દેહવ્યાપી ફૂગરોગ : શરીરની અંદરના અવયવોમાં ફૂગના લાગેલા ચેપથી થતો રોગ. ફૂગ કોષકેન્દ્રોવાળા સૂક્ષ્મજીવો છે. જીવાણુઓ(bacteria)માં આદિકોષકેન્દ્ર હોય છે અને તેથી તેમને આદિકોષકેન્દ્રી (prokaryotic) સૂક્ષ્મજીવો કહે છે. તેઓમાં કોષકેન્દ્ર સ્પષ્ટપણે અલગ જોવા મળતું નથી. ફૂગ જેવા કોષકેન્દ્રવાળા સકોષકેન્દ્રી (eukaryotic) સૂક્ષ્મજીવોમાં સ્પષ્ટ જોઈ શકાય તેવું કોષકેન્દ્ર તથા તેનું આવરણ (કેન્દ્રકલા, nuclear membrane) હોય છે. ફૂગ લૈંગિક (sexually) અને અલૈંગિક (asexually) – એમ બંને રીતે પ્રજનન કરે છે, જોકે મોટાભાગે તે બીજાણુ (spores) દ્વારા અલૈંગિક સંખ્યાવૃદ્ધિ કરે છે. ફૂગકોષની કોષદીવાલ કઠણ (rigid) હોય છે અને તે ચિટીન, ગ્લુકેન તથા મેનોપ્રોટીનની બનેલી હોય છે. તેમના કોષરસીય પટલ(cytoplasmic membrane)માં અર્ગોસ્ટીરોલ નામનું દ્રવ્ય હોય છે જેના પર મોટાભાગની ફૂગનાશક દવાઓ અસર કરે છે. ઉપર જણાવેલાં વિવિધ પાસાં દ્વારા તે જીવાણુઓથી અલગ પડે છે.
કારણવિદ્યા : ફૂગથી થતા રોગને ફૂગરોગ (fungal disease) અથવા ફૂગિતા (mycoses) કહે છે. બંને શબ્દો એકબીજાના પર્યાય રૂપે વપરાય છે. ચામડી અને તેના ઉપસર્ગો(appendages)માં ચેપ લાગે તો તેને ચામડીનો અથવા ત્વકીય (cutaneous) ફૂગરોગ કે સપાટીગત (superficial) ફૂગિતા કહે છે; દા. ત., જાંઘમાં થતી દાદર અને શરીર પરના કરોળિયા. જ્યારે શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશીને તથા લોહી તેમજ લસિકાતરલ (lumph) દ્વારા ફેલાઈને ફેફસાં, ચામડી, યકૃત, બરોળ અને કેન્દ્રીય ચેતાતંત્રમાંના એક કે વધુ અવયવોમાં રોગ થાય ત્યારે તેવા ફૂગરોગને બહુતંત્રીય અથવા દેહવ્યાપી (systemic) ફૂગરોગ કહે છે. શ્વેતફૂગ (candida albicans) સપાટીગત તેમજ દેહવ્યાપી – એમ બંને પ્રકારનો ફૂગરોગ કરે છે.
