તિરુવનન્તપુરમ્ (ત્રિવેન્દ્રમ્) : કેરળના ચૌદ જિલ્લાઓે પૈકી એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. રાજ્યના છેક દક્ષિણ છેડે આ જિલ્લો આવેલો છે. જિલ્લાનું મૂળ નામ તિરુવનન્તપુરમ્ છે. જે નામથી હવે તે ફરી ઓળખાતું થયું છે. જૂની આખ્યાયિકા પ્રમાણે ત્રિવેન્દ્રમના સ્થળે ગીચ જંગલ હતું. આ જંગલમાંથી વિષ્ણુની મૂર્તિ મળી આવી અને તેની અહીં સ્થાપના કરવામાં આવી. ‘તિરુવનન્તપુરમ્’નો અર્થ ‘અનંતનું પવિત્ર નગર’ થાય છે.
જિલ્લાનું ક્ષેત્રફળ 2192 ચોકિમી. છે. જિલ્લાની વસ્તી 33,07,284 (2011) છે. વસ્તીની ગીચતા ચોકિમી.દીઠ 1344 છે. જિલ્લાની સાક્ષરતાનું પ્રમાણ 92 ટકા છે. ભારતનાં બધાં રાજ્યો પૈકી સાક્ષરતામાં તેનું બીજું સ્થાન છે. અહીં માતૃવંશનું પ્રાધાન્ય છે. જિલ્લાના ત્રણ તાલુકાઓ છે.
જિલ્લાની ઉત્તરે કેરલનો કોલ્લમ જિલ્લો, દક્ષિણે તમિળનાડુનો કન્યાકુમારી જિલ્લો, પૂર્વ દિશાએ તમિળનાડુનો તિરુનેલવેલી અને કટ્ટાબોમ્મન જિલ્લો અને પશ્ચિમે અરબી સમુદ્ર છે.
જિલ્લાના ત્રણ કુદરતી વિભાગો છે. પૂર્વ ભાગમાં પશ્ચિમઘાટનો ડુંગરાળ વિસ્તાર છે. વચ્ચે મધ્યનું મેદાન અને તેની પશ્ચિમે દરિયાકાંઠે આવેલું મેદાન છે. ત્રિવેન્દ્રમ દરિયાની સપાટીથી 76મી. ઊંચું છે.
આ જિલ્લાની આબોહવા ગરમ અને ભેજવાળી છે. સરેરાશ વાર્ષિક તાપમાન 27° સે. રહે છે. મે અને જાન્યુઆરી માસમાં અનુક્રમે તાપમાન 29° અને 26° સે. રહે છે. ઉનાળો અને શિયાળો તથા દિવસ અને રાત્રિના તાપમાનમાં બહુ થોડો ફરક રહે છે. વાર્ષિક વરસાદ 1800થી 2000 મિમી. પડે છે. પૂર્વ તરફ ડુંગરાળ પ્રદેશમાં વરસાદનું પ્રમાણ વાર્ષિક સરેરાશ 3000 મિમી.થી વધુ રહે છે. નૈર્ઋત્યના મોસમી પવનો મેથી ઑક્ટોબર દરમિયાન વરસાદ આપે છે. ઈશાની મોસમી પવનો ડિસેમ્બરમાં થોડો વરસાદ આપે છે.
જિલ્લામાં દરિયાકિનારે તાડ, નારિયેળી, કેળ અને સોપારીનાં વૃક્ષો છે. મોસમી પ્રકારની આબોહવાવાળાં જંગલોમાં સાગ, મૅહોગની, સીસમ, વાંસ, રબર વગેરે વૃક્ષો તથા સર્પગંધા જેવી ઔષધિઓ જોવા મળે છે. ડાંગર, શેરડી, મરી, એલચી, ચા, કાજુ, ટોપિઓકા વગેરે મુખ્ય પાક છે. અનાજની ખાધવાળા આ જિલ્લામાં 50 % જમીનમાં રોપણી દ્વારા થતા પાકોનું વાવેતર થાય છે.
તેનાં જંગલોમાં વાઘ, હાથી, વાંદરા, હરણ, મગર, ઝેરી અને બિન-ઝેરી સાપો જોવા મળે છે. અહીં કાબર, કબૂતર, પોપટ, મેના, કાગડો ઉપરાંત અનેક રંગબેરંગી પક્ષીઓ હોય છે.
