થિયોફાઇલીન (Theophylline, C7H8N4O2) : મુખ્યત્વે દમના રોગમાં વપરાતું કેન્દ્રીય ચેતાતંત્રને ઉત્તેજિત કરતું ઔષધ. તે મિથાઇલ ઝૅન્થિન જૂથનું સભ્ય છે.

થિયોફાઇલીનનું બંધારણીય સૂત્ર

મિથાઇલ ઝૅન્થિન જૂથનાં અન્ય અગત્યનાં ઔષધોમાં કૅફિન અને થિયોબ્રોમીનનો સમાવેશ થાય છે. થિયોફાઇલીન સફેદ, કડવા, જલદ્રાવ્ય અને ગંધ વગરના પાઉડર રૂપે મળે છે. તે ચેતાતંત્રને ઉત્તેજિત કરે છે તથા શ્વાસોચ્છવાસની નળીઓના સ્નાયુઓને શિથિલ કરી તેમને પહોળી કરે છે. તે વનસ્પતિજન્ય આલ્કલૉઇડ છે અને વિશ્વમાં વ્યાપકપણે ઉપલબ્ધ છે. વિશ્વની અર્ધાથી વધુ વસ્તી ચા, કોકો, ચૉકલેટ અને કૉફીનો ઉપયોગ કરે છે. ચામાં મુખ્યત્વે કૅફિન છે અને થોડા પ્રમાણમાં થિયોફાઇલીન અને થિયોબ્રોમીન પણ છે. ચાની પત્તી થિયાસિનેન્સીસ નામની વનસ્પતિનાં પાંદડાંમાંથી મેળવાય છે. કોકો અને ચૉકલેટ થિયોબ્રોમીન કોકો નામની વનસ્પતિનાં બીજમાંથી મળે છે અને તેમાં મુખ્યત્વે થિયોબ્રોમીન છે અને અલ્પમાત્રામાં કૅફિન પણ છે. કૉફિયા ઍરિબિકા અને અન્ય સંબંધિત વનસ્પતિમાંથી કૉફી બને છે, જેમાં મુખ્યત્વે કૅફિન હોય છે. તેનાં ફળમાંથી કૅફિનનું ઉત્પાદન પણ કરાય છે. આ દ્રવ્યોમાંથી બનાવેલાં પીણાં ઉત્તેજક અને નિદ્રાહારી (antisoporitic) હોય છે અને તેથી તે ઊંઘ ઘટાડે છે, મનને પ્રફુલ્લિત કરે છે અને કાર્યક્ષમતા વધારે છે. તેના કારણે તેમનો વ્યાપક ઉપયોગ થાય છે.

રસાયણવિદ્યા : ઝૅન્થિન યૂરિક ઍસિડના અણુના બંધારણને મળતું આવતું ડાયૉક્સિપ્યુરિન છે. તેના મિથાઇલીકરણ(methylation)થી કૅફિન, થિયોફાઇલીન અને થિયોબ્રોમીન બને છે.

ઔષધશાસ્ત્રીય ગુણધર્મો : થિયોબ્રોમીનની કાર્યક્ષમતા ઓછી હોવાથી તેનો હાલ ઉપચારમાં ઉપયોગ થતો નથી. આ ત્રણે ઔષધો વધતાઓછા પ્રમાણમાં કેન્દ્રીય ચેતાતંત્રને ઉત્તેજે છે, મૂત્રપિંડ પર કાર્ય કરીને પેશાબનું પ્રમાણ વધારે છે, હૃદયના સ્નાયુને ઉત્તેજે છે અને શ્વસનમાર્ગની નળીઓના તથા અન્ય અરૈખિક સ્નાયુઓને શિથિલ કરે છે.

કેન્દ્રીય ચેતાતંત્ર પર સૌથી વધુ અસર થિયોફાઇલીન અને કૅફિનની થાય છે. 80થી 250 મિગ્રા. કૅફિનને કોઈ પણ સ્વરૂપે લેવાથી ઘેન ઘટે છે, ઝોકાં આવતાં અટકે છે, થાક ઘટે છે અને સ્પષ્ટ વિચારોનો ઝડપી સ્રોત ઉત્પન્ન થાય છે.

