દેશી રાજ્યોનું વિલીનીકરણ

March, 2016

દેશી રાજ્યોનું વિલીનીકરણ : હિંદ સ્વાતંત્ર્યધારામાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે 15 ઑગસ્ટ, 1947થી દેશી રાજ્યો પરનું બ્રિટિશ સાર્વભૌમત્વ દૂર થશે અને તેમની વચ્ચેના સંધિ-કરારોનો અંત આવશે; તેથી વચગાળાની સરકારે જૂન, 1947માં દેશી રાજ્યોનું મંત્રાલય શરૂ કરવાનો નિર્ણય કર્યો. સરદાર વલ્લભભાઈ પટેલને આ નવા મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો. તેમણે તેના સચિવ તરીકે વી. પી. મેનનની નિમણૂક કરી. અંગ્રેજો જતાં રાજ્યો ઉપરના સાર્વભૌમત્વને તેઓ રદ કરતા હોવાથી ગંભીર પરિસ્થિતિ પેદા થવાની સંભાવના હતી. તેથી સંરક્ષણ, વાહન તથા સંદેશાવ્યવહાર અને વિદેશની બાબતોમાં ભારતના સંઘ સાથે જોડાવાનું  દેશી રાજ્યોને કહેવાનું વિચારવામાં આવ્યું. આ કાર્ય 15 ઑગસ્ટ પહેલાં એટલે થોડાં સપ્તાહોમાં સિદ્ધ કરવાનું હતું. આ મહાન કાર્યમાં લૉર્ડ માઉન્ટબૅટનનો હોદ્દો, પ્રતિષ્ઠા તથા કુશળતાનો લાભ લેવાનું વિચારવામાં આવ્યું.

સરદાર પટેલની સંમતિથી મેનને દેશી રાજ્યો પ્રત્યેની ભારતની નીતિ અને વલણ દર્શાવતું નિવેદન તૈયાર કર્યું. તેમાં રાજાઓને ત્રણ ખાતાં ભારત સરકારને સોંપી દેવાની તથા દેશભક્તિ દર્શાવવાની અપીલ કરવામાં આવી. તેમાં જણાવ્યું : ‘….. પરદેશીઓની માફક કૉલકરાર કરવા કરતાં મિત્રોની માફક સાથે બેસીને આપણે કાયદા ઘડવા એ વધારે સારું છે…. રાજાઓ પ્રત્યે કૉંગ્રેસને કોઈ પ્રકારનો પૂર્વગ્રહ કે દુશ્મનાવટ નથી. પરંતુ તેને બદલે તેમને અને તેમના રક્ષણ હેઠળની પ્રજાને સર્વ પ્રકારની સમૃદ્ધિ, સંતોષ અને સુખ ઇચ્છે છે…. ભારતના ઇતિહાસના ઘણા મહત્ત્વના તબક્કામાં આપણે આવી પડ્યા છીએ. આવે સમયે આપણે એક થઈને પુરુષાર્થ કરીશું તો દેશનું ગૌરવ વધારી શકીશું, જ્યારે એક નહિ થઈએ તો આપણે આપણા ઉપર નવી ખતરનાક આફતો નોતરીશું.’ આ નિવેદનને શાણપણ અને શુભેચ્છાભરી મુત્સદ્દીગીરીના નમૂના તરીકે સર્વે રાજનીતિજ્ઞો તથા દેશ-વિદેશના પત્રકારોએ વધાવી લીધું. રાજાઓ ઉપર આ નિવેદનની સારી છાપ પડી. ઘણાના મનનો ભય દૂર થયો અને માતૃભૂમિ પ્રત્યેની ફરજ બજાવવા ઘણા રાજાઓ તત્પર થયા.

