ડુંગળી : એકદળી વર્ગમાં આવેલા લીલીએસી કુળની વનસ્પતિ. ડુંગળીનું વૈજ્ઞાનિક નામ Alliumcepa છે. ઈરાન અને પાકિસ્તાનના પ્રદેશો ડુંગળીના ઉદભવનું મૂળ કેન્દ્ર ગણાય છે. હિંદીમાં प्याज, મરાઠીમાં कांदा, તેલુગુમાં નિરુલી, જ્યારે અંગ્રેજીમાં onion નામથી તે જાણીતી છે. ડુંગળીનો છોડ ગોળાકાર, પોલાં અને પુષ્ટ પર્ણોવાળો હોય છે. કંદ જમીનમાં કળી ઉપર રૂપાંતરિત પાનોનો સમૂહ એકબીજા ઉપર સજ્જડ રીતે જોડાવાથી બને છે.

ભારતમાં ડુંગળીનું વાવેતર 5000 વર્ષથી થતું હોવાનું જણાય છે. દુનિયાના 100 જેટલા દેશોમાં ડુંગળી ઉગાડાય છે. તે પૈકી ફક્ત ચીન, ભારત, અમેરિકા, રશિયા, જાપાન, સ્પેન, તુર્કી, બ્રાઝિલ, ઇજિપ્ત જેવા 18 દેશોમાંથી કુલ ઉત્પાદનના 75 % ઉત્પાદન મળે છે. ભારતમાં ડુંગળી 2.6 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે; જે કુલ ખેડાણ હેઠળના વિસ્તારનો 0.1 % અને શાકભાજી હેઠળના વિસ્તારનો 0.7 % હિસ્સો છે. તેમાંથી વાર્ષિક 26 લાખ ટન ઉત્પાદન મળે છે, જે દુનિયાના કુલ ઉત્પાદનના 8 % જેટલું છે. દુનિયામાં તે બીજા ક્રમે છે. ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન નામની સંસ્થાએ 15 જેટલા શાકભાજી પાકોની  નોંધ કરેલ તે પૈકી ઉત્પાદનની ર્દષ્ટિએ ડુંગળી બીજા ક્રમે છે.

ભારતમાં ડુંગળી ગુજરાત, તમિળનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસા, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ જેવાં રાજ્યોમાં ઉગાડાય છે તે પૈકી મહારાષ્ટ્રનો હિસ્સો વિસ્તારના 20 % અને ઉત્પાદનના 30 % જેટલો છે. 1981–82ના વર્ષ દરમિયાન ભારતમાંથી 1,64.000 ટન જેટલી ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી, જેની કિંમત રૂ. 29 કરોડ જેટલી હતી.

ડુંગળીના છોડને બીજથી કંદ તૈયાર થવા સુધીમાં એક ઋતુ લાગે છે, પરંતુ બીજથી ફરી બીજ તૈયાર થવા માટે બે ઋતુ એટલે કે બે વર્ષ જેટલો સમય લાગે છે, જેથી તેને દ્વિવાર્ષિક પાક કહે છે.

ડુંગળીનું પોષણમૂલ્ય : ડુંગળીના 100 ગ્રામ ખાદ્ય પદાર્થમાં 86.8 ગ્રામ પાણી, 1.2 ગ્રામ પ્રોટીન, 11.0 ગ્રામ બીજા કાર્બોદિતો, 180 મિગ્રા. કૅલ્શિયમ, 50 મિગ્રા. ફૉસ્ફરસ, 11 મિગ્રા. વિટામિન સી તથા થાયામીન, રિબૉફ્લેવીન, લોહ વગેરે રહેલાં છે.

ડુંગળીમાં લાક્ષણિક સોડમ હોય છે. ડુંગળીની તીખાશ એમાં રહેલ અલીલ પ્રોપીલ ડાયસલ્ફાઇડ નામના તત્વને આભારી છે જ્યારે કંદ ઉપરની બહારની છાલનો રંગ તેમાં રહેલ ક્રક્વીસેટીન નામના તત્વને આભારી છે.

