ડુંગરપુર : રાજસ્થાનનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે દક્ષિણ અરવલ્લી પર્વતશ્રેણીમાં આવેલો છે. વગડાનો  પ્રદેશ હોવાથી તે વાગડ પ્રદેશ તરીકે ઓળખાય છે અને તેમાં ડુંગરપુર ઉપરાંત વાંસવાડા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવે છે. શિલાલેખોમાં તેનો ઉલ્લેખ ‘વાગ્વર’ તરીકે કરવામાં આવ્યો છે. ભૌગોલિક સ્થાન : 23o 50’ ઉ. અ. અને 73o 43’ પૂ. રે.. જિલ્લાની પૂર્વમાં રાજ્યનો વાંસવાડા જિલ્લો, ઉત્તરમાં ઉદેપુર જિલ્લો તથા દક્ષિણ અને પશ્ચિમમાં ગુજરાત રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા આવેલા છે. તે સમુદ્ર સપાટીથી 300થી 400 મી. ઊંચાઈ ધરાવે છે. તેનો મોટાભાગનો પ્રદેશ ડુંગરાળ છે, જોકે ડુંગરાઓ વચ્ચે સપાટ મેદાનો પણ આવેલાં છે. ભૂસ્તરવિજ્ઞાનની ર્દષ્ટિએ આ વિસ્તાર પ્રીકેમ્બ્રિયન યુગનો ખડક પ્રદેશ છે. તેમાં આર્કિયન ગ્રૅનાઇટ વધારે પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. તે ઉપરાંત સિલિકા, ક્વાર્ટઝાઇટ, સ્લેટ તથા ચૂનાના પથ્થરો પણ પ્રાપ્ત થાય છે. ડુંગરાઓની સરેરાશ ઊંચાઈ 490 મી. જેટલી છે. જિલ્લાનો કુલ વિસ્તાર 3,770 ચોકિમી. તથા કુલ વસ્તી 13,88,906 (2011) છે જેમાં લગભગ 70 % લોકો અનુસૂચિત જનજાતિના છે. વસ્તીનો ગીચતા દર ચોકિમી. 232 છે.

તે પ્રદેશમાં બે મુખ્ય નદીઓ છે : મહીસાગર (મહી) તથા સોમ. મહીસાગર નદી ડુંગરપુર અને વાંસવાડા જિલ્લાઓની સરહદ બનાવે છે. તેનો પટ 100થી 130 મી. પહોળો છે : ગાલિયાકોટથી આગળ તે ગુજરાતમાં પ્રવેશે છે. સોમ નદી મેવાડથી ડુંગરપુર જિલ્લામાં ઉત્તર-પૂર્વ તરફથી પ્રવેશે છે તથા આગળ જતાં તે મહીસાગર નદીને મળે છે. ઉપરાંત, જાખમ અને મોરન અન્ય નદીઓ છે.

ઉનાળામાં જિલ્લાનું તાપમાન સરેરાશ 44° સે. હોય છે. તે 45° સે. સુધી જાય છે. શિયાળામાં તાપમાન 20° સે. સુધી નીચે આવે છે. જિલ્લાનો સરેરાશ વાર્ષિક વરસાદ 750 મિમી. થી 1000 મિમી. હોય છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 60 %થી 79 % રહે છે.

એક જમાનામાં આ વિસ્તાર વનપ્રદેશ હતો; પરંતુ હવે મોટા ભાગનાં જંગલો નષ્ટ થઈ ગયાં છે. જે થોડાંક જંગલો બાકી છે તેમાં સાગ, મહુડા, માલબેરી, ખજૂર, ગુલર, સાલર, તેંદુ, બેહેડો અને ટીમરુનાં વૃક્ષો છે. ઉપરાંત, જંગલોમાંથી કાથો, ગુંદર અને મધ પ્રાપ્ત થાય છે. બીડી બનાવવાનાં પાન પણ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે.

જિલ્લાની કુલ જમીનમાંથી 1,24,187 હેક્ટર જમીનમાં વાવેતર થાય છે. શિયાળુ પાકમાં ઘઉં, જવ, ચણા, ધાણા, જીરું અને કપાસ પેદા થાય છે જ્યારે ઉનાળુ પાકમાં મકાઈ, ડાંગર, મગફળી, શેરડી અને તેલીબિયાંના પાક લેવાય છે. કૂવાઓ તથા તળાવમાંથી સિંચાઈનું પાણી મેળવવામાં આવે છે. મહીસાગર, પર બંધાયેલ બંધમાંથી ડુંગરપુર સુધી પાણી પહોંચાડવા માટે સાઇફન પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે.

