ધર્મારણ્ય-માહાત્મ્ય : ‘ધર્મારણ્ય-માહાત્મ્ય’ એ સ્કન્દપુરાણના ત્રીજા ખંડ ‘બ્રાહ્મખંડ’નો બીજો પેટાખંડ છે. સ્કન્દપુરાણમાં જેમ ‘હાટકેશ્વરક્ષેત્ર-માહાત્મ્ય’ એ નાગર જ્ઞાતિનું ને ‘શ્રીમાલ-માહાત્મ્ય’ એ શ્રીમાળી જ્ઞાતિનું પુરાણ છે તેમ આ ‘ધર્મારણ્યખંડ’ એ મોઢ જ્ઞાતિનું પુરાણ છે. ધર્મારણ્ય ખંડમાં મોહેરક(મોઢેરા)ની આસપાસ આવેલા ધર્મારણ્યપ્રદેશનું માહાત્મ્ય આપવામાં આવ્યું છે ને મોહેરક એ મોઢ બ્રાહ્મણોનું તેમજ મોઢ વાણિયાઓનું મૂળ વતન હોઈ એમાં એ જ્ઞાતિઓનો પ્રાચીન વૃત્તાંત આવે છે. ‘ધર્મારણ્ય-માહાત્મ્ય’માં ઉત્તર ગુજરાતના ચાવડા વંશ વિશે કેટલીક માહિતી આવેલી છે. જૈન પ્રબંધોમાં બાલ વનરાજનો ઉછેર જૈન સૂરિના આશ્રયે થયો હોવાનું જણાવે છે; ‘ધર્મારણ્ય-માહાત્મ્ય’ વનરાજનો ઉછેર ધર્મારણ્યના મોઢ બ્રાહ્મણોના હાથે થયો હોવાનું જણાવે છે. પદ્મપુરાણમાં પણ ધર્મારણ્ય-ખંડ આવેલો છે. ‘ધર્મારણ્ય-માહાત્મ્ય’ ચાવડા વંશના છેલ્લા રાજા ભૂવડના ચારિત્ર્ય પર પ્રકાશ પાડે છે. વાઘેલા વંશના વિનાશને લગતી માધવ મંત્રીની અનુશ્રુતિને પણ ‘ધર્મારણ્ય-માહાત્મ્ય’ સમર્થન આપે છે. આ માહાત્મ્યમાં મોઢ બ્રાહ્મણો તથા વાણિયાઓ વિશે ઘણી સાંસ્કૃતિક માહિતી આપી છે. ત્યાં વિવિધ પ્રદેશોમાંથી 18 હજાર બ્રાહ્મણ અને 36 હજાર વણિક વસાવવામાં આવ્યા હોવાનો એમાં ઉલ્લેખ છે. એમાં મોહેરકના બ્રાહ્મણોને 55 ગામ દાનમાં દીધાંની અનુશ્રુતિ આપી છે. તેમાં એ બધાં ગામોનાં નામ આપેલાં છે એ ગુજરાતની પ્રાચીન ભૂગોળની ર્દષ્ટિએય ઘણાં ઉપયોગી છે. વળી એમાં એ બ્રાહ્મણોનાં 24 ગોત્ર પણ ગણાવેલાં છે. માહાત્મ્યમાં મોઢેરાના સૂર્યમંદિર તથા માતંગી મંદિરનોય નિર્દેશ આવે છે. વળી એમાં ત્રૈવિદ્યો અને ચાતુર્વિદ્યોના વિભાગ કેવી રીતે પડ્યા તે પણ નિરૂપ્યું છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી