તાઓ-તે-ચિંગ (ઈ. પૂ. છઠ્ઠો સૈકો) : લાઓ-ત્ઝેએ રચેલો તાઓ-દર્શનનો મહત્ત્વનો ગ્રંથ. આ ગ્રંથમાં મુખ્યત્વે મહાત્મા લાઓ-ત્ઝેનાં વચનામૃતોનો તથા તેમના નૈતિક ઉપદેશનો સમાવેશ થયો હોવાનું કહેવાય છે. જોકે આ ગ્રંથને છેવટનું સ્વરૂપ તો ઈ. સ. પૂ.ની ત્રીજી સદીમાં જ આપવામાં આવ્યું હતું. તાઓ-દર્શનનું આ આધારભૂત શાસ્ત્ર ગણાય છે. ‘તાઓ’ એટલે પંથ (માર્ગ) ‘તે’ એટલે આ પંથના સહજ પ્રકાશની અભિવ્યક્તિ. પંથના તેજને દાખવતું દર્શન. તાઓનો સિદ્ધાંત અને તેનું નિરૂપણ એટલે ‘તાઓતે-ચિંગ’ આ કોઈ ચોક્કસ ધર્મનો ગ્રંથ છે એવું નથી. પ્રત્યેક ધર્મ કે સંપ્રદાયના અનુયાયીઓ એને પોતાનો ગ્રંથ કહી શકે, એટલી હદે એ બિનસાંપ્રદાયિક છે.
જુદા જુદા લેખકોએ આ ગ્રંથના શીર્ષકના ‘સદગુણનો ગ્રંથ’, ‘સદગુણનો માર્ગ દર્શાવતો ગ્રંથ’, ‘પરમાત્માની કૃપાનો ગ્રંથ’, ‘પ્રકૃતિ અને તેના ધર્મોનો સિદ્ધાંત’ – એમ વિવિધ અર્થો કરેલા છે.
ચીનમાં આ ગ્રંથનું મૂલ્ય ઘણું ઊંચું અંકાતું હતું, ચીનના સમ્રાટો આ ગ્રંથને ખૂબ માનની ર્દષ્ટિએ જોતા. આ ગ્રંથમાં પરમ તત્વ ‘તાઓ’ની ચર્ચા કેન્દ્રસ્થાને છે. આ ઉપરાંત રાજ્ય અને તેના સંચાલન વિશે પણ તેમાં વિશદ ખ્યાલો નિરૂપેલ છે. આ ગ્રંથ સાદાઈ અને સંસ્કૃતિને માણસના આંતરિક જીવનનો પાયો ગણાવે છે. યુરોપની અનેક અર્વાચીન ભાષાઓમાં આ ગ્રંથનું ભાષાન્તર કરવામાં આવ્યું છે.
એમ કહેવાય છે કે ચાઉ રાજ્યની બરબાદીની આગાહી કર્યા પછી લાઓ–ત્ઝે રાજ્યની સેવા છોડી તિબેટની સરહદ પર જવા રવાના થયા ત્યારે હાન્કાઓ ઘાટ પરના સંત્રી યિન હ્સીએ લાઓ-ત્ઝેને જવા માટે શરત મૂકી ‘તમે જ્યારે આ સંસાર છોડી જઈ રહ્યા છો, ત્યારે તમારો બોધ એક ગ્રંથ રૂપે ઉતારી આપો.’ આ માગણી માત્ર એક સંત્રીની ન હતી પણ સમગ્ર ચીનની સંસ્કૃતિની હતી. લાઓ-ત્ઝે રોકાઈ ગયા. ત્રણ દિવસના એકાન્તવાસમાં એમણે પાંચેક હજાર શબ્દો લખ્યા, જેને આજે એક્યાસી અધ્યાયોમાં વિભાજિત કરીને કેવળ ચીનની જ નહીં, જગત આખાની પ્રજા તે વાંચે છે. લાઓ–ત્ઝે ‘તાઓ’ને જાણી ગયા હતા, પામી ગયા હતા. એ ત્યારબાદ હાન્કાઓનો ઘાટ પાર કરી તિબેટમાં ગયા, એ પછી તેઓ ક્યારેય પાછા ફર્યા જ નહીં.
આ ગ્રંથનું પ્રથમ વાક્ય છે : ‘‘ ‘તાઓ’ એ શાશ્વત તાઓ નથી.’’ અહીં વિરોધાભાસી સત્યસૂચક અર્થ છે.
આ ગ્રંથનું મૂલ્ય આંકતાં પ્રસિદ્ધ વિદ્વાન લિન-યુ-તાંગ કહે છે. ‘‘દુનિયાનાં દર્શનોમાં તે સૌથી મહાન શાસ્ત્રગ્રંથ છે.’’ તેમાં જે વિચારો પડેલા છે તે ગહન છતાં સમજી શકાય એવા છે. આ ગ્રન્થ વિચાર-મૌક્તિકોનો મહાસાગર છે.
ચીમનલાલ વલ્લભરામ રાવળ