સારણી 1 : દેહવ્યાપી ફૂગરોગો | ||
રોગ | કારણરૂપ ફૂગની જાતો | |
1 | પેશીવ્યાપી ફૂગરોગ
(histoplasmosis) |
હિસ્ટોપ્લાઝ્મા કૅપ્સ્યુલેટમ |
2 | બીજધારી ફૂગરોગ
(blastomycosis) |
બ્લાસ્ટોમાયકોસિસ ડર્મેટાઇટિડીસ |
3 | બેરીસમ ફૂગરોગ
(coccidioidomycosis) |
કૉક્સિડિઓઇડિસ ઇમિટિસ |
4 | પરાબેરીસમ ફૂગરોગ
(paracoccidioidomycosis) |
પેરાકૉક્સિઓઇડિસ બ્રેઝિલીએન્સિસ |
5 | છદ્મબેરીસમ ફૂગરોગ
(cryptococcosis) |
ક્રિપ્ટોકોકસ નિયોફોર્માન્સ |
6 | સકેશબીજધારી ફૂગરોગ
(sporothrichosis) |
સ્પોરોથ્રિક્સ શેન્કાઈ |
7 | શ્વેતફૂગરોગ
(candidiasis, moniliasis) |
કૅન્ડિડા આલ્બિકાન્સ અને
અન્ય જાતો |
8 | છાંટકારી ફૂગરોગ
(aspergelosis) |
એસ્પર્જિલસની વિવિધ જાતો |
9 | ધૂરાધારી ફૂગરોગ
(zygomycosis) |
મ્યુકોર અને રહાઇઝોપસની જાતો |
દેહવ્યાપી ફૂગરોગના મુખ્ય પ્રકારો સારણી 1માં દર્શાવ્યા છે. સામાન્ય રીતે ફૂગના દેખાવ અને તેની સંરચના(structure)ને આધારે ફૂગના પ્રકારો નક્કી કરવામાં આવેલા છે. ફૂગના નામના આધારે તેનાથી થતા રોગોનાં નામ પડ્યાં છે; જેમ કે, બેરી જેવા દેખાવને કારણે coccidioides કહેવાતી ફૂગ બેરીસમ ફૂગરોગ (coccidioidomycosis) કરે છે. ટ્રિપ્ટોકોકસ નિયોફૉર્મન્સ નામની ફૂગ યીસ્ટ રૂપે જોવા મળે છે. ફૂગ જમીન અને વાતાવરણમાં વ્યાપક રીતે જોવા મળે છે.
સારણી 2 : રોગપ્રતિકારક્ષમતામાં ઘટાડો અને તેને સંબંધિત ફૂગરોગો | ||
પ્રતિરક્ષાની ઊણપ | તકવાદી ફૂગથી થતો રોગ | |
1 | ચામડી, શ્લેષ્મસ્તરમાં કે
અન્ય ચેપને અટકાવતી સંરચનાનો નાશ થયો હોય અથવા શરીરમાં નળી કે અન્ય સાધન મુકાયેલું હોય |
આક્રમક શ્વેતફૂગરોગ
(invasive candidiasis) |
2 | લોહીના શ્વેતકોષોમાંના કણિકા-
કોષો(granulocytes)નું ઘટેલું કે બગડેલું કાર્ય |
એસ્પર્જિલોસિસ,
કૅન્ડિડિયાસિસ, ઝાયગોમાયકોસિસ |
3 | કોષો દ્વારા સર્જાતી રોગ-
પ્રતિકારકતા (કોષીય પ્રતિરક્ષા(cellular immunity)માં ઘટાડો |
એસ્પર્જિલોસિસ, કૅન્ડિડિયાસિસ,
કૉક્સિડિઓઇડો-માયકોસિસ, ક્રિપ્ટોકોકોસિસ, હિસ્ટોપ્લાઝ્મોસિસ |
મોટાભાગના કિસ્સામાં હવામાં ઊડતા બીજાણુ દ્વારા ચેપ ફેલાય છે. તેના મુખ્ય અપવાદો છે : સકેશબીજધારી ફૂગ (sporothrix) અને શ્વેતફૂગ (candida). સકેશબીજધારી ફૂગ ચામડીમાં ચેપ ફેલાવે છે અને શ્વેતફૂગ તો શરીરમાં રહેતો સહજીવી (commausal) સજીવ છે. સામાન્ય રીતે દેહવ્યાપી ફૂગરોગો માણસમાંથી માણસમાં એમ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે ફેલાતા નથી. કેટલાક ભૌગોલિક વિસ્તારોમાં કેટલાક પ્રકારની ફૂગનો ચેપ સ્થાયી રૂપે (endemic) જોવા મળે છે (સારણી 3). ત્યાં તેમનાથી થતો ફેફસાંનો રોગ મંદ પ્રકારનો હોય છે અને ઘણી વખતે આપોઆપ શમી જતો હોય છે; પરંતુ રોગપ્રતિકારક ક્ષમતામાં ઘટાડો થાય ત્યારે તેઓ આક્રમક પ્રકારના દેહવ્યાપી રોગો કરે છે (સારણી 2). આવા ફૂગના ચેપને સાંયોગિક (opportunistic) ચેપ કહે છે.
