 સુધીમાં ફર્રુખાબાદ ઊભું થયું. રોહિલ્લાઓનું વહીવટી વર્ચસ્ વધ્યું. 1774માં મિરનપુર કત્રાની ઐતિહાસિક લડાઈમાંથી 1801 સુધી અહીં અવધનું શાસન રહ્યું. તે પછીથી આ વિસ્તાર અંગ્રેજોને કબજે ગયો.

ગિરીશભાઈ પંડ્યા