દિલ્હીમાં સરદાર પટેલના નિવાસસ્થાને 10 જુલાઈ, 1947ના રોજ ભેગા થયેલા રાજાઓ અને દીવાનોને ત્રણ વિષયોમાં ભારત સાથે જોડાઈ જવા વિનંતી કરાઈ. તેમાં રાજાઓ અને તેમના સલાહકારો સાથે વારંવાર અવિધિસરની ચર્ચાઓ કરવામાં આવી તેથી રાજાઓની શંકાઓ દૂર થઈ. ભોપાળના નવાબ નરેન્દ્રમંડળના ચાન્સેલર હતા ત્યાં સુધી રાજાઓને સ્પષ્ટ અને વિશ્વાસયુક્ત માર્ગદર્શન મળતું નહિ. તેમણે તે હોદ્દેથી રાજીનામું આપ્યા બાદ પતિયાળાના મહારાજા ચાન્સેલર બન્યા; તેથી રાજાઓને સ્પષ્ટ માર્ગદર્શન મળવા લાગ્યું. તેથી ઘણા રાજાઓ કેન્દ્ર- સરકારના સંપર્કમાં આવ્યા. આ દરમિયાન જોડાણખત અને ‘સ્ટૅન્ડ સ્ટિલ ઍગ્રીમેન્ટ’નો સુધારેલો મુસદ્દો તેયાર કરી, તેની નકલો 25 જુલાઈની રાજાઓની ખાસ બેઠકમાં વહેંચવામાં આવી. તે સભામાં તાજના પ્રતિનિધિ તરીકે લૉર્ડ માઉન્ટબૅટને રાજાઓને સંબોધન કર્યું.

તેમણે સહાનુભૂતિપૂર્વક સંરક્ષણ, વિદેશની બાબતો તથા સંદેશા અને વાહનવ્યવહાર – એ ત્રણ વિષયોમાં ભારતની સરકાર સાથે જોડાણ કરવાની રાજાઓને સલાહ આપી. તેમણે સ્પષ્ટતા કરી કે આ ત્રણ બાબતોમાં ભારતીય સંઘ સાથે જોડાણ કરવાથી રાજાઓ બધી સ્વતંત્રતા ભોગવી શકશે અને પોતે વહીવટ ન કરી શકે એવા વિષયોની ચિંતામાંથી મુક્ત થશે. ભૌગોલિક બાબતો ધ્યાનમાં રાખીને પડોશી સંઘ સરકાર સાથે 15 ઑગસ્ટ પહેલાં જોડાવા તેમણે અપીલ કરી. રાજાઓ તથા દીવાનોના સંખ્યાબંધ પ્રશ્નોના જવાબ આપી માઉન્ટબૅટને રાજાઓનો ભય દૂર કર્યો. તે રાજ્યો 31 જુલાઈના રોજ જોડાણખત દ્વારા સંરક્ષણ, વિદેશની બાબતો તથા સંદેશા અને વાહનવ્યવહાર – એ ત્રણે વિષયોમાં ભારતના સંઘ સાથે જોડાયાં. સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં 300 નાનાં રાજ્યોની પૂર્વસ્થિતિ અને આવશ્યકતાઓ મુજબ જોડાણખતનો બીજો મુસદ્દો તૈયાર કરી તેમાં બધી શેષ સત્તાઓ અને અધિકારક્ષેત્ર કેન્દ્ર–સરકારને સોંપવામાં આવ્યાં.

ત્રાવણકોરના દીવાને જાહેર કર્યું હતું કે તેમનું રાજ્ય સ્વતંત્ર થશે. આ જાહેરાતથી દીવાનની વિરુદ્ધમાં ઉશ્કેરાયેલા લોકોએ હુમલો કરી તેમને ઘાયલ કર્યા. તેથી મહારાજા પરિસ્થિતિ સમજી ગયા અને જોડાણખત તથા ‘સ્ટૅન્ડ સ્ટિલ’ કરાર સ્વીકારી લીધા. જોધપુર અને જેસલમેરનાં સરહદ પરનાં મોટાં રાજ્યોના બંને હિંદુ રાજાઓને મહંમદઅલી ઝીણાએ કરાંચી બોલાવી, પાકિસ્તાન સાથે જોડાય તો તેમની બધી શરતો સ્વીકારવા તૈયારી બતાવી. જોધપુરનરેશ લલચાયા. પરંતુ પ્રજાએ વિરોધ કરવાથી જોધપુર અને જેસલમેર ભારત સાથે જોડાયાં. એવી રીતે ભોપાળ, ઇંદોર, ધોલપુર, ભરતપુર, વિલાસપુર અને નાભાનાં રાજ્યો પણ ભારતના સંઘમાં જોડાયાં. આમ ત્રણ સપ્તાહથી ઓછા સમયમાં લગભગ બધાં રાજ્યોએ – જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર સિવાય – જોડાણખતનો સ્વીકાર કર્યો.

વિલીનીકરણ : રાજ્યોનું જોડાણ એ માત્ર અડધો ઉકેલ હતો. રાજ્યોના લોકો વહીવટી તંત્રમાં હિસ્સો લેવા માગતા હતા. ભારતની સરકાર પણ તેમની આકાંક્ષાઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી હતી. દેશી રાજ્યોના વહીવટી તંત્રને આધુનિક કરવાની જરૂર હતી. તેથી વિલીનીકરણ અને આધુનિકીકરણનું કાર્ય ત્રણ રીતે કરવામાં આવ્યું.

