તુઝે આહે તુઝ પાશી

January, 2014

તુઝે આહે તુઝ પાશી : મરાઠી હાસ્યપ્રધાન નાટક. લેખક પુ. લ. દેશપાંડે. તેમાં એમણે સમકાલીન જીવનપ્રવાહો તથા વિચારધારા પર વ્યંગ કર્યો છે. એ નાટક એમની શ્રેષ્ઠ રચના મનાઈ છે. ‘તુજશી તુઝા પાશી’નો અર્થ ‘જે તારું છે તે તારી જ પાસે છે’. નાટકકારે એને પ્રતીક તરીકે લીધું છે. દરેક વ્યક્તિની પાસે એની શંકાઓનું સમાધાન કરવાની શક્તિ અંતર્ગત છે; પણ એ માટે એ બહાર ભટક્યા કરતો હોય છે. આ પ્રતીકાત્મક કથાને લેખકે કાકાજી અને આચાર્ય પોફળે ગુરુજીનાં પાત્રો દ્વારા નિરૂપી છે. પોફળે ગુરુજીએ સર્વોદય વિચારધારા અપનાવી છે. એમણે અખંડ બ્રહ્મચર્યનું વ્રત લીધું છે. એ પૂર્ણત: સિદ્ધાંતનિષ્ઠ છે. ગાંધીજીના સિદ્ધાંતોનું જડતાપૂર્વક પાલન કરે છે. એ સિદ્ધાંતોનો ભંગ કરનાર તરફ એમનો પુણ્યપ્રકોપ પ્રજ્વળી ઊઠે છે અને એમનો સ્વભાવ ચીડિયો બની જાય છે. કઠોર નિયમપાલનના આગ્રહી હોવા છતાં એ સરલ અને ઉદાર પણ છે. એટલે એ એમના એક મિત્રની અનાથ દીકરીને પાળેપોષે છે, પણ એમના કડક નિયમપાલનના આગ્રહને કારણે એ છોકરીનું વ્યક્તિત્વ ખીલતું નથી અને ઠીંગરાઈ જાય છે. વળી ર્દષ્ટિભિન્નતાને કારણે અન્યાય કરતા લોકો જોડે એમનો મેળ ખાતો નથી. જીવનના અંતિમ કાળમાં એ આત્મપરીક્ષણ કરે છે અને એવા નિર્ણય પર આવે છે કે ત્યાગમય જીવનના મહાન આદર્શો સામાન્ય લોકો માટે નથી અને સિદ્ધાંતનિષ્ઠા તો ગૌતમબુદ્ધ જેવી મહાન વિશિષ્ટ વ્યક્તિઓ માટે હોય છે. તે સિદ્ધાંતોને ચુસ્તપણે વળગી રહે છે તેથી જે ઘણી હાસ્યાસ્પદ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે તેવું નિરૂપણ લેખકે કુશળતાથી કર્યું છે અને પ્રેક્ષક વ્યંગ્ય તથા હાસ્યરસનો આસ્વાદ ભરપૂર માણી શકે છે. આ સાથે એમણે કાકાજી દેવાસ્કર દ્વારા ભોગવાદી જીવનનો ર્દષ્ટિકોણ રજૂ કર્યો છે. આમ પરસ્પરવિરોધી પાત્રોના કુશળ નિરૂપણથી નાટક આસ્વાદ્ય બન્યું છે.

ચન્દ્રકાન્ત મહેતા