તિરુમૂલર (છઠ્ઠી સદી) : તમિળના 63 શૈવ સંતોમાંના અગ્રગણ્ય સંત-કવિ. એ રહસ્યવાદી કવિ હતા. એમણે રચેલાં લગભગ 3000 પદોનો સંગ્રહ ‘તિરુમંદિરમ્’ નામથી જાણીતો છે. શૈવસંતોએ રચેલાં પદોના ‘તિરુમુરૈ’ નામે પ્રગટ થયેલા સંગ્રહમાં તિરુમૂલરનાં સંખ્યાબંધ પદો છે. એમનાં પદોમાં લૌકિક જીવન-વિષયક તથા આધ્યાત્મિક અનુભૂતિના વર્ણનનાં પદો છે; કેટલાંક પદોમાં દાર્શનિક સિદ્ધાંતોનું નિરૂપણ છે. એમણે એમનાં પદોમાં એક દેવની આરાધના પર ભાર મૂક્યો છે અને તે છે શિવ. એમણે શિવને પ્રેમસ્વરૂપ કહ્યા છે અને એકમેવાદ્વિતીયમ્ એવા પરમાત્મા રૂપે આરાધ્યા છે. એમનાં પદોમાં એમણે પ્રચુર માત્રામાં રૂપકો યોજીને વક્તવ્યને સર્વગ્રાહ્ય અને આસ્વાદ્ય બને તેવી રીતે રજૂ કર્યું છે. એ પોતાનાં પદો લોકો સમક્ષ ગાતા હતા. એમ કહેવાય છે કે એમનાં પદોને સાંભળીને ઘણા જૈનોએ શિવનું શરણું સ્વીકાર્યું હતું. તમિળનાડુમાં શિવભક્તિના પ્રસારણમાં એમનો ફાળો અમૂલ્ય ગણાય છે.

ચન્દ્રકાન્ત મહેતા