ઢળતી સપાટી (inclined plane) : ક્ષૈતિજ તલને સમાંતર ન હોય તેવી સપાટી. સમુદ્રજલતલને સ્પર્શરેખીય હોય તે તલને  ક્ષૈતિજ તલ કહેવાય. કોઈ પણ સપાટી ઢળતી છે કે કેમ તે અન્ય સપાટીના સંદર્ભમાં નક્કી કરાય છે. સંદર્ભ સપાટી તરીકે ક્ષૈતિક તળ લેવાય છે. પુલના બંને છેડાના રસ્તાઓ, સીડીઓ, છાપરાંઓ વગેરે ઢળતી સપાટીનાં ઉદાહરણો છે. હકીકતમાં કુદરત તેમજ માનવસર્જિત મોટાભાગની વસ્તુઓની સપાટી ઢળતી હોય છે. માત્ર કુદરતમાં સપાટ સપાટી  સમુદ્રસપાટી જ સમક્ષિતિજ છે.

સપાટીનો ઢાળ તે ક્ષૈતિજ તલ સાથે કેટલો  કોણ બનાવે છે તેના પરથી નક્કી થાય છે. જો આ કોણ 0° કે 180° કે 360°નો હોય તો સપાટીને ઢાળ નથી તેમ કહેવાય અને જો 90° કે 270°નો હોય તો તે ક્ષૈતિજને કાટખૂણે છે તેમ કહેવાય.

વ્યવહારમાં વસ્તુની સપાટીઓ એકબીજીના સંદર્ભે કેવો ખૂણો (ઢાળ)  બનાવે છે તે વિશેષ મહત્વનું હોય છે, કારણ કે ક્ષૈતિજ તલના સંદર્ભમાં વસ્તુની ગોઠવણીમાં (સ્થિતિમાં) ફેરફાર થાય તોપણ વસ્તુની સપાટીઓનો ઢાળ પરસ્પરના સંદર્ભમાં અચલ રહે છે.

ખાસ કારણસર વસ્તુની અમુક સપાટીઓને ઢાળ આપવામાં આવે છે. તેનાં ઉદાહરણો તરીકે ખીલીઓ, છીણીઓ, લોખંડની કોશ, ચપ્પાં/છરી/અસ્ત્રાની ધારો, સ્ક્રૂડ્રાઇવર, ડ્રિલ/રીમરના છેડા વગેરે અસંખ્ય વસ્તુઓ ગણાવી શકાય.

ઢાળવાળી સપાટી સપાટ અથવા વક્રાકાર હોઈ શકે. ઢળતી સપાટી રાખવાનાં અનેક કારણો હોય છે. વસ્તુઓ જોડવામાં કે તેને એકરેખીય બનાવવામાં ઢળતી સપાટી જરૂરી બને છે.

નળાકાર સપાટીને ઢાળ આપવાથી શંકુ આકાર મળે છે. શંકુ આકારવાળા દાગીના એન્જિનિયરિંગ ક્ષેત્રે ખૂબ જોવા મળે છે. મશીન ટૂલ્સની સ્પિન્ડલના છેડાનો અંદરનો ભાગ, ડ્રિલ, રીમર, મેન્ડ્રિલ, અમુક મિલિંગ કટરો, લેથનાં સેન્ટરો વગેરે શંકુ આકારનાં હોય છે. આ બધી વસ્તુનો ઢાળ (taper) વ્યાસના તફાવત અને તે તફાવત કેટલી લંબાઈમાં મળે છે તેના ગુણોત્તર જેવા કે 1:10, 1:50, 1:100 વગેરેમાં દર્શાવાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એન્જિનિયરિંગ દાગીનાઓ પર ઢાળ દર્શાવવા માટે ‘મોર્સ ટેપર’ અને ‘બ્રાઉન ઍન્ડ શાર્પ’ ટેપર પદ્ધતિઓ ખૂબ જાણીતી છે.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