ડુંગળીની ખેતીપદ્ધતિ : હવામાન : ડુંગળી ઠંડી ઋતુનો પાક છે. તેને  સૂકું (sp) અને ઠંડું હવામાન માફક આવે છે. છોડના વાનસ્પતિક વૃદ્ધિકાળ દરમિયાન 13°થી 21° સે. તાપમાન અને ટૂંકા પ્રકાશાવધિવાળા દિવસો જ્યારે જમીનમાં કંદના વિકાસ સમયે 15°થી 25° સે. તાપમાન અને લાંબા પ્રકાશાવધિવાળા દિવસો અને સાધારણ ગરમ હવામાન જરૂરી છે.

જમીન : ઊંડી, ભરભરી, ગોરાડું, સેન્દ્રિય તત્વથી ભરપૂર અને સારા નિતારવાળી જમીન પસંદ કરાય છે. આડી ઊભી ખેડ કરી સમાર મારી ઢેફાં ભાંગી ઝીણી કરાય છે. છેલ્લી ખેડ વખતે હેક્ટરે 20થી 25 ટન જેટલું સારું કોહવાયેલું છાણિયું અથવા ગળતિયું ખાતર જમીનમાં ભેળવવામાં આવે છે.

જાતો : છાલના રંગ પ્રમાણે ડુંગળીની જાતોના ત્રણ પ્રકાર પાડવામાં આવેલ છે : (1) લાલ છાલવાળી જાતો : પુસા રેડ, પટના રેડ, નાસિક રેડ, અરકા કલ્યાણ, અરકા પ્રગતિ, અરકા નિકેતન વગેરે, (2) સફેદ છાલવાળી જાતો : પુસા સફેદ ફ્લેટ, પુસા સફેદ ગોળ, બોમ્બે વ્હાઇટ, પંજાબ 48, ઉદયપુર 102 વગેરે. (3) પીળી છાલવાળી જાતો : અર્લી ગ્રાનો, બરમુન્ડા યલો વગેરે.

વાવેતર સમય : (1) ધરુ તૈયાર કરવાનો સમય ઑક્ટોબરનું પ્રથમ અથવા બીજું અઠવાડિયું. (2) ધરુની ફેરરોપણી કરવાનો સમય : ડિસેમ્બરનું પ્રથમ અઠવાડિયું. વાવેતર અંતર : બે હાર વચ્ચેનું અંતર 15 સેમી. બે છોડ વચ્ચેનું અંતર 10 સે.મી.

બીજનું પ્રમાણ : 8થી 10 કિગ્રા. પ્રતિ હેક્ટર.

ધરુ તૈયાર કરવું : એક હેક્ટરના વાવેતર માટે પાંચ આર જેટલા વિસ્તારમાં જમીન બરાબર તૈયાર કરી 3 x 1 x 0.15 મીટર માપના ગાદી-ક્યારા બનાવીને ક્યારા ઉપર 10 સેમી.ના અંતરે છીછરા ચાસમાં બીજ વવાય છે. શરૂઆતમાં ઝારાથી અને બીજનો ઉગાવો થયા પછી રૂઢિગત રીતે પિયત અપાય છે. ધરુ 6થી 8 અઠવાડિયાંમાં રોપવાલાયક થાય છે.

ધરુની ફેરરોપણી : ખેતરની તૈયાર કરેલ જમીનમાં પિયત સુવિધાને ધ્યાનમાં લઈને ક્યારા બનાવવામાં આવે છે. ક્યારામાં પાયાનું ખાતર આપી પિયત અપાય છે અને ધરુની ફેરરોપણી થાય છે. ફેરરોપણી વખતે છોડની ટોચનો 1/3 ભાગ કાપી નાખવામાં આવે છે.

