દેસલપર : કચ્છમાં ધરુડ નદીની ઉપનદી જેને તળપદમાં બામુ-છેલા કહે છે તે વોંકળાના ઉત્તર કાંઠે આવેલું સ્થળ. કચ્છમાં નખત્રાણા તાલુકામાં દેસલપરમાંના પુરાવશેષોમાં પરિપક્વ હડપ્પીય સંસ્કૃતિ જોવા મળે છે. એનો વિસ્તાર 130 × 100 મી. છે. ત્રણ મીટર ઊંડાઈના ભૂ-ભાગમાં બે સાંસ્કૃતિક કાલખંડો દટાયેલા છે : (1) આરૂઢ હડપ્પીય સંસ્કૃતિ બતાવતો તબક્કો અને (2) ઉત્તર હડપ્પીય સંસ્કૃતિ બતાવતો તબક્કો.
અહીં કરેલાં ઉત્ખનનોમાંથી મળેલા માટીકામના સંગ્રહમાં પાતળા ઘડાનો સમાવેશ થાય છે. એને ઘટ્ટ કાળો પટ્ટો ચીતરેલો સંકુચિત કાંઠલો હોય છે. અંદરના ભાગમાં સફેદ રેખાઓમાં ચીતરેલાં કાળાં અને લાલ મૃત્પાત્રો દેસલપર ખાતે પ્રાગ્-હડપ્પીય વસાહતનું અસ્તિત્વ બતાવે છે. ટૂંકી પતરીનો ઉદ્યોગ ત્યાંની સંસ્કૃતિ તામ્રપાષાણ (chalcolithic) પ્રકારની હોવાનું સૂચવે છે. દેસલપરના પ્રાગ્-હડપ્પીય લોકો સ્થાયી જીવન ગુજારતા હતા અને તેઓ ચાકડા ઉપર બનાવેલાં મૃત્પાત્રો અને તામ્ર ઓજારો વાપરતા હતા. અહીં બેસણીવાળા સીધી દીવાલના વાડકા જેવાં કેટલાંક વિકસિત હડપ્પીય મૃત્પાત્રોનો પ્રકાર જોવા મળે છે. હડપ્પીય લાલ અને બદામી મૃત્પાત્રોની સાથોસાથ કોટ-દીજી મૃત્પાત્રોની હયાતી અને જે નીકવાળા છેદની હાથાવાળી કઢાઈ કહેવાય છે તેવા નવા પ્રકારના વાડકાની હાજરી એ બે લક્ષણો નજરે પડે છે. દેસલપરમાં લોથલના પ્રકારનો દટ્ટા ઘાટના હાથાવાળો વાડકો પણ વપરાતો હતો. બીજાં મહત્વનાં કુંભારી પાત્રોમાં તરંગાકાર રેખાઓવાળાં આસમાની લીલા રંગથી ચિત્રિત રાખોડિયાં પાત્ર અને ધોળા લેપવાળાં કાળાં અને લાલ પાત્ર છે.
ત્યાંની સફાઈની સગવડોનું અસ્તિત્વ થોડી ખાનગી ગટરો સૂચવે છે. અહીં અઢી મીટર જાડી પથ્થરની દીવાલ નદીકાંઠા ઉપર પૂર-રોધક આડશ તરીકે તૈયાર કરવામાં આવેલી જણાય છે. અંદરની અને બહારની પથ્થરથી ચણેલી દીવાલોની વચ્ચે કાચી ઈંટોની પીઠિકા બનાવવામાં આવી છે. વળી કિલ્લેબંધીને અડીને કાચી ઈંટોનાં મકાન બાંધવામાં આવ્યાં હતાં. નદીના મુખ્ય પ્રવાહને બીજી દિશામાં વાળવામાં સહાયભૂત થાય તેવા કોણ, કોષ્ઠ અને પ્રક્ષેપ પણ જોવા મળે છે.
દેસલપર નાનું નગર હતું. છતાં અહીંથી મળેલાં સિંધુ તોલાં, મુદ્રાઓ અને મુદ્રાંક એ મહત્વનું વેપારી કેન્દ્ર હોવાનું સૂચવે છે. મોહેં-જો-દડો અને હડપ્પાની જેમ દેસલપરમાં સેલખડી વગેરેની ચોરસ કે લંબચોરસ મુદ્રાઓ સહિત તાંબાની તકતીઓ વાપરવામાં આવતી. ઉત્ખનનમાંથી મળેલા અનેક માનવકૃત પદાર્થો ઉપરથી ત્યાંના લોકોની સમૃદ્ધિનો ખ્યાલ આવે છે. તાંબાનાં ઓજારોમાં છરી, છીણીઓ, સળિયા અને કડીઓ મળ્યાં છે. દેહાભૂષણોમાં ચળકતી માટી, સેલખડી અને અર્ધ-કીમતી પથ્થરોના મણકાઓનો સમાવેશ થતો. ચર્ટની લાંબી સમાંતર ભુજવાળી પતરીઓ અને લીસા કરેલા પથ્થરનાં વીંધણાં દેસલપરના હડપ્પીય સ્તરોમાંથી મળેલા બીજા નોંધપાત્ર પદાર્થ છે.
ઉત્તર હડપ્પીય વસાહતનો કદાચ પૂરથી નાશ થયા પછી ઘણુંખરું સહસ્રાબ્દી માટે એ સ્થળ તજી દેવામાં આવ્યું હતું. આ કાલ રંગમહાલ મૃત્પાત્રો અને લાલ-ઉપર કાળાં ચિત્રિત મૃત્પાત્રોને માટે જાણીતો છે. બંને પ્રકારનાં પાત્ર મોડેથી આવેલાં છે અને તેમને ઉત્તરહડપ્પીય કાળાં અને લાલ મૃત્પાત્રો સાથે વર્ગીય કે સાંસ્કૃતિક સંબંધ નહોતો. આ કાલ ઈ. સ. પૂ. 2000થી 1600 સુધીનો છે. પરંતુ કોટ-દીજી મૃત્પાત્રોની હાજરીથી આ સ્થળની વસાહત ઈ. સ. પૂ. 2000થી ઘણી વહેલી થયાનું સૂચવાય છે.
હડપ્પીયોના આગમન પહેલાં કોટ-દીજીના લોકો દેસલપરમાં રહેતા હશે. હડપ્પીયોના આગમનના સમયે અથવા એનાથી મોડે પાતળાં રાખોડિયાં મૃત્પાત્ર વાપરનારા લોકો આવેલા અને એમણે દેસલપરમાં વરસો સુધી વસવાટ કરેલો જણાય છે. આરૂઢ હડપ્પીય નગરનો ઈ. સ. પૂ. 2000 થી 1900 વચ્ચે આવેલા પૂરે નાશ કર્યો દેખાય છે. અને થોડા જ સમયમાં ત્યાં ફરી વસાહત થઈ હતી, પરંતુ ઈ. સ. પૂ. 1600માં આવેલા બીજા પૂરે ક્ષીયમાણ હડપ્પીય સંસ્કૃતિનો પણ નાશ કર્યો.
રામજીભાઈ ઠા. સાવલિયા