તુતનખામન : મિસરનો પ્રાચીન રાજવી. અખનાતનનો અનુગામી અને જમાઈ. તે અમેન હોટેપ ત્રીજાનો પૌત્ર હતો. તેનાં લગ્ન અખનાતન અને નેફેર્તીતીની ત્રીજી પુત્રી અંખેસેનપાએતુન સાથે થયાં હતાં. અને તેથી તેનો ગાદી ઉપર હક થતો હતો. અખનાતનના મૃત્યુ સમયે તુતનખામન નાની વયનો હતો તેથી રાજકુટુંબ સાથે સંકળાયેલા વજીર અને બીજા અમલદારો તેના વતી રાજવહીવટ સંભાળતા હતા. તુતનખામને અગાઉની રાજધાની તેલ-અલ-અમર્નાથી કૅરો નજીકના મેમ્ફીસ ખાતે બદલી હતી. તેણે તેના પિતાનો થીબ્ઝનો રાજમહેલ સુધરાવ્યો હતો. તેણે રાજ્યારોહણના ચોથા વરસે તેનું મૂળ નામ તુતનખાતેનને બદલે તુતનખામન રાખ્યું હતું. તેના સેનાપતિ હોરમહેબે ઉત્તર સીરિયાના ખંડિયા હિટાઇટ લોકો સાથે યુદ્ધ કરીને તેમના હુમલા પાછા હઠાવ્યા હતા. અખનાતને પ્રચલિત કરેલ એટન-દેવની પૂજાને બદલે પ્રણાલીગત જૂના દેવોનાં મંદિરો અને તેમની પૂજા પ્રચલિત કરી હતી. સીરિયા સાથે યુદ્ધ ચાલતું હતું ત્યારે તુતનખામનનું અઢારમે વરસે મૃત્યુ થયું હતું. તેણે નવ વર્ષ (ઈ. સ. પૂ. 1361–1352) રાજ્ય કર્યું હતું.
1922માં હોવાર્ડ કાર્ટરે તુતનખામનની મૂળ કબર શોધી કાઢી હતી. રાજાનું મમી ત્રણ શબપેટી પૈકી સૌથી નીચેનીમાં હતું. તે સંપૂર્ણ રીતે સોનાથી મઢેલી હતી. બહારની બંને શબપેટીનાં લાકડાનાં ચોકઠાં ઉપર સોનાનાં પતરાં જડેલાં હતાં. આ કબરમાંથી ઝવેરાત ઉપરાંત હજારો વસ્તુઓ મળી હતી જે પૈકી સોનાથી મઢેલ રથ, ખુરશીઓ, પથારીઓ, હથિયારો, દીવાઓ, પહેરવેશનાં કપડાં, ફરવા જતી વખતે વપરાતી લાકડી, પંખા, લેખનસામગ્રી વગેરે અવશેષો હતા. આ કબર પ્રાચીન મિસરના રાજાઓની સમૃદ્ધિનો ખ્યાલ આપે છે. તુતનખામનની કબર અગાઉના સેનાપતિ હોરમહેબે પચાવી પાડી હતી. તે પાછળથી ફેરો પદ ધારણ કરી રાજા બન્યો હતો.
શિવપ્રસાદ રાજગોર