પિયત : ફેરરોપણીના 5થી 7 દિવસ બાદ ફરીથી પિયત અપાય છે. ત્યારપછી જમીન અને હવામાનને ધ્યાનમાં રાખી પિયત અપાય છે. કંદના વિકાસસમયે પિયતની ખેંચ ન પડે તેની કાળજી રાખવામાં આવે છે. કંદની પરિપક્વતાની અવસ્થાએ પિયત લાંબા ગાળે અપાય છે અને પાછળથી બંધ કરી દેવામાં આવે છે.

આંતરખેડ : ડુંગળીનાં મૂળ છીછરાં હોય છે તથા વાવેતર અંતર ઓછું હોય છે તેથી કોઈ સાધનથી આંતરખેડ કરી શકાતી નથી. તેની કોદાળીથી એકથી બે વખત ગોડ કરાય છે તથા જરૂર મુજબ હાથથી નીંદણ કરવામાં આવે છે.

સારણી 1 : ખાતર આપવાનો સમય અને ખાતરનું પ્રમાણ

 

ખાતર આપવાનો સમય

ખાતરનું પ્રમાણ

કિગ્રા. પ્રતિહૅક્ટર

નાઇટ્રોજન ફૉસ્ફરસ પોટાશ
ફેરરોપણી વખતે 0 50 50
ફેરરોપણીના 20 દિવસ પછી 37.5 0 0
ફેરરોપણીના 45 દિવસ પછી 37.5 0 0
                          કુલ 75 50 50

રોગો : ફૂગની અસર હેઠળ ડુંગળીને થતા રોગોમાં અલ્ટરનેરિયા પાનનો ઝાળ અથવા ટપકાંનો રોગ, અંગારિયા કે કાળો સડો અને ગેરુ વગેરેનો સમાવેશ થાય છે.

ડુંગળીનો અલ્ટરનેરિયાનો પાનનો ઝાળ અથવા પાનનાં ટપકાં : આ અલ્ટરનરિયા (Alternaria palandui) નામની ફૂગથી થતો રોગ છે, જે ડુંગળી ઉગાડતા સર્વ વિસ્તારમાં વધારેઓછું દર વર્ષે નુકસાન કરે છે. તાજા પાનની ટોચ પર સફેદ નાનાં ટપકાંથી રોગની શરૂઆત થાય છે. આ ટપકાં વૃદ્ધિ પામીને એકબીજાંમાં ભળી જતાં પાન ચીમળાઈને નમી પડે છે. જે વધુ અસરગ્રસ્ત થવાથી સુકાઈ જાય છે અને ફૂગ કંદમાં પહોંચી તેને સડો કરે છે. આ રોગની ફૂગ કંદ સાથે સંગ્રહાલયો / ભંડારોમાં પહોંચી જવાથી સંગૃહીત કંદને વધુ નુકસાન કરે છે.

નિયંત્રણ : રોગની શરૂઆતમાં કાર્બનડાઝીમ કે કૉપર ઑક્સિક્લોરાઇડ દવાનો છંટકાવ કરવામાં આવે છે. બીજો છંટકાવ 10થી 15 દિવસ બાદ થાય છે.

ડુંગળીનો અંગારિયો (smut) : આ રોગ urocystis colchici syn. cepulae નામની ફૂગથી થાય છે. રોગ કાળા સડા તરીકે પણ ઓળખાય છે. ખાસ કરીને  કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ડુંગળીના પાકને તેનાથી દર વર્ષે ખૂબ નુકસાન થાય છે. આ ફૂગ નવા ઊગતા છોડનાં પર્ણ અંકુરો પર આક્રમણ કરી ફોલ્લી જેવા કાળા ડાઘા કરે છે. આવા આક્રમિત છોડ ઊગ્યા બાદ એકાદ માસમાં મૃત્યુ પામે છે. કાળી ફોલ્લી તૂટતાં તેમાંથી કાળા ભૂકા જેવા દેખાતા બીજાણુઓ બહાર નીકળે છે, જે કંદ અને બીજ મારફતે ફેલાય છે, જમીનમાં પડેલ આ બીજાણુઓ જમીનમાં બીજી ઋતુ સુધી જીવંત રહે છે.

