ઢાકા : બાંગ્લાદેશનું પાટનગર, સાંસ્કૃતિક કેન્દ્ર, વિભાગીય તથા જિલ્લામથક તથા દેશનું મહત્વનું ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન : 26° 41´ ઉ. અ. અને 85° 10´ પૂ. રે.. તે કૉલકાતાથી આશરે 240 કિમી. અંતરે આવેલું છે. તેના વહીવટી વિભાગમાં ઢાકા, મેઇમનસિંગ, તાનજેઇલ, જમાલપુર અને ફરીદપુર જિલ્લાઓનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશની મધ્યમાં આવેલ આ જિલ્લાનો વિસ્તાર 7459 ચોકિમી. છે. તેનાં સપાટ મેદાનો મેઘના, પદ્મા, અને બ્રહ્મપુત્ર નદીથી ઘેરાયેલાં છે. આ જિલ્લાના મેદાની વિસ્તારો ઢાલેશ્વરી, બુરહી ગંગા તથા લાખ્યા નદીની શાખાપ્રશાખાઓથી વિભક્ત છે. ઢાલેશ્વરીની શાખા બુરહી ગંગાની ઉત્તરે આવેલ આ નગરનું નામ ઢાક નામના વૃક્ષ પરથી પડ્યું છે.

ગંગાના ત્રિકોણપ્રદેશમાં વિસ્તરેલું ઢાકા નગર

તેના પશ્ચિમ ભાગમાં ઢાકેશ્વરીનું મંદિર આવેલું છે. સદરઘાટ તરીકે જાણીતા જૂના ઢાકામાં 700 કરતાં વધારે મસ્જિદો આવેલી છે. આમાં ખ્યાત-ઉલ-મુક્કરમ (પંદરમી સદી) વધુ પ્રસિદ્ધ છે. નગરમાં બ્રહ્મદેશીય અને થાઈ ધાર્મિક સ્થાનો પણ આવેલાં છે. જૂના ઢાકામાં ગીચ વસ્તીવાળી ઝૂંપડપટ્ટીઓ તથા મધ્યમવર્ગના લોકો અને શ્રીમંતોના આવાસો રામના પાર્ક વિસ્તારમાં આવેલ છે.

મધ્ય ઢાકામાં અસંખ્ય કારખાનાંમાં જામદાની (ઉત્તમ કોટિનું મસલિન), ભરતકામની  વસ્તુઓ તથા લોકોપયોગી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે.

ઢાકાની 16 કિમી. દક્ષિણે આવેલ નારાયણગંજ તે વિસ્તારનું સૌથી મોટું ઔદ્યોગિક મથક છે.

એક વિદ્યામથક તરીકે પણ આ નગર નામના ધરાવે છે. 1921માં સ્થપાયેલી ઢાકા યુનિવર્સિટી, તથા સંલગ્ન કૉલેજો, ઇજનેરી અને ટૅકનૉલૉજિકલ યુનિવર્સિટી, કૃષિ-યુનિવર્સિટી, અણુવિજ્ઞાન-તાલીમ અને સંશોધનકેન્દ્ર આવેલ છે.

દક્ષિણ એશિયાના વસાહતીઓએ ઈ. સ. 600માં ગંગા અને મેઘનાની વચ્ચે ઢાકાનો પાયો નાખ્યો; પરંતુ સત્તરમી સદીમાં મુઘલ સામ્રાજ્યના બંગાળ પ્રાંતના પાટનગર તરીકે તેની પસંદગી થતાં તેની ખ્યાતિમાં વધારો થયો. એક સમૃદ્ધ અને વિકસિત દરિયાઈ મથક હોવાથી અંગ્રેજો, ફ્રેંચો અને ડચ વ્યાપારીઓ આકર્ષાઈ અહીં આવ્યા હતા. ઘણી મુઘલકાલીન ઇમારતો તે ધરાવે છે. લાલ બાગ (1678), બંગાળના એક વખતના ગવર્નરની પત્નીની યાદમાં બનાવેલો બીબી પારીનો મકબરો, બરા કાતરા, છોટા કાતરા, શિયાઓનું ધાર્મિક સ્થાન હુસૈની દાલાન (1642) ત્યાં આવેલાં છે.

1704માં બંગાળ પ્રાંતના પાટનગર તરીકે નવાબ મુર્શીદ કુલીખાન દ્વારા મુર્શીદાબાદ(મૂળ નામ લાલબાગ)ની વરણી થતાં ઢાકાનું મહત્વ ઘટવા લાગ્યું. 1765માં તે બ્રિટિશ કબજા નીચે આવતાં ઢાકા મ્યુનિસિપાલિટીની સ્થાપના થઈ અને પૂર્વ બંગાળ અને અસમના પાટનગર તરીકે તે જાહેર થયું.

વીસમી સદીની શરૂઆતમાં ઢાકા એક વ્યાપારી અને વિદ્યાકેન્દ્ર તરીકે વિકસિત થયું. 1947થી (પૂર્વ પાકિસ્તાનના) વડામથક તરીકે ઢાકા પાકિસ્તાનનું બીજું પાટનગર હતું. 1971માં સ્વતંત્ર બાંગ્લાદેશના પાટનગર તરીકે તે વિશ્વના નકશા પર ઊપસી આવ્યું છે. ઢાકાની કુલ વસ્તી 66,92,006 (2011) છે.

નવનીત દવે