(ક) ઓરિસા અને મધ્યપ્રદેશનાં છત્તીસગઢ રાજ્યોમાં મુશ્કેલીઓ ઊભી થવાથી પ્રાન્તોની સરકારોએ કેન્દ્ર-સરકારને દરમિયાનગીરી કરવા વિનંતી કરી. ઓરિસાના ઈસ્ટર્ન સ્ટેટ્સ યુનિયનના લોકો જવાબદાર રાજ્યતંત્રની માગણી કરતા હતા. તેથી રાજ્યો અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું. હિરાકુડ બંધની યોજનાથી ખેડૂતોની જમીનો ડૂબતી હોવાથી ખેડૂતોને નુકસાન થાય છે એવો પ્રચાર કરી આદિવાસીઓને ઉશ્કેરવામાં આવ્યા. તેથી પરિવર્તિત પરિસ્થિતિમાં પોતાના અધિકારો પ્રત્યે જાગ્રત થયેલી પ્રજાના રોષમાંથી તેમના રાજાઓને રક્ષણ આપવાનો એકમાત્ર ઉપાય, ભારતની સરકારે વિલીનીકરણની નીતિ અમલમાં મૂકવાનો હતો.

રાજાઓને વિલીનીકરણ માટે સમજાવી શકાય તો તેમને વાર્ષિક ખર્ચની રકમ આપવી જોઈએ તથા તે તેમના વારસોને પણ મળવી જોઈએ. તે નક્કી કરવા રાજ્યની 1945–46ના વર્ષની આવક ધ્યાનમાં લઈને એક ફૉર્મ્યુલા ઘડવામાં આવી. તે રકમ ઉપર કર લેવો નહિ એમ નક્કી કરવામાં આવ્યું. તેમના મહેલો સહિત ખાનગી મિલકત અને વિશેષાધિકારો માન્ય રાખવામાં આવ્યા. વિલીનીકરણના કરારનો મુસદ્દો કાયદા-મંત્રાલયે તૈયાર કર્યો, તે બીજાં રાજ્યોના વિલીનીકરણ માટે નમૂનારૂપ બન્યો. કટકમાં 14 ડિસેમ્બર, 1947ના રોજ સરદાર પટેલે ‘કુટુંબના એક સભ્ય તથા મિત્ર તરીકે’ રાજાઓને વિલીનીકરણ સ્વીકારવા સલાહ આપી. એમના ત્યાગના બદલામાં તેમના વિશેષાધિકારો, માન તથા પ્રતિષ્ઠા જાળવવાની તેમણે ખાતરી આપી. રાજાઓ સમજી ગયા કે તેમનું અસ્તિત્વ લોકોની શુભેચ્છા અને ભારતની સરકારના ટેકા પર નિર્ભર હતું. આ બંને તેમણે ગુમાવ્યાં હતાં. લોકોના આંદોલનના પરિણામે તેમનાં રાજ્યોનો વહીવટ ભારતની સરકાર દ્વારા લઈ લેવામાં આવે તો તેમને સાલિયાણું પણ ન મળે. તેથી રાજાઓ વિલીનીકરણ માટે કબૂલ થયા અને કરાર પર સહી કરી. આમ આશરે 80 લાખની વસ્તી ધરાવતા 1,45,040.00 ચોકિમી.નો વિસ્તાર અને વાર્ષિક રૂપિયા બે કરોડની આવક ધરાવતા પ્રદેશનું ભારતના સંઘમાં, ડિસેમ્બર, 1947માં સૌપ્રથમ વિલીનીકરણ થયું. આમ સ્વેચ્છાએ ભારત સરકારને પોતાની સત્તાઓ સોંપી દેનાર રાજાઓની દેશભક્તિની સરદાર પટેલે પ્રશંસા કરી.

