આન્વીક્ષિકી

January, 2002

આન્વીક્ષિકી : પ્રાચીન ભારતની 14માંની એક વિદ્યા. અન્વીક્ષાથી પ્રવૃત્ત થાય તે, ન્યાયવિદ્યા. ધર્મસૂત્રોમાં અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં (ઈ. પૂ. 400) રાજાના વિદ્યાભ્યાસ માટે ત્રયી આન્વીક્ષિકી વાર્તા (કૃષિ, પશુપાલન, વાણિજ્ય) અને દંડનીતિ – એ વિષયોની ભલામણ કરી છે.

ગૌતમપ્રણીત ન્યાયસૂત્રના પ્રથમ સૂત્રમાં ન્યાયદર્શનના 16 પદાર્થો ગણાવ્યા છે – પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન વગેરે અને કહ્યું છે કે તેમના તત્વજ્ઞાનથી નિ:શ્રેયસની પ્રાપ્તિ થાય છે. વાત્સ્યાયનના ન્યાયભાષ્યમાં પ્રશ્ન ઊભો કર્યો છે કે પ્રમાણોથી પ્રમેયનું જ્ઞાન થાય છે તેથી તે બેનો ઉલ્લેખ સમજી શકાય તેવો છે, પણ સંશયાદિને જુદા શા માટે ગણાવ્યા છે ? સંશયાદિનો તો પ્રમાણ અને પ્રમેયમાં પણ સમાવેશ થઈ શકે. આનો ઉત્તર આપતાં કહ્યું છે કે આ સાચું છે, પણ ઉપર્યુક્ત ચાર વિદ્યાઓ જેમાં અલગ અલગ રીતે ભિન્ન ભિન્ન વિષયોનું પ્રતિપાદન છે તેમનો ઉપદેશ પ્રાણીઓના અનુગ્રહાર્થે આપવામાં આવ્યો છે. આ વિદ્યાઓમાંની એક આન્વીક્ષિકી અર્થાત્ ન્યાયવિદ્યા છે. આ શાસ્ત્ર પ્રમાણ, પ્રમેય ઉપરાંત સંશયાદિ પદાર્થોનું પ્રતિપાદન કરે છે. સંશય વગેરે તરફ ધ્યાન દોરવા માટે તેમનો સ્વતંત્ર ઉલ્લેખ કર્યો છે. તેમ ન કર્યું હોત તો આ ન્યાયવિદ્યા પણ માત્ર અધ્યાત્મવિદ્યા બની ગઈ હોત. ઉપનિષદોની જેમ અનુપલબ્ધ પદાર્થ અથવા જેને વિશે નિર્ણય થઈ ગયો છે તેવા પદાર્થને વિશે ન્યાય પ્રવૃત્ત થતો નથી પણ જેને વિશે સંશય હોય તેને વિશે ન્યાય પ્રવૃત્ત થાય છે. ન્યાય એટલે પ્રમાણોથી અર્થપરીક્ષણ કરવું અને સંશય હોય તેવી બાબતની ઉપપત્તિ કે અનુપપત્તિ બતાવવી, તે શક્ય છે કે નહિ તે સિદ્ધ કરવું, તે વજૂદવાળી છે કે નહિ તે પુરવાર કરવું.

એ જ રીતે કોઈક પ્રયોજનથી પ્રેરાઈને જ પ્રાણી કર્મ કરવા પ્રેરાય છે, તેથી બધાં પ્રાણી, બધાં કર્મો, બધી વિદ્યાઓનું કોઈ ને કોઈ પ્રયોજન હોય જ છે અને તેને આશ્રયે ન્યાય પ્રવૃત્ત થાય છે. ન્યાય એટલે પ્રમાણોથી અર્થપરીક્ષણ અનુમાન, પ્રત્યક્ષ કે આગમ (આપ્તવચન) પર આધારિત હોય છે, તે જ અન્વીક્ષા; એટલે પ્રત્યક્ષ અને આગમથી ઈક્ષિત(જોયેલ, જાણેલ)નું અન્વીક્ષણ. અન્વીક્ષાથી પ્રવૃત્ત થાય તે આન્વીક્ષિકી, ન્યાયવિદ્યા, ન્યાયશાસ્ત્ર. જે અનુમાન પ્રત્યક્ષ કે આગમથી વિરુદ્ધ હોય તે ન્યાય નહિ પણ ન્યાયાભાસ.