થિયોફાઇલીનનો મુખ્યત્વે ઉપયોગ શ્વસનમાર્ગની નળીઓ પહોળી કરવામાં થતો હોઈ તેની કેન્દ્રીય ચેતાતંત્ર પરની આ જ અસરોને આડઅસરો ગણવામાં આવે છે. તે મુખ્યત્વે દમના દર્દમાં વપરાય છે. જ્યારે તેનું પ્રમાણ વધે ત્યારે મનની નબળાઈ અથવા હૃદયદૌર્બલ્ય (nervousness), અજંપો (restlessness), અનિદ્રા (insomnia), ધ્રુજારી, અતિસંવેદના (hyperasthesia) તથા આંચકી, ખેંચ અથવા તાણ(convulsions)ના વિકારો થાય છે.

થિયોફાઇલીન અને કૅફિન લંબમજ્જા(medula oblongata)નાં શ્વસનકેન્દ્રોને ઉત્તેજે છે. ક્યારેક ચાન-સ્ટોક્સ પ્રકારનું શ્વસન થાય છે તથા નાનાં શિશુઓમાં શ્વસનક્રિયાના અવદાબનને કારણે શ્વસનસ્તંભન (apnoea) થાય છે, જેમાં શિશુનો શ્વાસ અટકી જાય છે. થિયોફાઇલીનના ઉપયોગથી જૈવિક શ્વસનક્ષમતા (vital capacity) વધે છે. સ્નાયુઓ પરની અસરને કારણે તેમની કાર્યક્ષમતા વધે છે. કૅફિન તેમાં વધુ અસરકારક રહે છે.

મૂત્રપિંડ પરની તેની અસરને કારણે થાયેઝાઇડ જૂથના મૂત્રવર્ધક(diuretic)ની જેમ થિયોફાઇલીન પણ પેશાબનું પ્રમાણ વધારીને મૂત્રવર્ધન (diuresis) કરે છે.

જઠરના પાચક રસમાં વધુ ઍસિડ અને પેપ્સિનનો સ્રાવ તથા તલીય ચયાપચયી દર – આ બંને ક્રિયાઓ કૅફિનને કારણે વધે છે.

ક્રિયાપ્રવિધિ : મિથાઇલ ઝૅન્થિન જૂથની દવાઓ કોષમાંના કૅલ્શિયમનાં આયનોનું સ્થાનાંતરણ (translocation) કરે છે. તે સાયક્લિક એડિનૉસાઇન મોનોફૉસ્ફેટ(c–AMP)નું વિઘટન કરતા ફૉસ્ફોકાઇનેઝનું અવદાબન કરીને c–AMPનું કોષમાં પ્રમાણ વધારે છે. આ બંને પ્રક્રિયા દ્વારા આ ઔષધો તેમની ઔષધશાસ્ત્રીય અસરો ઉપજાવે છે.

ઝેરી અસર : કૅફિનને વધારે પ્રમાણમાં લેવાથી મૃત્યુ થવાની શક્યતા ઘણી ઓછી જોવા મળે છે. તેની માત્રા (dose) વધે એટલે અનિદ્રા, અજંપો, ઉશ્કેરાટ, મંદતીવ્રતાની લવારી કે સનેપાત (delirium), ઊલટી થવી, આંચકી આવવી વગેરે થાય છે. થિયોફાઇલીનની વધુ માત્રાથી મૃત્યુ નીપજે છે. તેને નસ દ્વારા ઝડપથી આપવાથી મૃત્યુ થાય છે. તેની માત્રા વધે ત્યારે દર્દીને માથાનો દુખાવો, ઊલટીઓ, હૃદયના ધબકારા(palpitation)ની સભાનતા, અંધારાં આવવાં, ઊબકા આવવા, લોહીનું દબાણ ઘટવું, હૃદયની આગળની ભાગની છાતીમાં દુખાવો થવો, અતિઉશ્કેરાટ (agitation) થવો વગેરે આડઅસરો જોવા મળે છે.