નિયંત્રણ : બીજજન્ય ફેલાવો અટકાવવા વાવણી પહેલાં ખેતરમાં પારાયુક્ત દવાનો પટ આપી બીજની વાવણી કરવામાં આવે છે.

ડુંગળીનો ગેરુ : આ રોગ Puccinia allii નામની ફૂગથી થાય છે. ભારતમાં ફૂગના નિદાઘબીજાણુ (uredospore) અને ટેલ્યુટો બીજાણુઓ ડુંગળી પર જોવા મળે છે. જોકે આ રોગ ક્યારેક અને નહિવત્ પ્રમાણમાં થતો હોવાથી ખાસ નુકસાન થતું નથી.

નિયંત્રણ : ખાસ નુકસાનના અભાવમાં દવાની ભલામણ કરવામાં આવતી નથી. જોકે મેનેબ કે ઝીનેબના 0.7 %ના દ્રાવણને વનસ્પતિ પર છંટકાવવાથી રોગ કાબૂમાં લઈ શકાય છે.

આ ત્રણ રોગો ઉપરાંત કેટલાક રોગો ગોડાઉનમાં સંગૃહીત કંદ પર નુકસાન કરતા હોય છે. પોચો સડો ઇરવીનિયા પ્રજાતિની ફૂગ દ્વારા, સૂકો સડો Macrophomina phaseolii ફૂગ દ્વારા, કાળો ભૂખરો ટપકાંનો રોગ Collelotrichum circinans ફૂગને લીધે થાય છે. આ રોગ સંગ્રહાલયોમાં કંદને નુકસાન કરતા હોવાથી ગોડાઉનમાં ભરતાં પહેલાં રોગવાળા કંદ અલગ કરી તેનો નાશ કરવામાં આવે છે. વધારામાં ગોડાઉનને વારંવાર ધૂમ્રીકરણથી કે જંતુનાશન (disinfection) કરવાથી આવા રોગથી થતું નુકસાન ઘટાડી શકાય છે. થ્રીપ્સ આ પાકની મુખ્ય જીવાત છે અને તેના ઉપદ્રવથી પાકને 50 % જેટલું નુકસાન થતું નોંધાયેલ છે.

લણણી : (1) લીલા કાંદા : સામાન્ય રીતે પૅન્સિલ જેટલી કે સહેજ વધારે જાડાઈના કંદ થાય અને પાન કૂણાં હોય ત્યારે ઉપાડી બજારમાં મોકલાય છે. (2) પરિપક્વ કંદ : કંદ બરાબર પરિપક્વ થયા પછી જમીન પોચી હોય તો હાથથી ખેંચી લેવાય છે. અથવા કોદાળીથી ખોદી કઢાય છે અથવા હળ ચલાવી વીણી લેવાય છે.

પરિપક્વતા : જ્યારે ખેતરમાં છોડનાં પાન 15 %થી 25 % જેટલાં સુકાઈ જાય અને ઢળી પડે ત્યારે છોડ પરિપક્વ થયેલ જણાય છે.

ઉત્પાદન : જમીન અને હવામાન માફકસરનાં હોય, સારી જાતનું, સમયસર વાવેતર કરવામાં આવે અને સારી માવજત કરવામાં આવે તો ડુંગળીનું સરેરાશ ઉત્પાદન 25થી 30 ટન પ્રતિ હેક્ટર મળે છે.

ડુંગળી બે જાતની થાય છે : (1) એક જ કંદવાળી મોટા કદની લાલ કે સફેદ ડુંગળી અને (2) લાલ કે સફેદ રંગની વધુ કંદવાળી નાના કદની ડુંગળી. નાની ડુંગળીમાં વધુ સુગંધ હોય છે. સફેદ ડુંગળી ઓછી તીખી અને તંદુરસ્તી માટે સારી છે.