જિલ્લામાં દરિયાકિનારે ઇલ્મેનાઇટ, મોનેઝાઇટ, મૅગ્નેટાઇટ રેતી, કપચી માટેના પથ્થરો, વાસણો બનાવવાની માટી, છીપો વગેરે મળે છે.
લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. દરિયાકિનારે વસતા લોકોનો વ્યવસાય મુખ્યત્વે મચ્છીમારી છે. અહીં સુતરાઉ અને રેશમી કાપડની મિલો, તેલની મિલો, લાકડાં વહેરવાની મિલો; રબર, સાબુ, કાગળ, માટીનાં વાસણો તથા સાઇકલની રીમ બનાવવાના તથા ધાતુકામના ઉદ્યોગો વિકસ્યા છે. કાથી તથા વાંસમાંથી ચટાઈ, સૂંડલા, ટોપલી તથા કાથી અને નારિયેળના કૂચામાંથી ગાલીચા તથા વિવિધ કલાત્મક વસ્તુઓ બનાવવાના ગૃહઉદ્યોગો પણ અહીં વિકસ્યા છે. શાર્ક માછલીના લીવરમાંથી તેલ કઢાય છે અને તેનો દવામાં તથા વહાણને ચોપડ કરવામાં ઉપયોગ થાય છે. ટિટેનિયમ ધાતુના શુદ્ધીકરણનું એક કારખાનું છે.
તિરુવનંતપુરમ : આઝાદી પૂર્વે ત્રિવેન્દ્રમ્ નગર ત્રાવણકોર રાજ્યની રાજધાની હતું. તે મુંબઈથી 1255 કિમી. અને કોચીન અને કન્યાકુમારીથી અનુક્રમે 220 અને 85 કિમી. દૂર છે. તે 8°-30´ ઉ. અ. અને 76°-57´ પૂ. રે. ઉપર વિષુવવૃત્ત નજીક ઉષ્ણકટિબંધમાં આવેલું છે.
તિરુવનંતપુરમ્ દક્ષિણ રેલવેનું મહત્વનું મથક છે. તે શેનકોટ્ટા દ્વારા તુતિકોરીન, કોચીન, એલેપ્પી, અર્નાકુલમ્, ચેન્નાઈ વગેરે શહેરો સાથે જોડાયેલું છે. મુંબઈથી કન્યાકુમારી જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ તથા અન્ય રાજ્ય અને જિલ્લામાર્ગો તિરુવનંતપુરમ્ને ભારતનાં અન્ય શહેરો સાથે જોડે છે. ત્રિવેન્દ્રમનું વિમાની મથક આંતરરાષ્ટ્રીય છે. મધ્યપૂર્વના દુબઈ, અબુધાબી વગેરે સાથે, તથા ભારતમાં અન્ય શહેરો સાથે તે હવાઈ માર્ગ દ્વારા જોડાયેલું છે. તિરુવનંતપુરમનું બારું વાલિયાથુર 3.2 કિમી. દૂર છે. પિયર(ધક્કો)ના છેડાથી 90.9મી. દૂર 5 ફેધમ (9.15 મી.) અને લંગર સ્થાને 10 ફેધમ (18.30મી.) પાણી રહે છે. નવો ધક્કો 213 મી. × 7.2 મી.ના માપનો છે. આરારૂટ, ટોપિઓકા, રબરની વસ્તુઓ, કાજુ, મરી-મસાલા વગેરેની ત્યાંથી નિકાસ થાય છે. જ્યારે અનાજ, કઠોળ, તમાકુ અને કાચા કાજુની આયાત થાય છે.
અહીં પદ્મનાભનું મંદિર તથા અન્ય મંદિરો, વેધશાળા, વસ્તુ-સંગ્રહાલય, રાજમહેલ વગેરે જોવાલાયક સ્થળો છે. શહેરની નજીક ‘કોવાલમ બીચ’ સહેલાણીઓને આકર્ષે છે. તે યુનિવર્સિટીનું મથક છે. અહીં ઘણી વિદ્યાશાખાઓ, કૉલેજો, ટૅકનિકલ સંસ્થાઓ, ઍક્વેરિયમ, પુસ્તકાલયો વગેરે છે. શહેરની વસ્તી 23,84,000 (2011).
શિવપ્રસાદ રાજગોર