દાઝી ગયા પછી, શરીરમાં બાહ્યપદાર્થ પ્રવેશેલો હોય ત્યારે, પેશાબમાર્ગમાં, નસમાં કે શ્વાસનળીમાં નળી નાંખેલી હોય ત્યારે તથા હૃદયમાં કૃત્રિમ વાલ્વ કે હાડકાં વચ્ચે કૃત્રિમ સાંધો જોડ્યો હોય ત્યારે કુદરતી આવરણ વડે ચેપનો પ્રવેશ અટકાવવાની પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે. લોહીના રોગો, લોહીનું કૅન્સર, કૅન્સર માટે અપાયેલી દવાઓ લોહીના શ્વેતકોષો અને ખાસ કરીને કણિકાકોષો(granulocytes)નું કાર્ય ઘટાડે છે. અવયવોનું પ્રત્યારોપણ (transplantation), એઇડ્ઝનો રોગ, પ્રતિરક્ષાદાબક (immunosuppressive) સારવાર વગેરે વિવિધ પરિસ્થિતિઓમાં શરીરની રોગપ્રતિકારકતા ઘટે છે. આ ત્રણે પરિસ્થિતિમાં સાંયોગિક ફૂગનો ચેપ લાગે છે (સારણી 2). આ ઉપરાંત મધુપ્રમેહ, જુદી જુદી ઍન્ટિબાયૉટિક દવાઓનો લાંબા સમયનો ઉપયોગ તથા નસ દ્વારા દવાઓનો નશો કરવાની કુટેવને કારણે પણ દેહવ્યાપી ફૂગરોગ થાય છે. મધુપ્રમેહના દર્દીમાં નાક અને મગજમાં ઉગ્ર પ્રકારનો ફૂગરોગ થાય છે. તેને નાસા-મસ્તિષ્કી ધુરાધારી ફૂગરોગ (nasocerebral mucormycosis) કહે છે. જ્યારે નસ વાટે દવાનો નશો કરનારાને શ્વેતફૂગવાળો હૃદયની અંદરની દીવાલ અને વાલ્વનો ચેપ થાય છે. તેને શ્વેતફૂગી અંત:હૃદ્કલાશોથ (candida endocarditis) કહે છે. ક્યારેક મગજની તલગંડિકામાં ઉગ્ર પ્રકારનો ફૂગરોગ થાય છે. તેને તલગંડિકાલક્ષી ધુરાધારી ફૂગરોગ (basal ganglia mycormycosis) કહે છે.
(અ) અન્નનળીના નીચલા છેડે થતો થૂલિયાનો વિકાર, (આ) તેનો સૂક્ષ્મદર્શક દ્વારા જોવા મળતો દેખાવ, (ઇ) ફૂગના કોષ. (1) અન્નનળી, (2) જઠર, (3) થૂલિયાનો દોષવિસ્તાર, (4) અન્નનળીની દીવાલ, (5 અને 6) ફૂગના કોષો.
નિદાન : નિદાન માટે પ્રથમ જરૂરિયાત નિદાનલક્ષી શંકાની છે. વિવિધ પ્રકારની ફૂગ જુદા જુદા વિકારો કરે છે. તે સારણી 3માં દર્શાવ્યા છે. ફૂગથી થતા રોગોના નિદાનમાં શરીરની પેશીઓ અને પ્રવાહીઓની તપાસ કરાય છે. તે માટે ચામડી, ફેફસું, યકૃત, અસ્થિમજ્જા (bone marrow), લસિકાગ્રંથિ(lymphnodes)ની પેશીઓ તથા ગળફો, લોહી, મૂત્ર, મગજની આસપાસનું પ્રવાહી (cerebrospinal fluid, CSF) જેવાં પ્રવાહીઓની સૂક્ષ્મદર્શક વડે તપાસ કરાય છે. તે પેશી કે પ્રવાહીમાંની ફૂગને પ્રયોગશાળામાં ઉછેરીને તેનું સંવર્ધન (culture) કરાય છે. સૂક્ષ્મજીવવિજ્ઞાનની નિદાનલક્ષી પ્રયોગશાળામાં ફૂગવાળી પેશી કે પ્રવાહી મોકલતાં પહેલાં તેની જાણ કરાય છે, જેથી ફૂગને ઉછેરવાનાં વિશેષ સંવર્ધન-માધ્યમો (culture media) તે તૈયાર કરી શકે. મોટાભાગના ફૂગરોગ માટે વ્યક્તિગત કિસ્સામાં ચામડીમાં ઇન્જેક્શન દ્વારા રસાયણ આપીને નિદાન કરવાનું ફૂગરોગોમાં શક્ય નથી. જોકે વસ્તીરોગવિદ્યા(epidemiological)નાં સર્વેક્ષણો માટે તે એક ઉપયોગી નિદાનપદ્ધતિ ગણાય છે. હાલ મગજની આસપાસના પ્રવાહી-મેરુ-મસ્તિષ્કી તરલ(cerebrospinal fluid)ની લેટેક્સ-એગ્લુટિનેશન કસોટી દ્વારા ક્રિપ્ટોકોકસ ફૂગ વડે થતા તાનિકાશોથ(meningitis)નું નિદાન કરી શકાય છે. તેવી જ રીતે લોહીમાંના રુધિરરસ(serums)ની પણ તપાસ કરી શકાય છે. એસ્પર્જિલસ અને કૅન્ડિડિઆસિસ માટે પણ હાલ વિશ્વાસપાત્ર રસીવિદ્યા(serology)ની કસોટીઓ ઉપલબ્ધ થઈ છે.
