ઢંકપુરી : મહત્વનું જૈન તીર્થધામ. તે ઢંક કે ઢાંક તરીકે પણ ઓળખાય છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામથી 25.6 કિમી, નજીકના રેલવે સ્ટેશન પાનેલીથી 11.2 કિમી, ગોંડલથી 72 કિમી. અને સૈન્ધવોની રાજધાની ઘૂમલીથી પૂર્વ તરફ 40 કિમી. દૂર છે. અહીં આલેચ ડુંગરની તળેટીમાં  પ્રખ્યાત એવી ઢાંકની ગુફાઓ આવેલી છે. ચૂનાના ખડકોમાંથી તે કોતરી કાઢવામાં આવી છે. ઘૂમલીમાંથી મળી આવેલ ઈ. સ. 832ના અગ્ગુક બીજાના દાનશાસનમાં પરછત્રી પ્રદેશમાં આવેલ ઢંકપુરી અથવા ઢંકગિરિનો ઉલ્લેખ છે. સોમનાથના રહેવાસી સોમેશ્વરને ઢંક ગામ તેણે દાનમાં આપ્યું હતું.

ઢાંકની ગુફાઓમાં આદિનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની મૂર્તિઓ આવેલી છે. 2.1 × 1.2 મીટરના માપની નાની ગુફાના પ્રવેશદ્વાર સિવાયની ત્રણ બાજુએ 55 સેમી. લંબાઈ-પહોળાઈવાળા ગવાક્ષ આવેલા છે. દરેક ગવાક્ષમાં આદિનાથની પદ્માસનસ્થ પ્રતિમાઓના શિરોભાગ ત્રિછત્ર, નીચેની બાજુઓ ઉપર એકેક ચામરધારક અને ઉપરના ભાગે બે તરફ એકેક ઊડતો ગંધર્વ કોતરેલો છે. આ ગુફાથી થોડે દૂર ઉત્તરે ઉપરના ભાગે ખડક ઉપર કોતરાયેલ આદિનાથ, શાંતિનાથ, અંબિકા વગેરેની મૂર્તિઓ છે. આ ગુફાઓ એમાંની તીર્થંકરોની પ્રતિમાઓનાં શિલ્પોને આધારે ક્ષત્રપકાલીન એટલે ઈ. સ.ની ત્રીજી સદી આસપાસની ગણાય છે.

ઢાંક પાસે તળેટીમાં એક પ્રાચીન વાવ છે. તેના ટોડાઓ ઉપર બ્રહ્માની મૂર્તિ છે. ઢાંકથી 8 કિમી. દૂર ઝીઝુરીઝરની ધાર પાસે બૌદ્ધ ગુફાઓ આવેલી છે.

‘પ્રબંધચિંતામણિ’, ‘વિવિધતીર્થકલ્પ’ અને ‘પુરાતન પ્રબંધસંગ્રહ’ પ્રમાણે ઢંક કે ઢાંકમાં રાજકુમાર રણસિંહની પુત્રીએ વાસુકિ નાગથી નાગાર્જુનને જન્મ આપ્યો હતો, ‘પ્રબંધકોશ’ અને ‘પ્રભાવકચરિત’ પ્રમાણે જૈન સૂરિ પાદલિપ્તાચાર્યનો નાગાર્જુન સાથે અહીં મેળાપ થયો હતો. નાગાર્જુન તેનો શિષ્ય બન્યો હતો. આ બધાં કારણોસર ઢાંક કે ઢંકપુરી જૈનોનું મહત્વનું તીર્થધામ છે. સૌરાષ્ટ્રનાં મહત્વનાં તીર્થધામોમાં શત્રુંજય તીર્થના ભાગ રૂપે તેની ગણના થાય છે. ઢાંકમાં વાળા રજપૂતોનો વસવાટ છે. તેઓ વલભીના નાશ પછી (ઈ. સ. 788) તળાજામાં વસ્યા અને ત્યાંથી સ્થળાંતર કરી અહીં વસ્યા હોવાનું મનાય છે.

શિવપ્રસાદ રાજગોર