દાનવ : કશ્યપ ઋષિ અને દક્ષની પુત્રી દનુના પુત્રો તે દાનવો. માતાના નામ પરથી તેમનું નામ પડ્યું છે. દાનવની જેમ ‘દનુજ’ શબ્દ પણ તેમને માટે વપરાયો છે. મહાભારતના આદિપર્વના અધ્યાય 6 અને મત્સ્યપુરાણના અધ્યાય 6 મુજબ દનુને 40 પુત્રો હતા. જ્યારે અન્ય પુરાણો દનુને 61 પુત્રો હતા એમ માને છે. આ 40 કે 61 દાનવોમાંથી (1) દ્વિમૂર્ધા (2) શંબર (3) અરિષ્ટ (4) હયગ્રીવ (5) વિભાવસુ (6) અયોમુખ (7) શંકુશિરા (8) સ્વર્ભાનુ (રાહુનો પિતા) (9) કપિલ (10) અરુણ (11) પુલોમા (12) વૃષપર્વા (13) એકચક્ર (14) તાપન (15) ધૂસ્રકેશ (16) વિરૂપાક્ષ (17) વિપ્રચિત્તિ અને (18) દુર્જય એટલાને ભાગવતપુરાણ મુખ્ય દાનવો માને છે; જ્યારે મહાભારતમાં 14 દાનવોને મુખ્ય દાનવો માનવામાં આવ્યા છે જેમાં ભાગવત મુજબ (1) પુલોમા (2) વિરૂપાક્ષ (3) શંબર (4) સ્વર્ભાનુ (5) અશ્વશિરા (6) હિરણ્યકશિપુ (7) ઇન્દ્રજિત (8) અસિલોમા (9) નિકુંભ (10) નરક (11) તારક (12) બાણ (13) મારીચ અને (14) વાતાપિ એ ચૌદ દાનવો મુખ્ય દાનવો છે.

કશ્યપ ઋષિ અને દિતિના પુત્રો દૈત્યો દાનવોના ઓરમાન ભાઈઓ છે. જ્યારે વેદમાં જાણીતા વૃત્ર અને વલ વગેરેને અસુરો તરીકે ઓળખવામાં આવ્યા છે. દાનવો, દૈત્યો અને અસુરો જુદા હોવા છતાં ત્રણેને એક જ માનવાનો કવિસમય રાજશેખરે કાવ્યમીમાંસામાં રજૂ કર્યો છે. દેવો પણ કશ્યપ ઋષિ અને અદિતિના પુત્રો હોવાથી દાનવો અને દૈત્યોના ઓરમાન ભાઈઓ જ છે.

સગપણમાં દેવો અને દાનવો ઓરમાન ભાઈઓ હોવા છતાં વ્યવહારમાં બંને શત્રુઓ છે. દાનવો દેવો કરતાં ભૌતિક કે શારીરિક રીતે વધુ બળવાન છે; પરંતુ દેવોના જેવી નીતિમત્તા અને ગુણવત્તા વગરના હોવાથી દાનવોને દેવો સાથે સ્વાભાવિક શત્રુતા છે. પરિણામે ક્યારેક દાનવો દેવોને હરાવીને સ્વર્ગમાંથી હાંકી કાઢે છે, છતાં દેવો પોતાનું ગુમાવેલું સ્વર્ગનું રાજ્ય કોઈક રીતે હરાવીને પાછું મેળવે છે એમ પુરાણોમાં વર્ણવાયું છે.

દાનવોમાં બલિ અને પ્રહલાદ જેવા ભગવદભક્ત અને સદગુણી, ઇન્દ્રજિત જેવા ઉપાસક, રાવણ જેવા શિવભક્ત અને વેદજ્ઞાની, મયદાનવ જેવા પોતાની માયાશક્તિથી અદભુત બાંધકામો કરનારા, શંબર જેવા જાદુ કરનારા, મારીચ જેવા ઇચ્છારૂપધારી દાનવો પણ છે. સમુદ્રમંથન કરી અમૃત મેળવવા દેવો સાથે સહકારથી વર્તવા જેટલા અર્થપરાયણ પણ છે; પરંતુ દાનવોની નબળાઈઓ દેવો જાણતા હોવાથી અમૃતકુંભ પડાવી લેવા માટે મોહિનીસ્વરૂપનો ઉપયોગ કર્યો એ જાણીતું છે. દેવવિદ્વેષથી રાહુ અને હિરણ્યકશિપુ જેવા, સ્ત્રી પ્રત્યેના આકર્ષણથી સુંદ અને ઉપસુંદ જેવા, અભિમાનથી રાવણ જેવા દાનવો નષ્ટ થયા છે. જગતમાં સારાં તત્વો એટલે દેવો અને નરસાં તત્વો એટલે દાનવો. એ બંને વચ્ચેનો સંઘર્ષ સનાતન છે અને વિશ્વના અનેક ધર્મોમાં નિરૂપાયો છે.

પ્ર. ઉ. શાસ્ત્રી