આન્વેઈ (Anhui) : ચીનના પૂર્વ ભાગમાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે 310 40´ ઉ. અ. અને 1170 00´ પૂ. રે.ની આજુબાજુનો 1,40,000 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. ચીનના 21 પ્રાંતો પૈકીનો આ નાનામાં નાનો પ્રાંત છે અને બધી બાજુએ ભૂમિભાગોથી બંધિયાર છે. તેની ઈશાન તરફ કિયાંગ્સુ, અગ્નિ તરફ ચેકિયાંગ, દક્ષિણે કિયાંગ્સી અને પશ્ચિમે હુપેહ અને હોનાન પ્રાંતો આવેલા છે. ઉત્તર-દક્ષિણ તે 640 કિમી.ની લંબાઈ ધરાવે છે. ‘આન્વેઈ’નો અર્થ થાય છે ‘સુંદર શાંતિ’. પ્રાંતની મધ્યમાં આવેલું હો-ફેઈ તેનું પાટનગર છે. ઈ. સ. 2000 મુજબ તેની વસ્તી 5,98,60,000 છે.
આન્વેઈનો ઉત્તર ભાગ ઉત્તર ચીનમાં સમતળ મેદાનોથી બનેલો છે. આ પ્રદેશમાં ઘણી વાર નદીનાં પૂર ફરી વળે છે. યાંગ્ત્ઝે (ચાંગ જિયાંગ) અહીંની મુખ્ય નદી છે. પ્રાંતનો દક્ષિણ ભાગ યાંગ્ત્ઝે ખીણથી બનેલો છે. તે ઉત્તરનાં મેદાનોથી ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી પર્વત-શ્રેણીઓથી અલગ પડે છે. ઉત્તરના મેદાનમાં હુઇ હો (હુઆંગ હો અથવા પીળી નદી) નદી વહે છે અને હુંગ્તઝે હુ સરોવરમાં ઠલવાય છે. આ નદીમાં ભારે પૂર આવે છે ત્યારે ભયંકર તારાજી સર્જાય છે. આન્વેઈની આબોહવા મોસમી પ્રકારની છે. અહીં ઉનાળા ગરમ અને ભેજવાળા તથા શિયાળા ઠંડા અને સૂકા રહે છે.
સદીઓ સુધી આન્વેઈ વિસ્તારમાં જલમાર્ગો સંચારનાં મુખ્ય માધ્યમો રહ્યાં હતાં. યાંગ્ત્ઝે નદી પરનો વ્યવહાર વરસોવરસ વધતો રહ્યો છે. આ પ્રાંતની મુખ્ય નદીઓ પર સિંચાઈ-યોજનાઓ કરવામાં આવી છે. તેને કારણે ખેતીના પાકો લેવાય છે અને વીજળી મળી રહે છે. યાંગ્ત્ઝે નદીનો મેદાની પ્રદેશ નહેરોથી ગૂંથાયેલો છે. 1949માં ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ ત્યાં સુધી આન્વેઈ ચીનના ગરીબ અને અલ્પવિકસિત પ્રાંતોમાંનો એક હતો. પછીથી સડક અને રેલમાર્ગનો વાહનવ્યવહાર વિકસ્યો.
આન્વેઈની મોટા ભાગની વસ્તી તેની નદીઓ અને શાખાનદીઓને કાંઠે જોવા મળે છે. કેટલાક વિસ્તારો તો અત્યંત ગીચ છે. એક ચોકિમી. દીઠ અહીં સરેરાશ 400 માણસોની વસ્તી છે. હો ફેઈ, હુઆઈ-નાન, પાંગ-ફોઉ અને વુ-હુ અહીંનાં મોટાં શહેરો છે. વસ્તી સંપૂર્ણપણે ચીની છે.
ઉત્તર તરફના હુ-ઈ થાળામાં ઘઉં અને દક્ષિણના યાંગ્ત્ઝેના થાળામાં ડાંગર અહીંનો મુખ્ય પાક છે. મોટે ભાગે ખેડૂતો વર્ષમાં બે પાક લે છે. ઉનાળુ પાકોમાં ડાંગર, શકરિયાં, જુવાર, સૉયાબીન, મગફળી અને તલ તથા શિયાળુ પાકોમાં ઘઉં, જવ, રાઈ, સરસવ અને વટાણા થાય છે. આ ઉપરાંત ચા, તમાકુ અને રૂ, રેસા જેવા પાકોનું ઉત્પાદન પણ લેવાય છે. આન્વેઈ તેની ચા માટે સાતમી સદીથી જાણીતું રહ્યું છે. 1950ના દાયકા દરમિયાન રેશમનો ઉદ્યોગ અહીં ફરીથી વિકાસ પામ્યો છે. માંસ માટે ડુક્કરો અને ઊન માટે મોટી સંખ્યામાં ઘેટાંનો ઉછેર થાય છે. યાંગ્ત્ઝેના કાંઠે જલકૃષિપાકો પણ લેવાય છે. કોલસા, લોહઅયસ્ક અને લોખંડ-પોલાદનું ઉત્પાદન પણ લેવાય છે. હસ્તકારીગરીમાં ઘડતર લોખંડમાંથી સુશોભનની વસ્તુઓ બનાવાય છે.
ઈ. પૂ. 481ના અરસામાં આન્વેઈમાં ચીની લોકોનો વસવાટ હતો. ઈ. પૂ. પાંચમી સદીથી આન્વેઈ ચોઉ રાજવંશના રાજ્યનો ભાગ બન્યો ત્યારથી આ પ્રાંત જળમાર્ગના વિકાસ માટે પ્રખ્યાત હતો. 1850ના દાયકામાં હુઆંગ હો નદીએ વહેણ બદલતાં આન્વેઈ પ્રાંતના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ખેડૂતોનાં અનેક આંદોલનોએ પ્રાંતમાં વ્યાપક નુકસાન કર્યું હતું. 1938માં પણ ભારે પૂરને લીધે આ પ્રાંતે જાનમાલની ભારે હાનિ સહન કરી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આન્વેઈના મોટા ભાગના વિસ્તારો જાપાનનાં દળોના કબજા હેઠળ આવ્યા હતા. 1946થી 1949 દરમિયાન આ પ્રાંત રાષ્ટ્રવાદી બળો(કોમિન્તાંગ)ના અંકુશ હેઠળ આવ્યો હતો. 1949થી 1954 સુધી તે પૂર્વ ચીનના વહીવટી વિસ્તારમાં સમાવાયો અને 1954માં તે ચીનના લોકપ્રજાસત્તાકનો ભાગ બન્યો છે અને હો ફેઈ તેનું પાટનગર બન્યું છે.
હેમન્તકુમાર શાહ