દિક્પાલ : દિશાનો રક્ષક. ‘બૃહદારણ્યક ઉપનિષદ’માં છ દિશા અને તેના અધિપતિનો ઉલ્લેખ છે. આ અધિપતિમાં દેવત્વનું આરોપણ કરીને એનું અર્ચન શરૂ થયું. વાસ્તુશાસ્ત્રમાં દિક્પાલને દેવ ગણીને દેવાલયના મંડોવરમાં દિક્પાલની સેવ્યપ્રતિમા મૂકવાની પ્રથા આરંભાઈ જે પ્રકારાન્તરે આજે પણ અસ્તિત્વમાં છે. રામાયણ, મહાભારતમાં ચાર દિક્પાલોનો ઉલ્લેખ મળે છે. પાલિસાહિત્યમાં દિક્પાલ ‘મહારાજ’નું નામાભિધાન પામે છે. ‘મનુસ્મૃતિ’ના લોકપાલ એ જ દિક્પાલ. ત્યાં આઠ દિક્પાલનો ઉલ્લેખ મળે છે. આ આઠ દિક્પાલો આ પ્રમાણે છે : ઇન્દ્ર, વરુણ, કુબેર, યમ, ઈશાન, અગ્નિ, નૈર્ઋતી અને વાયુ. પૂર્વ દિશામાં પાલક ઇન્દ્રની દ્વિભુજ કે ચતુર્ભુજ મૂર્તિ કંડારાય છે. તેનું વાહન હાથી છે. અગ્નિની મૂર્તિ ચતુર્ભુજ હોય છે, જેનું વાહન મેષ છે. યમની મૂર્તિ ચતુર્ભુજ હોય છે અને એનું વાહન મહિષ છે. નૈર્ઋતી નરવાહન દેવ છે. વરુણ દ્વિભુજ કે ચતુર્ભુજ મકર વાહનના દેવ છે. કુબેર નરવાહન હોવા સાથે બકરો કે હાથી એનું વાહન છે. દ્રવ્યની થેલી અને મદ્યપાત્ર લઈને ઊભેલી ભદ્રા એની ઓળખ છે. વાયુની મૂર્તિ ચતુર્ભુજ હોય છે. એનું વાહન મૃગ હોય છે. ઈશાન શિવનું સ્વરૂપ ધરાવે છે. કર્મકાંડમાં દશ દિક્પાલને પૂજવાની પરંપરા છે. ઊર્ધ્વ અને અધસ્તાત સીલ પણ દિગ્વિભાગો ગણી બ્રાહ્મા અને અનંતને પૂજવામાં આવે છે.
પ્રફુલ્લ રાવલ