દખ્ખણનાં 17 રાજ્યોનું માર્ચ, 1948માં અને તે પછી કોલ્હાપુરનું મુંબઈ ઇલાકા સાથે વિલીનીકરણ કરવામાં આવ્યું. આ રીતે 28,127.40 ચોકિમી.નો વિસ્તાર અને 27 લાખની વસ્તી ધરાવતાં રાજ્યો મુંબઈ ઇલાકામાં વિલીન થયાં. ગુજરાતનાં 289 રાજ્યો; 45,791.20 ચોકિમી.નો પ્રદેશ તથા 27 લાખની વસ્તી સહિત જૂન, 1948માં મુંબઈ ઇલાકામાં જોડાયાં. મે, 1949માં 21,331.24 ચોકિમી.નો પ્રદેશ તથા 30 લાખની વસ્તી ધરાવતું વડોદરા રાજ્ય મુંબઈ ઇલાકામાં વિલીન થયું. પંજાબમાં કેટલાંક નાનાં રાજ્યો; પશ્ચિમ બંગાળમાં કૂચબિહાર; મદ્રાસ(ચેન્નાઈ) ઇલાકામાં બંગનપલ્લી, પુડુકોટ્ટાઈ અને સંદુર; આસામમાં ખાસી હિલ સ્ટેટ્સ અને ઉત્તરપ્રદેશમાં વારાણસી, તેહરી ગઢવાલ અને રામપુર 1948 તથા 1949માં વિલીન થયાં. આ બધાં રાજ્યોના વિલીનીકરણના કરારોમાં શરતો એકસરખી હતી. વિલીન થયેલાં રાજ્યો તે પ્રાન્તના પ્રદેશો બની ગયાં અને ત્યાંના લોકોને પ્રાન્તની વિધાનસભામાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું.

(ખ) વિલીનીકરણનું બીજું સ્વરૂપ કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજ્યોનું જોડાણ કરવાનું હતું. આ રીતે હિમાચલપ્રદેશ, વિંધ્યપ્રદેશ, કચ્છ, બિલાસપુર, ભોપાળ, ત્રિપુરા અને મણિપુર રાજ્યોનું કેન્દ્રશાસિત પ્રદેશોમાં રૂપાંતર કરવામાં આવ્યું. પૂર્વ પંજાબમાં 27,454.00 ચોકિમી.ના પ્રદેશમાં આશરે 10 લાખની વસ્તી ધરાવતાં 21 રાજ્યોનો હિમાચલપ્રદેશનો સંઘ 15 એપ્રિલ, 1948ના રોજ રચવામાં આવ્યો. બુંદેલખંડ અને બાગલ ખંડના 63,714.00 ચોકિમી.ના વિસ્તારમાં 36 લાખની વસ્તી ધરાવતાં 35 રાજ્યો ભેગાં કરીને એપ્રિલ, 1948માં વિંધ્યપ્રદેશનાં રાજ્યોનો સંઘ રચવામાં આવ્યો. પરંતુ પાછળથી 1 જાન્યુઆરી, 1950ના રોજ ભારતની સરકારે તેનો વહીવટ સંભાળી લીધો. કચ્છના 44,674.00 ચોકિમી.નો વિસ્તાર અને 5 લાખની વસ્તી ધરાવતા પ્રદેશને મે, 1948માં ચીફ કમિશનરનો પ્રાન્ત બનાવવામાં આવ્યો. બિલાસપુર (પંજાબ), ભોપાળ તથા ત્રિપુરાનો વહીવટ પણ ભારતની સરકારે સંભાળી લીધો.

(ગ) રાજ્યોના વિલીનીકરણનું ત્રીજું સ્વરૂપ રાજ્યસંઘોની રચના કરવાનું હતું. ભૌગોલિક પરિસ્થિતિ, રાજ્યોમાં વસતા લોકોની ભાષા તથા સામાજિક અને સાંસ્કૃતિક સંબંધોને ધ્યાનમાં રાખીને રાજ્યસંઘો રચવામાં આવ્યા. તેના વડા રાજપ્રમુખ કહેવાતા હતા. સૌરાષ્ટ્રનાં 55,558.09 ચોકિમી.ના વિસ્તારમાં આવેલાં 222 રાજ્યો, જાગીરો તથા તાલુકાની આશરે 40 લાખની વસ્તી ધરાવતા સૌરાષ્ટ્રનાં સંયુક્ત રાજ્યોનો સંઘ 15 ફેબ્રુઆરી, 1948ના રોજ રચવામાં આવ્યો. તેનાં મહત્ત્વનાં રાજ્યોમાં નવાનગર, ભાવનગર, રાજકોટ, પોરબંદર, ધ્રાંગધ્રા વગેરેનો સમાવેશ થતો હતો. કરારની શરતો મુજબ સમાન કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર સહિતના એક રાજ્યસંઘમાં પોતાના પ્રદેશ વિલીન કરવા રાજાઓ કબૂલ થયા. પાંચ સભ્યોની સ્થાયી સમિતિ (presidium) સહિત રાજાઓની એક સમિતિ રચવામાં આવી. સ્થાયી સમિતિ(presidium)ના પ્રમુખ સંઘના રાજપ્રમુખ બનતા. રાજપ્રમુખને બધી કારોબારીવિષયક સત્તા હતી. મંત્રીમંડળ તેને બધાં કાર્યોમાં મદદ કરતું અને સલાહ આપતું. તેણે બંધારણીય વડા તરીકે કામ કરવાનું હતું. કરારમાં રાજાઓનું સાલિયાણું નક્કી કરવામાં આવ્યું અને તેમની ખાનગી મિલકત, વિશેષાધિકારો તથા વારસાના અધિકારોની ખાતરી આપવામાં આવી.