ડુંગળી ઉષ્ણ પ્રદેશનું જાણીતું શાક છે. ખોરાકમાં તેનું સ્થાન કચુંબર તરીકે ખૂબ જ અગત્યનું છે. તે કાચી અથવા રાંધીને ખવાય છે.

તેમાં 87 % ભેજ, 1.2 % પ્રોટીન, 11.17 કાર્બોહાઇડ્રેટ્સ, 0.1 % ચરબી, 0.4 % ખનિજો (કૅલ્શિયમ, ફૉસ્ફરસ, લોહ વગેરે), પ્રજીવક (થાયામીન, રિબૉફ્લેવીન, નાયેસીન અને વિટામિન સી) અને ઍમિનોઍસિડ, બાષ્પશીલ તેલ (0.005 %) બાષ્પશીલ તેલમાં આંસુ લાવનાર પદાર્થ થાયૉપ્રોપોનોલ સલ્ફર ઑક્સાઇડ હોય છે.

બાહ્ય ઉપચારમાં ડુંગળી દુખાવા ઉપર લગાડાય છે. તેની ગરમ પોટીસ ગૂમડાં અને પાક (boils & abscesses) ઉપર બાંધે છે. ડુંગળીના રસનાં ટીપાં આંખના સોજા અને કાનના દુખાવામાં વપરાય છે. ડુંગળી જઠરને ઉત્તેજિત  કરી ભૂખ લગાડે છે. તે મૂત્રલ છે. તે પિત્તરસનું ઉત્પાદન વધારે છે તેથી કમળી અને અપચામાં ઉપયોગી છે. તે કફઉન્મારક હોવાથી શ્વાસના રોગમાં ઉપયોગી છે. તે વાજીકર અને મલેરિયાની અવરોધક છે. વામાં, બરોળ અને ગાંઠના રોગમાં ઉપયોગી છે. ડુંગળીનો તાજો રસ અપચો, મરડો, અતિસાર, કૉલેરા તથા હિસ્ટીરિયાની તાણ આવતાં બેભાન બનેલ દર્દી માટે ઉપયોગી છે. ડુંગળી તેમજ તેનો રસ લોહીમાં  શર્કરાનું પ્રમાણ ઘટાડે છે. આ ઉપરાંત લોહીમાં કૉલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે. તથા ગંઠાઈ ગયેલા લોહીને રક્તવાહિનીમાંથી ઓગાળે છે, ડુંગળીનાં ફોતરાં કેશ રંગવામાં તથા વિટામિન ‘પી’ બનાવવામાં ઉપયોગમાં આવે છે. તે બાળકોની આંકડી કે ગરમી પર, કપાળના દુખાવા પર, કૃમિના ઉપદ્રવમાં, વીંછી અને ભમરીના દંશ પર, તમાકુ ચડી હોય, લૂખ લાગી હોય, અમ્લપિત્તથી ગળામાં બળતરા થતી હોય ત્યારે, અપસ્માર પર, વેળ, બદ અને ગાંઠ પકવવા માટે, ઢોરોના શૅબા રોગ પર, મૂત્રવ્યાધિ પર અને પિત્તવિકાર પર તેમજ વીર્યવૃદ્ધિ અને પુરુષત્વ માટે ઉપયોગી છે.

દુનિયામાં ડુંગળીની નિકાસ કરવામાં ભારતનું પ્રદાન 10 % છે, જે ભારતમાંથી થતી તાજાં ફળોની કુલ નિકાસના 86 % જેટલું છે, જેની કિંમત લગભગ 10થી 12 કરોડ રૂપિયા થાય છે અને વજન 1.0 લાખ ટન જેટલું થાય છે.

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ

રમણભાઈ પટેલ

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