દેસાઈ, અક્ષયકુમાર રમણલાલ

March, 2016

દેસાઈ, અક્ષયકુમાર રમણલાલ (જ. 16 એપ્રિલ 1915, નડિયાદ; અ. 12 ઑક્ટોબર 1994, વડોદરા) : ભારતના પ્રખર માર્કસવાદી કર્મશીલ સમાજશાસ્ત્રી. ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈ તેમના પિતા. તેમના બાળપણમાં જ માતા કૈલાસબહેનનું અવસાન થયેલું.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હડતાળ પડાવવાને કારણે તેમને યુનિવર્સિટી છોડવી પડી અને વડોદરાથી મુંબઈ જવું પડ્યું. મુંબઈમાં સૌપ્રથમ તેમણે કાયદાશાસ્ત્રમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. સમાજશાસ્ત્રમાં વિશેષ રુચિ હોવાને કારણે  તે સમયના જાણીતા સમાજશાસ્ત્રી જી. એસ. ઘુર્યેના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.નો અભ્યાસ કરી તે પદવી મેળવી. તેમનો શોધનિબંધ ‘ભારતીય રાષ્ટ્રવાદની સામાજિક પાર્શ્વભૂમિ’ 1948માં અંગ્રેજીમાં પુસ્તક સ્વરૂપે પ્રગટ થયો. તેની અનેક (દસથી વધુ) આવૃત્તિઓ થઈ છે અને ભારતની મોટાભાગની ભાષાઓમાં તેનો અનુવાદ પ્રગટ થયો છે.

અક્ષયકુમાર દેસાઈની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત 1946માં મુંબઈની સિદ્ધાર્થ કૉલેજમાં સમાજશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે થઈ, 1951માં તેઓ મુંબઈ યુનિવર્સિટીમાં જોડાયા. ત્યાંથી તેઓ સમાજશાસ્ત્રના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા હતા. ‘ઇન્ડિયન સોશિયોલૉજિકલ સોસાયટી’ અને ‘ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ’ના તેઓ પ્રમુખ હતા.

તેમણે સ્વતંત્ર રીતે લખેલાં, અન્ય લેખકો સાથે લખેલાં અને સંપાદિત કરેલાં પુસ્તકોની સંખ્યા 17 છે. એ પુસ્તકોમાં વિવિધ વિષયોની સમાજશાસ્ત્રીય ર્દષ્ટિબિંદુથી ચર્ચા કરવામાં આવી છે. ભારતમાં ગ્રામીણ સમાજશાસ્ત્ર, ભારતીય રાષ્ટ્રવાદ, આધુનિકીકરણ, ભારતમાં ઝૂંપડપટ્ટીની સમસ્યા, શહેરી કુટુંબો અને કુટુંબનિયોજન, આઝાદી પહેલાં અને પછી ભારતમાં ખેડૂત-આંદોલનો વગેરેનો તેમાં સમાવેશ થાય છે. ‘ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ હિસ્ટૉરિકલ રિસર્ચ’ના ઉપક્રમે શ્રમજીવીઓનાં આંદોલનોના સંદર્ભમાં તેમણે 13 ગ્રંથોનું આયોજન કર્યું હતું. તેમાંથી બે ગ્રંથોનું પ્રકાશન થયું છે. 1960માં મેક્આઇવર અને પેજના પુસ્તક ‘સોસાયટી’નો ‘સમાજ’ નામે તેમણે અનુવાદ કરેલો, જે ગુજરાત યુનિવર્સિટીએ બે ગ્રંથોમાં પ્રગટ કર્યો છે. સમાજશાસ્ત્ર અંગેનું સંદર્ભસાહિત્ય ગુજરાતીમાં સર્જાય તે માટે 1967થી ‘સમાજ વિજ્ઞાનમાળા’ શ્રેણીનું સંપાદન દેસાઈ દંપતીએ કર્યું હતું. એ શ્રેણીમાં 20 પુસ્તકો પ્રગટ થયાં છે. સક્રિય કાર્યકરોને ઉપયોગી સામગ્રી મળી રહે તે હેતુથી વડોદરામાં તેમણે સી. જી. શાહ મેમોરિયલ ટ્રસ્ટ સ્થાપીને ડૉક્યુમેન્ટેશન-સેન્ટર શરૂ કર્યું. ‘પડકાર’ નામના એક ગુજરાતી દ્વૈમાસિકનું સંપાદન પણ તેઓ કરતા હતા.

અધ્યાપનની સાથે સમગ્ર જીવન દરમિયાન તેઓ શ્રમજીવીઓની અનેક લડતોમાં સામેલ થયા હતા. તેઓ મુંબઈનાં વિવિધ કામદાર-સંગઠનો સાથે સંકળાયેલા હતા. આ પ્રવૃત્તિ દરમિયાન તેઓ નીરા દેસાઈના સંપર્કમાં આવ્યા અને બંનેએ લગ્ન કર્યાં. ડૉ. નીરા દેસાઈ પણ જાણીતાં સમાજશાસ્ત્રી છે.

1930ના દસકામાં મુંબઈના વિદ્વાન માર્ક્સવાદી સી. જી. શાહના સંપર્કમાં આવીને તેઓ 1934માં સામ્યવાદી પક્ષના સભ્ય બન્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી લશ્કરે સોવિયેત રશિયા ઉપર આક્રમણ કર્યું ત્યારે દેશના સામ્યવાદી પક્ષે ઇંગ્લૅન્ડને ટેકો આપવાની નીતિ અપનાવતાં તેમણે પક્ષની એ નીતિનો વિરોધ કરીને પક્ષનો ત્યાગ કર્યો. તેઓ ટ્રૉટ્સ્કીનાં પુસ્તકોથી પ્રભાવિત થઈને ટ્રૉટ્સ્કીવાદી બન્યા હતા. 1953માં તેઓ ધ રિવોલ્યુશનરી પાર્ટીના સભ્ય બન્યા હતા, પરંતુ તેમનાં લખાણોનો પક્ષે અસ્વીકાર કર્યો અને તેમણે પક્ષ છોડ્યો. 1955માં તેઓ ટ્રૉટ્સ્કીવાદી ક્રાંતિકારી સમાજવાદી પક્ષમાં જોડાયા, પરંતુ બાંધછોડ વિનાની બૌદ્ધિક પ્રામાણિકતાને કારણે 1981માં એ સંસ્થામાંથી પણ છૂટા થવાની તેમને ફરજ પડી.

ગૌરાંગ જાની