દાની, અહમદ હસન (જ. જૂન 1920, બસના; અ. 26 જાન્યુઆરી 2009, ઇસ્લામાબાદ) : પાકિસ્તાનના બૌદ્ધિક પુરાતત્વવિદ, ઇતિહાસવિદ અને ભાષાશાસ્ત્રી, મધ્ય એશિયા અને દક્ષિણ એશિયાના પુરાતત્વ અને ઇતિહાસના અભ્યાસ પર તેમનું પ્રભુત્વ હતું. તેમણે પાકિસ્તાન અને બંગ્લાદેશમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે પુરાતત્વનો અભ્યાસ દાખલ કરાવ્યો હતો. વિશેષત: તેઓ ઉત્તર પાકિસ્તાનમાં પૂર્વસિંધુસભ્યતા અને ગાંધાર વિશેના સંશોધનકાર્યથી વધુ જાણીતા છે.
દાની કાશ્મીરી હતા. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી સ્નાતક થનાર તેઓ પ્રથમ મુસ્લિમ હતા. ત્યાંથી જ એમ.એ. પણ થયા. પરીક્ષામાં સૌથી વધુ માર્ક મેળવવા બદલ તેમને જે. કે. સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. એ જ યુનિવર્સિટીમાં તેમને ફેલોશિપ મળી હતી. 1945માં તેમણે જાણીતા પુરાતત્વવિદ મોર્ટીમર વ્હીલરના માર્ગદર્શન હેઠળ પુરાતત્વવિદ્યાના તાલીમાર્થી તરીકે કામ શરૂ કર્યું. આ સમય દરમિયાન તેમણે તક્ષશીલા અને મોહેં-જો-દડોના ઉત્ખનનકાર્યમાં ભાગ લીધો. બાદ બ્રિટિશ ઇન્ડિયાના પુરાતત્ત્વવિભાગના આશ્રયે આગ્રાના તાજમહેલમાં સેવા આપી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્કિયૉલૉજી, યુનિવર્સિટી કૉલેજ લંડનમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી.
ભારતના વિભાજન બાદ તેમણે પૂર્વ પાકિસ્તાનમાં સ્થળાંતર કર્યું. 1947–49 દરમિયાન ત્યાં પુરાતત્વવિભાગના મદદનીશ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે સેવા આપી. 1949માં સાફિયા સુલ્તાના સાથે તેમનાં લગ્ન થયાં. 1950માં પુરાતત્વવિભાગના કાર્યકારી સુપરિન્ટેન્ડેન્ટ તરીકે નિયુક્ત થયા. તે જ વર્ષે ઢાકામાં રૉયલ એશિયાટિક સોસાયટીના જનરલ સેક્રેટરીની જવાબદારી પણ સંભાળી. 1955માં નૅશનલ કમિટી ફૉર મ્યુઝિયમ્સ ઇન પાકિસ્તાનના પ્રમુખ બન્યા. 1950–62નાં બાર વર્ષો દરમિયાન દાનીએ ઢાકા યુનિવર્સિટીમાં ઇતિહાસના ઍસોસિયેટ પ્રોફેસર તરીકે સેવાઓ આપી. આ જ વર્ષો દરમિયાન ઢાકા મ્યુઝિયમના ક્યુરેટર તરીકેની પણ સેવા બજાવી. બંગાળના મુસ્લિમ ઇતિહાસ વિશે આ સમયમાં જ પુરાતત્વીય સંશોધન શરૂ કર્યું.
1962માં યુનિવર્સિટી ઑવ્ પેશાવરમાં પુરાતત્વવિદ્યાના પ્રોફેસર તરીકે જોડાયા અને 1971 સુધી તેમણે ત્યાં સેવા આપી. તેમણે લાહોર અને પેશાવરનાં સંગ્રહાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. 1970માં યુનિવર્સિટી ઑવ્ પેશાવરમાં રિસર્ચ સોસાયટીના ચૅરમૅનપદે પહોંચ્યા. 1971માં યુનિવર્સિટી ઑવ્ ઇસ્લામાબાદમાં સામાજિક વિજ્ઞાનો (Social Sciences)ના ડીનનો હોદ્દો સંભાળ્યો. 1980માં તેઓ નિવૃત્ત થયા ત્યારે તેમને ઇમેરિટસ પ્રોફેસર તરીકે નીમવામાં આવ્યા.