અલવર, ભરતપુર, ધોલપુર અને કરોલીનાં રાજ્યો ભેગાં કરીને 18 માર્ચ, 1948ના રોજ મત્સ્યસંઘ રચવામાં આવ્યો. વિંધ્યપ્રદેશના સંઘની રચના 5 એપ્રિલ, 1948ના રોજ કરવામાં આવી. ગ્વાલિયર, ઇન્દોર, માળવા, રતલામ, અલિરાજપુર વગેરે રાજ્યોના મધ્ય ભારત સંઘની રચના 28 મે, 1948ના રોજ કરવામાં આવી. તેનો વિસ્તાર 1,19,580.30 ચોકિમી. અને વસ્તી 80 લાખની હતી. પતિયાળા, નાભા, કપુરથલા, જિંદ વગેરે સાત મોટાં રાજ્યોનો ‘પતિયાળા અને પૂર્વ પંજાબનાં રાજ્યો’ના સંઘની 20 ઑગસ્ટ, 1948ના રોજ રચના કરવામાં આવી. તેનો વિસ્તાર 26,156.41 ચોકિમી. અને વસ્તી 35 લાખ હતી. રાજસ્થાનનાં રાજ્યોના સંઘની રચના ત્રણ તબક્કે કરવામાં આવી. તેમાં જયપુર, જોધપુર, જેસલમેર, ઉદયપુર તથા મત્સ્યસંઘનો સમાવેશ કરવામાં આવ્યો. રાજસ્થાનનાં રાજ્યોનો સંઘ સૌથી મોટો હતો. તેનો વિસ્તાર 3,32,618.16 ચોકિમી., વસ્તી 153 લાખ તથા વાર્ષિક આવક રૂપિયા 18 કરોડથી વધારે હતી. ત્રાવણકોર-કોચીન રાજ્યોના સંઘની રચના 1 જુલાઈ, 1949ના રોજ થઈ. તેનો વિસ્તાર 23,711.45 ચોકિમી. અને વસ્તી 93 લાખ હતી. આ રીતે જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર સિવાય બધાં રાજ્યો ભારતના સંઘ સાથે જોડાઈ ગયાં.

જૂનાગઢ : સૌરાષ્ટ્રમાં નૈર્ઋત્ય ખૂણે આવેલા જૂનાગઢ રાજ્યનો વિસ્તાર 8,642.83 ચોકિમી. અને વસ્તી 6,70,719ની હતી. રાજ્યની 80 ટકા વસ્તી હિન્દુ અને શાસક મુસલમાન હતા. તેમણે તેમના રાજ્યનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. તેથી રાજ્યના લોકોએ નવાબની સામે બળવો કર્યો. જૂનાગઢની કામચલાઉ સરકાર(આરઝી હકૂમત)ની રચના કરવામાં આવી. તેમાં શામળદાસ ગાંધી, રતુભાઈ અદાણી, સનત મહેતા વગેરે આગેવાનો હતા. રાજ્યમાં અરાજકતા પ્રવર્તી. પરિસ્થિતિ ગંભીર બની અને નવાબનું જીવન જોખમમાં હોવાથી તે પાકિસ્તાન નાસી ગયા. રાજ્યના મુસ્લિમ દીવાને વિનંતી કરવાથી ભારતની સરકારે વહીવટ સંભાળી લીધો. ફેબ્રુઆરી, 1948માં લોકમત લેવામાં આવ્યો અને તે ભારત સાથેના જોડાણની તરફેણમાં હતો. ત્યારબાદ સૌરાષ્ટ્રનાં રાજ્યોના સંઘ સાથે જૂનાગઢને જોડવામાં આવ્યું.

