થિયોબાલ્ડ (જ. આશરે ઈ. સ. 1090, બેક, નૉર્મન્ડી; અ. 18 એપ્રિલ 1161) : ઇંગ્લૅન્ડના મહત્વના ધર્મસ્થાન કૅન્ટરબરીના આર્કબિશપ. એમની કારકિર્દીનો પ્રારંભ નૉર્મન્ડીમાં બેકના મઠમાં દાખલ થતાં થયો હતો. 1127માં તેઓ મઠના ઉપમહંત બન્યા અને 1136માં ઍબટના સ્થાને પહોંચ્યા. 1138માં કૅન્ટરબરીના ખ્રિસ્તી ધર્માચાર્ય – આર્કબિશપ તરીકે પસંદગી પામ્યા. એમનું ઘર લઘુ પાઠશાળા અથવા ગુરુકુલ સમું હતું. કેટલાક ધર્માચાર્યોએ અહીં તાલીમ મેળવી હતી.
થિયોબાલ્ડ ત્રણ વિખ્યાત મહાનુભાવોના આશ્રયદાતા તરીકે વિખ્યાત છે. કૅન્ટરબરીના આર્કબિશપ ટૉમસ બકેટે (1118–1170) થિયોબાલ્ડની લઘુ પાઠશાળામાં કારકુન તરીકે જીવનનો પ્રારંભ કર્યો હતો. ઇટાલીના ન્યાયવિદ વેકારિયસને પણ તે ઑક્સફર્ડમાં લાવ્યા હતા. તેઓ ઇંગ્લૅન્ડમાં રોમન કાનૂન શીખવનાર પ્રથમ શિક્ષક હતા. સેલિસબરીના જ્હૉન, જેઓ ઇતિહાસકાર અને દાર્શનિક હતા, તેઓ પણ થિયોબાલ્ડના આશ્રિત હતા. આમ થિયોબાલ્ડે ધર્માચાર્યોના ઘડતરમાં ધ્યાનાર્હ યોગદાન આપ્યું હતું.
રસેશ જમીનદાર