તિરુવલ્લુવર : બે હજાર વર્ષ ઉપર થઈ ગયેલા દક્ષિણ ભારતના એક મહાન સંત. મૂળ નામ વલ્લુવર. તેમના વિશે કોઈ અંગત માહિતી ઉપલબ્ધ નથી. કિંવદન્તી મુજબ એ ભગવત નામના એક બ્રાહ્મણ તથા આદિ નામની હરિજન સ્ત્રીના પુત્ર હતા. એમના જીવન વિશે તમિળનાડુમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે. કબીરની જેમ જન્મે–વ્યવસાયે આજીવન વણકર. પત્નીનું નામ વાસુહિ. પ્રસન્ન દામ્પત્ય-જીવનનો આદર્શ નમૂનો. બંનેની રહેણીકરણી સાદી, સીધી, સરળ અને સૌજન્યથી ભરપૂર. જીવ્યાં ત્યાં સુધી સેવાધારી, અકિંચન, અપરિગ્રહી, સચ્ચાઈ, શીલ, દયા, નીડરતા, મીઠી વાણી, અક્રોધ, બીજા પ્રત્યે આદરભાવ, ભગવાન ઉપર ભરોસો અને અપ્રતિમ સંતોષ  – એ વલ્લુવર–વાસુહિના જીવનનાં પરમ લક્ષણો અને લક્ષ્યો. વાસુહિના અવસાનથી વલ્લુવર સંન્યાસી થયા. પોતાના મૃતદેહને જંગલી જાનવરોને સોંપી દેવાની ઇચ્છા. હિંદુ, જૈન, બૌદ્ધ – એમ વિવિધ ધર્મોથી પરિચિત હોવાથી એમની વિચારધારા ઘણી ઉદાર હતી.

તિરુવલ્લુવર

આ સંતનું ચિરંજીવ પ્રદાન એટલે એમની એકમાત્ર કૃતિ ‘કુરલ’ ગ્રંથ. સમગ્ર ગ્રંથ પદ્યમાં છે જેમાં કુલ 133 અધ્યાય છે. દરેક અધ્યાયમાં દસ કવિતા છે. પ્રત્યેક કવિતા માત્ર દોઢ પંક્તિની, દુહાથી પણ નાની. આમ કુલ 1,330 કવિતા અને 2,660 કાવ્યપંક્તિઓવાળો આ કાવ્યગ્રંથ છંદમાં લખાયો છે. તે છંદને તમિળ ભાષામાં ‘કુરલ’ કહે છે અને તેથી આ કાવ્યગ્રંથ પણ ‘કુરલ’ નામથી શરૂમાં જાણીતો થયા પછીથી તે ‘તિરુકુરલ’ નામથી વિખ્યાત બન્યો. એના સર્જક વલ્લુવર પણ આથી ‘તિરુવલ્લુવર’થી જાણીતા રહ્યા. તમિળમાં ‘તિરુ’નો અર્થ છે પવિત્ર સંત. આ ગ્રંથ અનેક ભારતીય તથા ફ્રેન્ચ, અંગ્રેજી, રશિયન, બ્રહ્મી, સિંહલી, સ્પૅનિશ તથા જર્મન ભાષાઓમાં અનૂદિત થયો છે એ જ  એની મહાનતા અને ચિરંજીવિતાનું દ્યોતક છે. ગ્રંથમાં કવિએ ધર્મ, અર્થ અને કામ વિશે ચર્ચા કરી છે.

એમાં ત્રણ ભાગો છે : અરત્તુપ્પાલ (ધર્મવિભાગ), પોરુટ્ટપાલ (અર્થવિભાગ) તથા કામત્તુપાલ (કામવિભાગ). ધર્મ વિભાગમાં  આરંભમાં ઈશસ્તુતિ છે. એમાં ધર્મ અને સંન્યાસધર્મનું નિરૂપણ છે. એક અધ્યાયમાં કર્મસિદ્ધાંતની ચર્ચા છે ને પરોક્ષ રીતે મોક્ષની માહિતી પણ આપી છે. અર્થવિભાગમાં રાજા, રાજ્યશાસન, સેના-સંચાલન, મંત્રીઓનું કર્તવ્ય, રાજનીતિનાં વિવિધ અંગો અને રાજા તથા પ્રજાનાં કર્તવ્યોનું વિશદ વિવેચન છે. કામવિભાગમાં પૂર્વરાગ, ગુપ્ત પ્રેમ તથા સંયોગ અને વિયોગનું – વિશદ વિવેચન છે. આ પ્રમાણે લેખક આ ગ્રંથમાં વ્યક્તિના સામાજિક, વૈયક્તિક તથા પારિવારિક જીવનના આદર્શોને વ્યક્ત કરવામાં  સફળ થયા છે. ગ્રંથ ‘સત્યવાણી’ તરીકે ઓળખાય છે. ગ્રંથની ભાષા એમના જીવન જેવી સાદી અને સરળ છે. તમિળ ભાષાના આદિયુગના જ નહિ પણ સમગ્ર તમિળ સાહિત્યના શ્રેષ્ઠ ગ્રંથોમાં તેની ગણના થાય છે. તેની પ્રશંસા એના સમકાલીન તથા ઉત્તરકાલીન કવિઓએ મુક્ત કંઠે કરી છે.

રસેશ જમીનદાર

ચન્દ્રકાન્ત મહેતા