સારવાર : દેહવ્યાપી ફૂગરોગની સારવારમાં વપરાતાં ઔષધો સારણી 4માં દર્શાવ્યાં છે. શરીરમાં ફેલાયેલી ફૂગથી થતા રોગની મુખ્ય સારવાર એમ્ફોટેરિસિન-બી ગણાય છે – ખાસ કરીને જીવનને જોખમી ચેપમાં કે રોગપ્રતિકારકતા ઘટી ગઈ હોય ત્યારે. પરંતુ તેના બે ગેરલાભ છે – તેને નસ વાટે આપવી પડે છે અને તેની ઝેરી અસરો ઘણી છે : (1) અસ્થિમજ્જા નામની લોહી બનાવતી પેશીના અવદાબનને કારણે લોહીના કોષોની સંખ્યા ઘટે છે. (2) લોહીમાં પોટૅશિયમનું પ્રમાણ ઘટે છે, જેને કારણે હદયના તાલબદ્ધ ધબકારામાં અનિયમિતતા આવે છે તથા (3) મૂત્રપિંડનું કાર્ય પણ ઘટે છે. હાલ મેદકાય (liposomes) કે ચરબીના અણુઓના દ્રાવણ સાથે એમ્ફોટેરિસિન-બી આપીને તેની ઝેરી અસર ઘટાડી શકાય છે.
સારણી 3 : વિશિષ્ટ દેહવ્યાપી ફૂગરોગો | ||||||||
ક્રમ | ફૂગરોગ | કારણભૂત ફૂગ | ભૌગોલિક વ્યાપ | પ્રવેશનો માર્ગ | મુખ્ય અસર- ગ્રસ્ત અવયવો | *ચેપની સાંયોગિકતા | મુખ્ય ઔષધ | વિકલ્પી ઔષધ |
1 | હિસ્ટોપ્લાઝમોસિસ (પેશીવ્યાપી ફૂગરોગ) | હિસ્ટોપ્લાઝમા કેપ્સ્યુલેટમ | વિશ્વવ્યાપી, ઉત્તર અને દક્ષિણ મધ્ય યુ.એસ. | શ્વાસ દ્વારા | ફેફસાં, લસિકા- ગ્રંથિઓ (lymphnodes), યકૃત, બરોળ, અસ્થિમજ્જા(bone marrow) અધિવૃક્ક(adrenal) ગ્રંથિ, જઠર, આંતરડાં | મોટેભાગે, મુખ્યત્વે એઇડ્ઝના રોગમાં | ઇટ્રાકોનેઝોલ કીટોકોનેઝોલ ફ્લુકેનેઝોલ | એમ્ફોટેરિસિન-બી |
2 | બ્લાસ્ટોમાય- કોસિસ(બીજ- ધારીફૂગરોગ) | બ્લાસ્ટોમાય- કોસિસ, ડર્મેટાઈડીસ | ઉત્તર તથા મધ્ય દક્ષિણ યુ.એસ. | શ્વાસ દ્વારા | ફેફસાં, ચામડી, હાડકાં સાંધા, પુર:સ્થ (prostate) ગ્રંથિ | ભાગ્યે | ઇટ્રાકોનેઝોલ કોટોકોનેઝોલ ફ્લુકેનેઝોલ | એમ્ફોટેરિસિન-બી |
3 | કૉક્સિડિઓ- ઇડોમાયકો- સિસ (બેરી- સમ ફૂગરોગ) | કોક્સિડિઓ- ડિસઇમિટિન | મધ્ય અને દક્ષિણ અમેરિકાના રણપ્રદેશો | શ્વાસ દ્વારા | મોટેભાગે ફેફસાં, ચામડી, હાડકાં, મગજ પરનાં આવરણોમાં ક્યારેક, પણ જોખમી ફેલાવો | પ્રતિરક્ષા(immunity) ઘટેલી હોય ત્યારે ન્યુમોનિયા; દા.ત., સ્ટીરૉઇડ વડે T-લસિકાકોષોની ઊણપ | ન્યુમોનિયા માટે કોઈ દવાની જરૂર નહિ. અન્ય અવ- યવોના ચેપ માટે ફ્લુકેનેઝોલ અથવા ઇટ્રાકોનેઝોલ | એમ્ફેટેરિસિન-બી, કીટોકોનેઝોલ |
