અલ્બુકર્ક, આલ્ફોન્ઝો દ (જ. 1453, લિસ્બન, પોર્ટુગલ; અ. 15 ડિસેમ્બર 1515, ગોવા, ભારત) : ભારતમાં પૉર્ટુગીઝ સત્તાનો પાયો નાખનાર ફિરંગી સરદાર. 1503માં તેણે ભારત તરફ દરિયાઈ સફર કરી. ત્યાંના પૉર્ટુગીઝ થાણાંઓના વાઇસરૉય તરીકે તેને નીમવામાં આવ્યો હતો. આફ્રિકાના પૂર્વકાંઠે સંશોધન પ્રવાસ ખેડી તેણે સોકોત્રામાં કિલ્લો બાંધ્યો, પરન્તુ હોર્મૂઝમાં કિલ્લો બાંધવાની યોજના છોડી દેવી પડી. 1509માં દીવથી દૂર દરિયામાં થયેલા યુદ્ધમાં તેને વિજય મળ્યો. પછી તેની નિમણૂક ભારતના ગવર્નર તરીકે થઈ. તેની ઇચ્છા ગોવા, મલાક્કા, એડન અને ઑર્મૂઝ ટાપુ જીતી લેવાની હતી. ફેબ્રુઆરી, 1510માં તેણે ગોવા જીત્યું; પરંતુ આદિલશાહે તે પાછું મેળવ્યું. નવેમ્બરમાં અલ્બુકર્કે તે ફરી જીતી લઈ તેને કિલ્લેબંધ કર્યું. આ પછી તેણે મલાક્કા જીત્યું. તેમાં ચીન, જાવા, ગુજરાત, બંગાળ, બ્રહ્મદેશ(મ્યાનમાર), સિલોન (શ્રીલંકા) અને જાપાન જેવા દેશ-વિદેશના વેપારીઓની વસાહતો હતી. 1512માં બીજાપુરના તાબામાંથી ફરી પાછું તેણે ગોવાને મુક્ત કર્યું. પૉર્ટુગલમાં માનવવસ્તી ઓછી હોવાથી અલ્બુકર્કે નીચલી કક્ષાના પૉર્ટુગીઝ વસાહતીઓને ભારતીય સ્ત્રીઓ સાથે લગ્ન કરવા ઉત્તેજન આપ્યું. તેણે વિજયનગર સાથે મૈત્રીભર્યા સંબંધો કેળવ્યા હતા અને બીજાપુરની શુભેચ્છા મેળવવા પ્રયત્ન કર્યો હતો. તેણે ભારતીયોમાંથી જ એક નિયમિત તાલીમબદ્ધ સૈન્ય તૈયાર કર્યું હતું. તેણે કોચીનમાં રાજાની મંજૂરીથી કિલ્લો બાંધ્યો હતો અને પોતાના પ્રદેશમાં સતી થવાના રિવાજ પર પ્રતિબંધ મૂક્યો હતો. 1515માં અલ્બુકર્કને તેની સરકારે તેના હોદ્દા ઉપરથી દૂર કર્યો. તે દરમિયાન પૉર્ટુગીઝો નૌકાશક્તિમાં ભારતના પશ્ચિમ કાંઠે સૌથી વધુ શક્તિશાળી બન્યા હતા. અલ્બુકર્કે ભારતમાંથી ફિરંગી રાજાને લખેલા બધા અસલ પત્રો અને હેવાલોનો એના મૃત્યુ પછી એના પુત્ર બાઝ-દ-અલ્બુકર્કે સંચય કર્યો હતો, જેનો અંગ્રેજી અનુવાદ ‘ધ કૉમેન્ટરિઝ ઑવ્ ધ ગ્રેટ આલ્ફોન્ઝો દ અલ્બુકર્ક’ નામે પ્રકાશિત થયેલ છે.
યતીન્દ્ર દીક્ષિત
જયકુમાર ર. શુક્લ