અવશોષણ, ચયાપચય અને ઉત્સર્ગ : મોં વાટે, મળાશય દ્વારા કે નસ વાટે અપાય ત્યારે તે ઝડપથી લોહીમાં ભળે છે. ઇંજેક્શન દ્વારા ઔષધો અપાય છતાં તેમની જઠર-આંતરડા પરની આડઅસરો (ઊબકા-ઊલટી) ઘટતી નથી. લોહીમાંના રુધિરપ્રરસ (plasma)માં થિયોફાઇલીનની સપાટી કેટલી ઊંચી આવી છે તેના પર ઊબકા-ઊલટીની વમનકારી (emetic) આડઅસરોનો આધાર રહેલો છે. ખોરાકની સાથે તેમને લેવાથી તેમનું અવશોષણ ઘટતું નથી. થિયોફાઇલીન કરતાં કૅફિન વધુ સારી રીતે શોષાય છે. તેમનો યકૃત(liver)માં ચયાપચય થાય છે અને ત્યાં તેમનો નાશ થાય છે.

ઉપચારલક્ષી ઉપયોગો : દુખાવાનો નાશ કરતી કૅફિનવાળી દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પણ મળે છે. તે વ્યક્તિની મનોદશા (mood) સુધારે છે.

દમ અને સંકોચાયેલી શ્વાસનળીઓના લાંબા ગાળા(દીર્ઘકાલીન)ના રોધ-જન્ય ફેફસી રોગ(chronic pulmonary obstructive disease)માં થિયોફાઇલીન વપરાય છે. તેમાં શ્વસનનલિકાઓમાં સોજા આવે છે અને તેના સ્નાયુઓના સંકોચનને કારણે તે સાંકડી બને છે અને તેથી શ્વાસના આવાગમનમાં રોધ (obstenction) ઉદભવે છે. થિયોફાઇલીન શ્વસનમાર્ગની નળીઓમાંના શોથ (inflammation)ને ઘટાડે છે, તેમને પહોળી કરે છે, તેમાંના કશાતંતુઓ (cilia) વડે કફને દૂર કરવાની પ્રક્રિયા પુન: સ્થાપિત કરે છે, શ્વસનશીલતા (respiratory drive) તથા ઉરોદરપટલની સંકોચનશીલતા વધારે છે. શ્વસનક્રિયાનાં ચેતાકેન્દ્રોના શ્વસનક્રિયા ચાલુ રાખવાના ગુણધર્મને શ્વસનશીલતા કહે છે.

બીટાસ્વીકાર ઉત્તેજક સમધર્મી (beta-agonist) ઔષધની વધુ સારી અસરકારકતાને કારણે તથા ચિકિત્સીય-સુરક્ષા(therapevitic safety)ના ટૂંકા ગાળાને કારણે હાલ દમની સારવારમાં થિયોફાઇલીનનો ઉપયોગ નીચલા ક્રમે ખસ્યો છે. તેને કારણે હાલ એમિનોફાઇલીનનાં નસમાંના ઇંજેક્શનનો ક્રમાંક બીજો રહે છે. જોકે રાત્રિને સમયે થતા દમના હુમલાને રોકવા માટે સતતવિમોચિત (sustained release) થિયોફાઇલીનવાળી દવા વધુ ઉપયોગી ગણાય છે.

ઔષધઆંતરક્રિયા : સિમેટિડિન, મૅક્રોલાઇડ જૂથનાં ઍન્ટિબાયૉટિક ઔષધો, ક્વિનોલોન્સ, આઇસોનિએઝાઇડ, પ્રોપ્રેનોલોલ, કૅલ્શિયમ-માર્ગ-અવરોધકો (calcium channel blockers), એલોપ્યુરિનોલ, મુખમાર્ગી ગર્ભધારણરોધકો, કૅફિન તથા ઇન્ફ્લુએન્ઝા સામેની રસી થિયોફાઇલીનની અસરો/આડઅસરો વધારે છે, જ્યારે ફેનિટોઇન, ફિનોબાર્બિટોન, રિફામ્પિસિન, કાર્બોમેઝેપિન, ફ્રુસેમાઇડ વગેરે તેની અસરોને ઘટાડે છે.

શિલીન નં. શુક્લ

જગદીશ જ. ત્રિવેદી

સંજીવ આનંદ