4 | પરાકૉક્સિ ડિઓઇડો- માયકોસિસ(પરાબેરીસમ ફૂગરોગ) | પરાકૉક્સિ ડિઓઇડિસ બ્રેઝિલિ- એન્સિસ | મધ્ય તથા દક્ષિણ અમેરિકા | શ્વાસ દ્વારા | ફેફસાં, શ્લેષ્મ- સ્તર, ચામડી, લસિકાગ્રંથિ, યકૃત, બરોળ | ભાગ્યે | ઇટ્રાકોનેઝોલ | સલ્ફોનેમાઇડ એમ્ફોટેરિસિન-બી |
5 | ક્રિપ્ટોકોકોસિસ(છદ્મબેરીસમ ફૂગરોગ) | ક્રિપ્ટોકોકસ નિયોફૉર્માન્સ | વિશ્વવ્યાપી | શ્વાસ દ્વારા | ફેફસાં, કેન્દ્રીય ચેતાતંત્ર, લોહી, ચામડી, હાડકાં, સાંધા, પુર:સ્થગ્રંથિ | મોટેેભાગે એઇડ્ઝમાં કે સ્ટીરૉઇડ વડે સારવારમાં | એમ્ફોટેરિસિન-બી અને/અથવા ફ્લ્યુસાયટોસિન વગર ફ્લુકેનેઝોલ | ઇટ્રાકોનેઝોલ |
6 | સ્પોરોટ્રાઇકો- સિસ (સકેશી- બીજફૂગરોગ) | સ્પોરોથ્રિક્સ શેન્કાઈ | વિશ્વવ્યાપી, મુખ્યત્વે ઉષ્ણ કે સમોષ્ણ | ચામડીમાં પ્રવેશ | ચામડી, લસિકા- વાહિની(lymphatics), ક્યારેક ફેફસાં, સાંધા | ભાગ્યે | ઇટ્રાકોનેઝોલ | ચામડી: પોટૅશિયમ આયોડાઇડનું દ્રાવણ, ફ્લુકેનેઝોલ, શસ્ત્રક્રિયા અન્ય અવયવ : એમ્ફોટેરિસિન-બી |
7 | કૅન્ડિડિઆસિસ(શ્વેતફૂગરોગ) | કૅન્ડિડા આલ્બિકાન્સ તથા અન્ય જાતો | વિશ્વવ્યાપી, માનવદેહમાં, સહજીવી, વાતાવરણમાં | શરીરમાં હાજર, ક્યારેક વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ચેપ ફેલાય | મોં, ગળું અને યોનિનો શ્લેષ્મ- સ્તર, ચામડી, અન્નનળી, લોહી, બરોળ, યકૃત (liver), મૂત્રપિંડ, આંખ, હૃદય | મોટેભાગે એઇડ્ઝમાં શ્લેષ્મ- સ્તર (mucous membrane) પર શ્વેતકોષોની ઊણપમાં અંદરના અવયવોમાં | સપાટી પર કોટ્રાઇમેઝોલ, ફ્લુકેને ઝોલ; અવયવો : એમ્ફોટેરિસિન-બી ફ્લુકેનેઝોલ | એમ્ફોટેરિસિન-બી અને ફલુસાયટોસિન |
8 | એસ્પર્જિલોસિસ
(છાંટકારી ફૂગરોગ) |
એસ્પર્જિલસની
વિવિધ જાતો; દા.ત., એ. ફ્યુમિગેટસ, એ. ફ્લેબસ, એ. નિગર, એ. ટેરિયસ |
રહેઠાણ, જમીન
પાણી, હવા |
શ્વાસ દ્વારા | ફેફસું | પ્રતિરક્ષા-ઊણપમાં
ફેફસાંનો આક્રમક રોગ |
એમ્ફોટેરિસિન-બી
ઇટ્રાકોનેઝોલ |
કોઈ નહિ |