જિલ્લામાં ડુંગરપુર ખાતે એક સિન્ટૅક્સ મિલ સિવાય કોઈ મોટા ઉદ્યોગો નથી. ગૃહઉદ્યોગો દ્વારા માટીનાં વાસણો, લાકડાંની વસ્તુઓ, ચટાઈ, પગરખાં વગેરે બનાવવામાં આવે છે. ગૉળ બનાવનાર એકમોની સંખ્યા નોંધપાત્ર છે.

આ જિલ્લો ખનિજોની બાબતમાં પછાત ગણાય છે. છતાં ફ્લોરાઇટ, ચૂનો તથા ઇમારતી પથ્થરની ખાણો છે. અમુક પ્રમાણમાં ચિરોડી, અબરખ અને મૅંગેનીઝ મળી આવે છે.

હિમ્મતનગરથી ઉદેપુર સુધીની રેલલાઇન આ જિલ્લાના પશ્ચિમ છેડેથી રતનપુરમાં પ્રવેશ કરી ડુંગરપુરમાંથી પસાર થાય છે. વાંસવાડા-અમદાવાદ, ડુંગરપુર-ઉદેપુર અને સાગવાડા-આસપુર-ઉદેપુર મુખ્ય સડક માર્ગો છે.

ડુંગરપુરથી 24 કિમી. અંતરે બારમી સદીનું દેવસોમનાથનું મંદિર સંપૂર્ણ આરસપહાણનું બનેલું છે. તેનું ગર્ભગૃહ આઠ વિશાળ થાંભલા પર બાંધેલું છે. મંદિરમાં મૂકેલાં તોરણો પ્રાચીન  કારીગરીના સુંદર નમૂના છે. જિલ્લામાં દાઉદી વોરા સમાજનું તીર્થસ્થાન ગાલિયાકોટ ખાતે આવેલું છે જ્યાં દેશવિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અહીંનું શીતળામાતાનું મંદિર પણ જાણીતું છે. તે સિવાય 1000 વર્ષ જૂનું જૈન મંદિર, વિમલનાથનું મંદિર, કેસરિયાજીનું મંદિર અને સૂર્યમંદિર જોવાલાયક સ્થળોમાં ગણાય છે. મહી અને સોમ નદીઓના સંગમસ્થાને નદીઓનાં પાણીની વચ્ચેની પહાડી પર બેણેશ્વર મહાદેવનું મંદિર છે જ્યાં વાગડ પ્રદેશનો સૌથી મોટો મેળો ભરાય છે.

ઇતિહાસ : દસમી સદીમાં આ પ્રદેશ પરમારોના અધિકારક્ષેત્રમાં હતો. તે ગુજરાતના વલ્લભી રાજ્યનો ભાગ પણ બનેલો. ત્યારપછી ચિતોડના રાણા સામંતસિંહે આ પ્રદેશ જીતી લઈ ત્યાં નવા રાજ્યની સ્થાપના કરી. તેના જમાનાના બે શિલાલેખો મળી આવ્યા છે. એક ઈ. સ. 1172નો ડુંગરપુરની સીમાની પાસે જગત ગામમાં માતાજીના મંદિરમાં છે, જ્યારે બીજો ઈ. સ. 1179નો ડુંગરપુર જિલ્લાના સોલજ ગામથી આશરે 9 કિમી. દૂર આવેલ બોરેશ્વર મહાદેવના મંદિરમાં છે. એક એવો પણ શિલાલેખ મળ્યો છે જે મુજબ વાગડ પ્રદેશમાં ડુંગરિયા ભીલની સત્તા હતી જેને બે પત્નીઓ હતી. પોતાની એક દીકરીનો વિવાહ તે એક વ્યાપારી સાથે કરવા માગતો હતો. તેમાંથી બચવા માટે વ્યાપારી રાવળ વીરસિંહને શરણે ગયો. વીરસિંહ  સાથેની લડાઈમાં ડુંગરિયો માર્યો ગયો. વીરસિંહે તેની બંને પત્નીઓને વચન આપ્યું કે તે ડુંગરિયાની સ્મૃતિમાં નવું ગામ વસાવશે જેનું નામ ડુંગરપુર રાખવામાં આવશે. તે મુજબ 1358માં ડુંગરપુર વસાવવામાં આવ્યું. 13મો સૈકો ગુજરાતના ચાલુક્યવંશના રાજાઓએ આ પ્રદેશ પર પોતાનો અધિકાર જમાવ્યો હતો. 1498માં વાગડ પ્રદેશના બે ભાગ કરવામાં આવ્યા અને તેમાંથી બે અલગ અલગ રજવાડાં થયાં : એક ડુંગરપુર અને બીજું વાંસવાડા. 1948માં ડુંગરપુર રિયાસત રાજસ્થાનમાં વિલીન થઈ અને તેનો જિલ્લો બનાવવામાં આવ્યો.

શંકરલાલ ત્રિવેદી