દિકામારી : દ્વિદળી વર્ગના રૂબિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gardenia gummifera Linn. F. (સં. નાડી હિંગુ, હિંગુનાડિકા; હિં.બં.મ. ડિકામાલી; ગુ. દિકામારી, ક. કલહત્તિ, તા. ડિક્કેમલ્લી, તે ચિભહિંગ્વા, અ. કનખામ) છે. તે ક્ષુપ અથવા નાના વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે. તેની ઊંચાઈ લગભગ 1.5થી 1.8 મી. અને ઘેરાવો 30 સેમી. જેટલો હોય છે. તે દક્ષિણ દ્વીપકલ્પ(Deccan Peninsula)થી માંડી ઉત્તરે બુંદેલખંડ અને બિહારના ભાગોમાં થાય છે. તેની છાલ બદામી રંગની હોય છે. પર્ણો સાદાં, સંમુખ, અદંડી, પ્રતિઅંડાકાર (obovate) કે ફાચર-આકાર(cuneate)નાં અને ઉપપર્ણીય (stipulate) હોય છે. પુષ્પો મોટાં, પીળાં તથા ફળ માંસલ અને અંડાકાર હોય છે.

દિકામારી વનસ્પતિ

આ જાતિના પર્ણની કલિકાઓ અને તરુણ પ્રરોહો રાળ (resin)નો સ્રાવ કરે છે, તેનું વ્યાપારિક નામ દિકામારી કે કુમ્બી ગુંદર છે. રાળનો સ્રાવ બિંદુ રૂપે મુક્તપણે થાય છે. આ રાળ પારદર્શક, લીલાશ પડતી પીળી, વિશિષ્ટ વાસ ધરાવતી અને ખૂબ તીખા સ્વાદવાળી હોય છે.

દિકામારીના એક વ્યાપારિક નમૂનામાં રાળ 89.9 %, બાષ્પ-ઉડ્ડયનશીલ (steam-volatile) તેલ 0.1 % અને વનસ્પતિ-અશુદ્ધિઓ 10.0 % હતી. રાળની લાક્ષણિકતાઓ આ પ્રમાણે હોય છે : ગલનબિંદુ 45–50° સે., ઍસિડ-આંક 87.1, આયોડિન-આંક 80.8 અને સાબૂકરણ-આંક 172.3, તે ગાર્ડેનિન (5 હાઇડ્રૉક્સિ-3, 6, 8, 3’, 4’, 5’ હેક્ઝામિથૉક્સિ ફલેવોન, C2H22O9; ગ.બિં. 163-64° સે.) નામનું રંજકદ્રવ્ય ધરાવે છે. તે રાળનું ગરમ આલ્કોહૉલમાં પાચન કરતાં પ્રાપ્ત થાય છે. દિકામારીના ઘેરા પીળા રંગના નમૂનાઓમાંથી ગાર્ડેનિનનું વધારે ઉત્પાદન થાય છે.

રાળ તાણરોધી (antispasmodic), કફોત્સારક (expectorant), વાતાનુલોમક (carmiative), સ્વેદક (diaphoretic) અને કૃમિનાશક (anthelmintic) ગુણધર્મો ધરાવે છે. તે બાળકોને ચેતાતંત્રના રોગોમાં અને દંતોદભેદન(dentition)ને કારણે થતા અતિસારમાં ઉપયોગી છે. તે અવાળુ પર ઘસવાથી દુખાવામાં રાહત મળે છે. તેનો ઉપયોગ ગંધ મારતાં ચાંદાં સાફ કરવા માટે થાય છે. તેનો ક્વાથ તાવમાં વપરાય છે. વાતગ્રસ્ત દુષ્પચનમાં રાળનો ઉપયોગ લાભદાયી છે. બાહ્ય રીતે, તે જંતુનાશક અને ઉત્તેજક તરીકે કાર્ય કરે છે. પશુચિકિત્સાશાસ્ત્રમાં રાળનો જખમથી માખીઓને દૂર રાખવા અને ઘામાં રહેલી ઇયળોનો નાશ કરવા ઉપયોગ થાય છે.

આયુર્વેદ અનુસાર, તે લઘુ, રુક્ષ, તીક્ષ્ણ, કડવી, તૂરી, તીખી, ગરમ, કફવાતશામક, રુચિકર, પાચનકર્તા, ભૂખવર્ધક, વાયુની ગતિ સીધી કરનાર, આમદોષનાશક, હૃદયોત્તેજક, કફ બહાર કાઢનાર, શ્વાસ અને ખાંસી મટાડનાર તથા અરુચિ, મંદાગ્નિ, અજીર્ણ, કબજિયાત, હરસ, પેઢુનાં દર્દો, આફરો, ગોળો, ઉદરશૂળ, હેડકી, મેદ, વિષમજ્વર તથા કૃમિરોગને હણનાર છે.

દિકામારીનું કાષ્ઠ પીળાશ પડતું સફેદ, કંઈક અંશે ચળકતું અને લીસું હોય છે. તે કઠણ, ભારે (વિ.ગુ., આશરે 0.74, વજન 769 કિગ્રા./ઘમી.), સુરેખ-કણિકાયુક્ત (straight-grained), સૂક્ષ્મ અને સમગઠિત (fine-and even-textured) હોય છે. ગાર્ડેનિયાની અન્ય જાતિઓની જેમ, તેનું કાષ્ઠ સંશોષણ (seasoning) દરમિયાન છેડેથી ચિરાય છે. તેનું કાષ્ઠ ટકાઉ હોય છે અને તેના પર ખરાદીકામ અને પૉલિશ સારી રીતે થાય છે. તેના કાષ્ઠમાંથી કાંસકાઓ, ઓજારોના હાથાઓ, માપપટ્ટીઓ અને નાના નમૂનાઓ બનાવાય છે. પેટીના કાષ્ઠની અવેજીમાં તેનો ઉપયોગ થાય છે. કાષ્ઠનું ઉષ્મીયમાન (calorific value) 4543 કૅલરી, 8178 બી.ટી.યુ. જેટલું હોય છે.

બળદેવપ્રસાદ પનારા

બળદેવભાઈ પટેલ