9 | મ્યુકોરમાય-
કોસિસ (ઉગ્ર સધુરી ફૂગ- રોગ) |
ધુરાધારી
ફૂગરોગ (ઝાયગોમાય- કોસિસ) કરતી કેટલીક ર્હાઈઝોપસ અને મુકોર જાતો |
હવા, પાઉં,
ફળો, શાકભાજી, જમીન, ખાતર વગેરે |
શ્વાસ દ્વારા | નાક અને મગજ
(નાસા મસ્તિષ્કી rhinocerebral) ફેફસું, ચામડી, જઠર, આંતરડાં, દેહમાં વ્યાપક ફેલાવો, કેન્દ્રીય ચેતાતંત્ર |
પ્રતિરક્ષા-ઊણપ
સમયે ફેફસાં તથા નાક-મગજમાં ઉગ્ર પ્રકારનો રોગ |
એમ્ફોટેરિસિન-બી | એમ્ફોટેરિસિન-
બીની સાથે રિફામ્પીસિન, ફ્લુસાયટોસિન, ક્લોટાઇમેક્ઝો અથવા ફ્લુકેનેઝોલ |
* રોગપ્રતિકારકતા (પ્રતિરક્ષા, immunity) ઘટવાથી થતી સ્થિતિમાં ચેપ લાગવો
સારણી 4 : દેહવ્યાપી ફૂગરોગમાં અસરકારક દવાઓ | |||
વર્ગ | ઔષધ | ક્રિયાપ્રવિધિ (mechanism of action) | |
1. | પોલિન | નિસ્ટેટિન, એમ્ફોટેરિસિન-બી | ફૂગકોષના અર્ગોસ્ટીરોલ જોડે કાયમી ધોરણે જોડાઈને તેના કોષના આવરણની પારગમ્યતા (permeability) વધારે છે. તેથી કોષમાંનાં દ્રવ્યો બહાર નીકળી જાય છે અને ફૂગકોષ મરી જાય છે. |
2. | એઝોલ | ક્લોટ્રાઇમેઝોલ માયકોનેઝોલ કિટોકોનેઝોલ
ફ્લુકેનેઝોલ ઇટ્રાકોનેઝોલ |
અર્ગોસ્ટીરોલનું ઉત્પાદન અટકાવે છે. |
3. | પાયરિડિન | ફ્લ્યુસાયટોસિન | કોષમાંના ડિઓક્સિરિબોન્યુક્લિઇક ઍસિડમાં ફેરફાર અને પ્રોટીનનું ઉત્પાદન અટકાવે છે. |
એઝોલ જૂથમાં સૌપ્રથમ માઇકોનેઝોલ નામની દવા શોધાઈ હતી. તેને નસ દ્વારા આપી શકાતી અને તે ઝેરી હતી. તેથી તેને સ્થાને 1981માં કીટોકોનેઝોલ, 1990માં ફ્લૂકેનેઝોલ અને 1992માં ઇટ્રાકોનેઝોલ આવી જેમણે ફૂગથી થતા રોગોની સારવારમાં ઘણો ફેરફાર આણ્યો છે. કીટોકોનેઝોલ અને ઇટ્રાકોનેઝોલ કરતાં ફ્લૂકેનેઝોલ અનેક રીતે જુદી પડે છે અને વધુ ઉપયોગી સાબિત થઈ છે. તે મોં વાટે તથા નસ દ્વારા અપાય છે. તે પેશાબમાં પણ સક્રિય સ્વરૂપે બહાર આવે છે તથા મગજની આસપાસ પ્રવાહીમાં પણ પ્રવેશ પામે છે. કીટોકોનેઝોલ શરીરમાંના સ્ટીરૉઇડ હૉર્મોનનું ઉત્પાદન ઘટાડે છે જે ફ્લૂકેનેઝોલ અને ઇટ્રાકોનેઝોલના ઉપયોગમાં જોવા મળતું નથી. વળી આ બંને દવાઓ કીટોકોનેઝોલ કરતાં ઓછી આડઅસરો ધરાવે છે.