1993માં તાજકિસ્તાન યુનિવર્સિટી દ્વારા માનાર્હ ડૉક્ટરેટની ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. આ જ વર્ષે તેમણે ઇસ્લામાબાદ મ્યુઝિયમની સ્થાપના કરી. 1992-96 દરમિયાન પાકિસ્તાન સરકારના મિનિસ્ટ્રી ઑવ્ કલ્ચરના સલાહકાર તરીકેની જવાબદારી સંભાળી. 1994-98 દરમિયાન નૅશનલ ફન્ડ ફૉર કલ્ચરલ હૅરિટેજ ઇસ્લામાબાદના ચૅરમૅન તરીકે સેવાઓ આપી. 1997માં તક્ષશીલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એશિયન સિવિલાઇઝેશનના માનાર્હ અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા અને મૃત્યુપર્યંત આ સંસ્થાને સેવા આપી.
દાનીએ સ્કૂલ ઑવ્ ઓરિયેન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝ, યુનિવર્સિટી ઑવ્ લંડનમાં રિસર્ચ ફેલો તરીકે (1958-59) અને ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટીમાં એશિયન ફેલો તરીકે (1969) તથા યુનિવર્સિટી ઑવ્ પેન્સિલ્વેનિયામાં 1974માં વિઝિટિંગ પ્રોફેસર તરીકે સેવાઓ આપી હતી. 1991માં તેમને બુખારાના માનાર્હ નાગરિક અને તાજકિસ્તાનમાં પઇવાન્ડ સોસાયટીના માનાર્હ સભ્ય તરીકેનું બહુમાન આપવામાં આવ્યું.
તેમને વિવિધ ઍવૉર્ડો અને ચંદ્રકોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1969માં સિતારા-એ-ઇમ્તિયાઝનો રાષ્ટ્રીય ઍવૉર્ડ, 1992માં ઐઝાઝ-એ-કમાલ અને 2000માં હીલાલ-એ-ઇમ્તિયાઝના ઍવૉર્ડ પાકિસ્તાન સરકાર તરફથી આપવામાં આવ્યા હતા. 2004માં ડિસ્ટિંગ્વિશ્ડ નૅશનલ પ્રોફેસર તરીકે હાયર એજ્યુકેશન કમિશન દ્વારા સન્માનિત થયા. આંતરરાષ્ટ્રીય પુરાતત્વ, ભાષાશાસ્ત્ર અને પ્રાચીન ઇતિહાસક્ષેત્રે તેમના પ્રદાન બદલ લિજિયન દી’ ઓનર, પ્રેસિડેન્ટ ઑવ્ ફ્રેન્ચ રિપબ્લિક (1998), ઍરિસ્ટોટલ સિલ્વર મેડલ, યુનેસ્કો (1997), ઑર્ડર ઑફ ધ મેરિટ, જર્મન સરકાર (1996), નાઇટ કમાન્ડર ઇટાલી સરકાર (1994), પાલ્મેસ એકૅડેમિક્સ, ફ્રાન્સ સરકાર (1990) અને ગોલ્ડ મેડલ, એશિયાટિક સોસાયટી ઑવ્ બંગ્લાદેશ (1986) વડે સન્માન આપવામાં આવ્યું હતું.
તેમનાં 30થી વધુ પુસ્તકો અને ઘણાં સામયિકોમાં અનેક લેખો પ્રગટ થયા હતા. તેઓ 35 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ભાષાઓ અને બોલીઓ જાણતા હતા. તેમનાં પુસ્તકો અનેક ભાષાઓમાં લખાયાં છે.
થૉમસ પરમાર