ડૂપવીટ્રી સંકીર્ણન

January, 2014

ડૂપવીટ્રી સંકીર્ણન (Dupuytren’s contracture) : હથેળી અને આંગળીઓને વાંકી અને કુરૂપ કરતો વિકાર. હથેળીમાં થઈને આંગળીઓ અને વેઢાનું હલનચલન કરાવતા સ્નાયુઓના સ્નાયુબંધો (tendons) પસાર થાય છે. તેમને યથાસ્થાને રાખવા માટે તંતુઓનું એક પડ બનેલું હોય છે. તેને હસ્તતલીય તંતુપટલ (palmar aponeurosis) કહે છે. તે જ્યારે સંકોચાઈને સંકીર્ણ બને છે ત્યારે હથેળીમાં ગંડિકાઓ (noduler), રજ્જુઓ (cords) અને તંતુપટ્ટા (bands) બને છે અને આંગળીઓના સાંધાઓની કુરચના થાય છે. તેને ડૂપવીટ્રી સંકીર્ણન કહે છે. તેને કારણે હથેળીનાં હાડકાં અને આંગળીઓના પહેલા વેઢાનાં હાડકાંની વચ્ચે આવેલા સાંધાઓ સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે. તેવી જ રીતે આંગળીઓના વેઢાઓ વચ્ચેના પ્રથમ સાંધાઓ પણ અસરગ્રસ્ત બને છે. સામાન્ય રીતે આંગળીઓની ટોચની પાસેના સાંધાઓ તથા અંગૂઠાના સાંધામાં કોઈ વિકાર કે વિકૃતિ ઉદભવતી નથી.

કારણવિદ્યા : તેનું સ્પષ્ટ કારણ જાણમાં નથી. હસ્તતલીય તંતુપટલમાં આવેલા સ્નાયુતંતુ-બીજકોષ(myofibroblast)ના વિકારને કારણે તેમાં ત્રીજા પ્રકારના શ્વેતતંતુ(collagen)નું પ્રમાણ વધે છે અને તેથી હસ્તતલીય તંતુપડ જાડું થાય છે. તેને કારણે તેમાં હેક્સોસેમાઇન તથા હાઇડ્રૉક્સિલાયસિનનું સ્તર પણ વધે છે. તેનાં પર જનીનીય પરિબળોની કોઈ ચોક્કસ પ્રકારની અસર જોવા મળી નથી. ઉત્તર યુરોપમાં તે વારસાગત રૂપે પેઢી-દર-પેઢી ઊતરી આવતો વિકાર ગણાય છે. ચીનાઓ અને આફ્રિકાની અશ્વેત પ્રજામાં તે ક્યારેક જ જોવા મળે છે. ભારતમાં પણ તે જવલ્લે જ જોવા મળે છે. તે અપસ્માર (epilepsy) નામના આંચકી(ખેંચ કે તાણ)ના રોગ સાથે તથા મદ્યપાન, મધુપ્રમેહ અને ક્ષય સાથે ક્યારેક જોવામાં આવે છે. વારંવાર થતી નાની નાની ઈજાને કારણે કદાચ તે શરૂ થાય છે. તેથી ધ્રુજારી ઉદભવતી હોય તેવાં સાધનો વાપરતા કામદારોમાં તે વહેલી ઉંમરે થતો જોવા મળે છે. પરંતુ ભારે મહેનત કરતા મજૂરોમાં તે ક્યારેક જ થાય છે. તે સૌથી વધુ અનામિકા અથવા વીંટી પહેરવાની આંગળીમાં જોવા મળે છે; તેથી ઓછા પ્રમાણમાં નાની આંગળી અથવા કનિષ્ઠિકામાં, વચલી આંગળી અથવા મધ્યમિકામાં અને સૌથી ઓછું પહેલી આંગળી અથવા તર્જનીમાં જોવા મળે છે. ક્યારેક પાદતલ તથા શિશ્ર્નમાં પણ આવો વિકાર થાય છે. ક્યારેક આંગળીઓના સાંધાની પાછળની સપાટી (પૃષ્ઠ સપાટી dorsal surfarce) પર પણ તે જોવા મળે છે.

ડૂપવીટ્રી ગુણસ્થિતિ (diathesis) : ક્યારેક આ વિકાર થાય તેવી સંભાવના વધારતી શરીરના બંધારણમાંની  સ્થિતિને ડૂપવીટ્રી ગુણસ્થિતિ કહે છે. આવી વ્યક્તિમાં જ્યારે આ વિકાર ઉદભવે ત્યારે તે ઝડપથી વધે છે અને શસ્ત્રક્રિયા પછી ફરીથી થઈ આવે છે. યુવાન વય, કુટુંબમાં આવો જ વિકાર કોઈ વ્યક્તિને હોય કે દારૂનું વ્યસન હોય તો આ પ્રકારની ગુણસ્થિતિ વધુ જોવા મળે છે.

ડૂપવીટ્રીની કુરચના
(અ) હથેળીની રચના, (આ) ડ્યુપેટ્રાનની કુરચના (1) અંગૂઠો, (2) પ્રથમ બે આંગળીઓ, (3) કુરચનાગ્રસ્ત થતી આંગળીઓ, (4) હથેળી, (5) આંગળીઓને હલાવતા હથેળીના વિવિધ સ્નાયુઓ, (6) હસ્તતલનું તંતુપડ (palmar aponeurosis), (7) સપાટી સમીપ આડો રજ્જુબંધ (superficial transverse ligament), (8) હથેળીની ચેતાઓ, (9) આંગળીઓમાંના સ્નાયુબંધ (tendons) અને તેમનાં આવરણો, (10) કુરચનાગ્રસ્ત રજ્જુબંધ અને ગંડિકાઓ.

લક્ષણો અને ચિહનો : સામાન્ય રીતે 40 વર્ષના પુરુષોની હથેળીમાં દબાવવાથી દુખે નહિ એવી ગંડિકા થાય છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં તેનું પ્રમાણ લગભગ દસમા ભાગનું હોય છે. હથેળીમાં આવેલા તંતુપડમાં સૌપ્રથમ ગંડિકા ઉદભવે છે જે ચોંટી જાય છે અને તંતુપડને સંકોચે છે. તેને કારણે ચામડી તથા આંગળીને ખેંચીને વિકૃતિ કરે છે. ત્યારબાદ નસો તથા ચેતાઓ પણ અસરગ્રસ્ત થાય છે તેથી અનામિકા ખેંચાઈને હથેળી તરફ વળે છે. આવી આંગળીને વાળી શકાય છે, પરંતુ સીધી કરી શકાતી નથી. તેની સાથે હથેળી પણ વળે છે અને તેથી  હથેળીમાં ખાડો પડે છે અને તેથી ચામડી અંદર તરફ ખેંચાય છે. ત્યાંનું ચરબીનું પડ પણ પાતળું બને છે.

સારવાર : હથેળીમાં ગંડિકા થાય કે તરત તેની સારવાર કરવી જરૂરી છે. તે સમયે હથેળી-આંગળીઓને ખેંચીને સીધી રાખવાની કસરત કરવાનું સૂચવાય છે. જો હથેળીમાં તંતુપડનું સંકોચન થઈ ગયું હોય અને આંગળી તથા હથેળીમાં વિકૃતિ થઈ હોય તો પછી તેની શસ્ત્રક્રિયા વડે સારવાર કરાય છે. વધુ પડતી વિકૃતિ થઈ હોય તો ક્યારેક ત્વચા-નિરોપ(skin-grafting)ની સારવાર અપાય છે.

શિલીન નં. શુક્લ

જ્યોતીન્દ્ર પંડિત