હૈદરાબાદ : હૈદરાબાદ ભારતનું મોટું દેશી રાજ્ય હતું. તેનો વિસ્તાર 2,13,190.67 ચોકિમી. અને 1947માં વસ્તી 1 કરોડ 60 લાખ હતી. તેની વસ્તીના 85 ટકા લોકો હિંદુ અને શાસક નિઝામ મુસલમાન હતા. તેની ચારે બાજુ ભારતના પ્રદેશો આવેલા હતા. ભારતની સરકારે 15 ઑગસ્ટ, 1948 પહેલાં તેમને ભારત સાથે જોડાવા આમંત્રણ આપ્યું. ત્યાં કનૈયાલાલ મુનશીને એજન્ટ-જનરલ તરીકે નીમવામાં આવ્યા. નિઝામ કાસમ રઝવીની આગેવાની હેઠળના ઇત્તેહાદ-ઉલ્-મુસ્લિમીન અને રઝાકારોના કાબૂમાં હતા, તેથી તેમણે આમંત્રણ સ્વીકાર્યું નહિ; છતાં 29 નવેમ્બર, 1947ના રોજ નિઝામે ‘સ્ટૅન્ડ સ્ટિલ’ કરારનો સ્વીકાર કર્યો, લૉર્ડ માઉન્ટબૅટને હૈદરાબાદનો ઉકેલ લાવવાના પ્રયાસો કર્યા. પરંતુ નિઝામ સત્ય હકીકત ધ્યાનમાં લેવા તૈયાર નહોતા. તેથી માઉન્ટબૅટનને નિષ્ફળતા મળી. ભારતની સરકાર સામે લડવા તેમણે ભરતી કરવા માંડી. તેથી ભારતની સરકારે હૈદરાબાદમાં લશ્કર મોકલ્યું અને ત્રણ દિવસમાં નિઝામે શરણાગતિ સ્વીકારી. 1 નવેમ્બર, 1948ના રોજ હૈદરાબાદ ભારત સાથે જોડાયું. કેટલોક સમય લશ્કરના વહીવટ બાદ, નિઝામને બંધારણીય વડા રાખીને ત્યાં લોકશાહી સરકાર સ્થાપવામાં આવી.

કાશ્મીર : કાશ્મીર રાજ્યનો વિસ્તાર 2,18,779.89 ચોકિમી. અને વસ્તી 44 લાખ હતી. તેની 75 ટકા વસ્તી મુસલમાન અને બાકીના લોકો હિંદુ, શીખ તથા બૌદ્ધ હતા. તેના રાજા હિંદુ હતા. લૉર્ડ માઉન્ટબૅટને સલાહ આપવા છતાં 15 ઑગસ્ટ, 1947 પહેલાં ભારત કે પાકિસ્તાન સાથે કાશ્મીર જોડાયું નહિ. માઉન્ટબૅટને મહારાજાને જણાવ્યું હતું કે તે પાકિસ્તાન સાથે જોડાશે તો ભારતની સરકાર તેને વિરોધી પગલું માનશે નહિ તથા તેમણે લોકોનો અભિપ્રાય લોકમત કે ચૂંટણી દ્વારા જાણી લેવો. તેમ છતાં રાજાએ નિર્ણય કર્યો નહિ. તેમણે પાકિસ્તાન સાથે ‘સ્ટૅન્ડ સ્ટિલ’ના કરાર કરવા છતાં, 15 ઑગસ્ટ, 1947 પછી પાકિસ્તાને આવશ્યક વસ્તુઓનો પુરવઠો કાપી નાખ્યો અને તેની સરહદે હુમલા કરાવ્યા. પાકિસ્તાનની સહાયથી રજા પર ગયેલા સૈનિકો, આફ્રિદી, વઝીરી, મહસૂદ વગેરે સરહદના આદિવાસીઓ શ્રીનગર કબજે કરવાની તૈયારીમાં હતા ત્યારે મહારાજાએ ભારતની મદદ માગી અને 26 ઑક્ટોબર, 1947ના રોજ જોડાણખત પર સહી કરી. ભારતના લશ્કરે મોટા ભાગના પ્રદેશમાંથી હુમલાખોરોને હાંકી કાઢ્યા. કાશ્મીરના પાકિસ્તાનના કબજા હેઠળના પ્રદેશનો ઉકેલ યુનાઇટેડ નૅશન્સ દ્વારા પણ લાવી શકાયો નથી.

જયકુમાર ર. શુક્લ