એ સ્પષ્ટ છે કે આન્વીક્ષિકી કે ન્યાયશાસ્ત્ર અનુમાનને કેન્દ્રમાં રાખે છે, અને તેના અનુસંધાનમાં તેના આશ્રયભૂત અથવા તેના પર આધારિત પ્રત્યક્ષ, આગમ (કે શબ્દ), ઉપમાન વગેરે પ્રમાણોનું પ્રતિપાદન કરે છે. (જોકે ન્યાયના ગ્રંથોમાં બીજા પ્રમાણ પર આધારિત નહિ એવા પ્રત્યક્ષ પ્રમાણના નિરૂપણથી શરૂઆત કરવામાં આવે છે.)

પ્રમાણ, પ્રમેય, સંશય વગેરે પદાર્થોમાં વહેંચાયેલી આ આન્વીક્ષિકી બધી વિદ્યાઓ માટે પ્રદીપરૂપ છે (- તેમના પ્રતિપાદનને સુસ્પષ્ટ અને યુક્તિયુક્ત બનાવે છે), તે બધાં કર્મોનો ઉપાય છે, સર્વ ધર્મો(મનુષ્યને પ્રવૃત્ત કરનાર આદેશો)નો આશ્રય છે અને એટલે તો તેની ગણના વિદ્યાઓમાં થાય છે.

અનુમાનનો આધાર, પ્રત્યક્ષ કે આગમ(શબ્દપ્રમાણ)થી જ્ઞાત હેતુ (કે લિંગ) અને જેને વિશે સંશય છે કે જે વિવાદનો વિષય છે તે સાધ્ય – આ બેના અવિનાભાવસંબંધ કે વ્યાપ્તિના જ્ઞાન પર હોય છે. સાધ્યની પોતાને માટે સિદ્ધિ કરે તે સ્વાર્થાનુમાન અને અન્યને માટે વ્યવસ્થિત રીતે (- પ્રતિજ્ઞા, હેતુ, દૃષ્ટાંત વગેરે અવયવો દ્વારા) સ્થાપના કરે તે પરાર્થાનુમાન.

પ્રાચીન કાળથી અનુમાનના સ્વીકૃત પ્રમાણ તરીકે ઉલ્લેખ મળે છે. (જુઓ તૈત્તિરીય આરણ્ય 1.2; મૈત્રી ઉપનિષદ્ 6.1; મહાભારત 2.5.1) પછી જોકે આનો સમીક્ષિત આવૃત્તિમાં સમાવેશ નથી, નારદને ન્યાયના જ્ઞાતા કહ્યા છે; મજ્ઝિમ નિકાયનું અનુમાન સુત્ત; મિલિન્દ પન્હમાં અનુમાન-પન્હ જેમાં અનેક અનુમાનો પ્રાપ્ત થાય છે. લલિત- વિસ્તર (1) અનુસાર બુદ્ધ હેતુવિદ્યા, સાંખ્યયોગ વગેરેમાં નિષ્ણાત હતા. લંકાવતાર – સૂત્ર (2)માં તર્ક અને તાર્કિકોનો ઉલ્લેખ છે. જૈન આગમના સ્થાનાંગસૂત્ર 338માં લિંગ, પ્રમાણ અને અનુમાનના અર્થમાં ‘હેતુ’ શબ્દનો પ્રયોગ છે; અને અનુયોગ દ્વારા 144માં ત્રિવિધ અનુમાનનું પ્રતિપાદન છે; ચરકસંહિતા(સૂત્ર સ્થાન 9 અને 11 અને વિમાનસ્થાન (8.40)માં અનુમાનનું સારા પ્રમાણમાં નિરૂપણ છે. ગૌતમના ન્યાયસૂત્રથી તો ન્યાયનું વિસ્તારથી વ્યવસ્થિત નિરૂપણ થવા લાગ્યું. કઠ ઉપનિષદ (2.9), રામાયણ (2.100.36) અને મનુસ્મૃતિ(2.11)માં તર્ક કે આન્વીક્ષિકી કે હેતુવિદ્યાની નિંદા પણ છે કે તે શાસ્ત્રના ઉપદેશથી વિપરીત માર્ગે પ્રેરે છે કે શાસ્ત્રની ઉપેક્ષા કરવા પ્રેરે છે; જોકે શાસ્ત્રથી અવિરુદ્ધ તર્ક કે ન્યાયની વિચારશુદ્ધિ માટે સર્વત્ર ભલામણ મળે છે.

એસ્થર સોલોમન