ત્રીજા જૂથની એકમાત્ર દવા ‘ફ્લ્યુસાયટોસિન’ ક્યારેક એમ્ફોટેરિસિન-બીની સાથે ક્રિપ્ટોકોકસ અને કૅન્ડિડાના ચેપની સારવારમાં વપરાય છે. તે લોહી બનાવવાની પેશી-અસ્થિમજ્જા પર તથા યકૃત (liver) પર ઝેરી અસરો ધરાવે છે. તેને એકલી વાપરી શકાતી નથી, નહિ તો તરત જ તેની સામે અવરોધ (resistance) ઉત્પન્ન થાય છે.
ફૂગરોગ હોવાની શંકા તેના નિદાન માટે ઉપયોગી છે. તેની સમયસરની સારવાર જીવનરક્ષક બને છે, પરંતુ નિદાન અને સારવારમાં મોડું થાય તો ઘણી વખત તે જીવલેણ બને છે.
મથુરા ફૂગરોગ (mathuramycosis) : 1980ના દાયકાના મધ્યમાં મથુરામાં સૌપ્રથમ ફૂગથી થતો પગનો ચેપ જોવા મળ્યો. તે મથુરા-પાદવિકાર (mathura foot) કહેવાયો. તેને મથુરા-ફૂગરોગ કે ફૂગાર્બુદ (mycetoma) પણ કહે છે. તે એક લાંબા સમયનો, સ્થાનિક, ચામડીની નીચેનો વિવિધ ફૂગ અને જીવાણુઓથી થતો સોજો અને દુખાવો કરતો ચેપ છે. મોટેભાગે તે પગમાં અને ખાસ કરીને પાદ(foot)માં જોવા મળે છે. ફૂગની 20 પ્રકારની જાતોથી અને કેટલાક જીવાણુઓથી તે થાય છે. 40 % કિસ્સામાં ખરેખર ફૂગ હોય છે અને તેને સમફૂગાર્બુદ (eumycetoma) કહે છે. તેમાં પી.બોયડી (ઉત્તર અમેરિકા), એલ. સિનેગૅલેન્સિસ (પશ્ચિમ આફ્રિકા), એમ. ગ્રિસિયા (દક્ષિણ અમેરિકા), એમ. માયસોટેમેટિસ (વિશ્વવ્યાપી) મુખ્ય ફૂગ છે જેમાંની પ્રથમ 3 ફૂગ ચોક્કસ વિસ્તારોમાં જોવા મળે છે જ્યારે છેલ્લી અને ચોથી ફૂગ વિશ્વવ્યાપી છે. તે હસ્ત (hand) અને પાદ(foot)માં ચેપ કરે છે. તેમાં શસ્ત્રક્રિયા ઉપરાંત ઇટ્રાકોનેઝોલની સારવાર અપાય છે, તેને બદલે કીટોકોનેઝોલ અને જો આ દવાઓ નિષ્ફળ જાય તો એમ્ફોટેરિસિન-બી વપરાય છે.
60 % કિસ્સામાં જારક (aerobic) ઍક્ટિનોમાસેટિસ જૂથના સૂક્ષ્મજીવો હોય છે – ખાસ કરીને એ. મદુરી (USA), એસ. સોમાલિએન્સિસ (આફ્રિકા), એ.લેટિએરી (દક્ષિણ આફ્રિકા) અને એન. બ્રેઝિલિએન્સિસ (મેક્સિકો) મુખ્ય છે. તે પણ પાદ અને હસ્તમાં રોગ કરે છે. સારવાર રૂપે શસ્ત્રક્રિયા પછી પેનિસિલીન કે સલ્ફા-ટ્રાઇમિથોપ્રિમનું મિશ્રણ અપાય છે. તેમાં ડેપ્સોન અને સ્ટ્રૅપ્ટોમાયસિન પણ ઉપયોગી છે. પેશીની તપાસ તથા સૂક્ષ્મજીવનું સંવર્ધન નિદાન માટે ઉપયોગી છે. જો નિદાન મોડું થયું હોય તો સારવારનું પરિણામ મધ્યમ પ્રકારનું આવે છે.
શિલીન નં. શુક્લ
પંકજ ન. શાહ