ડાઉસન, જૉન (જ. 1820, અક્સબ્રિજ, ઇંગ્લૅન્ડ; અ. 23 ઑગસ્ટ 1881) : પ્રાચ્યવિદ્યાવિશારદ અને ઇતિહાસકાર. તેમના કાકા એડવિન નૉરિસ પાસેથી પૂર્વના દેશોની ભાષાઓ શીખ્યા. તેમણે થોડાં વરસ કાકાને રૉયલ એશિયાટિક સોસાયટીમાં મદદ કરી. ત્યારબાદ ડાઉસન હેઇલિબરીમાં ટ્યૂટર તરીકે રહ્યા અને છેલ્લે 1855માં યુનિવર્સિટી કૉલેજ, લંડન તથા સ્ટાફ કૉલેજ, સૅન્ડહર્સ્ટમાં હિંદુસ્તાની ભાષાના પ્રોફેસર તરીકે 1877 સુધી રહ્યા. તેમણે ઉર્દૂ (અથવા હિંદુસ્તાની) ભાષાનું ખૂબ જાણીતું અને ઉપયોગી વ્યાકરણ 1862માં પ્રગટ કર્યું. તેમણે ‘બ્રધરહૂડ ઑવ્ પ્યૉરિટી’ નામની પુસ્તિકાનો ‘ઇખવાનુ સફા’ નામે અનુવાદ કર્યો. તે હિંદુસ્તાની ભાષાનું ભારતમાં અતિ લોકપ્રિય પુસ્તક બન્યું.
તેમણે સર એચ. એમ. એલિયટનાં પેપરોમાંથી ‘હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા એઝ ટોલ્ડ બાય ઇટ્સ ઑન હિસ્ટોરિયન્સ’ના ગ્રંથોનું સંપાદન કર્યું. તેમના જીવનનું તે મુખ્ય કાર્ય હતું. 1867–77 દરમિયાન પ્રગટ થયેલા આ આઠ મહત્વના ગ્રંથોએ મુસ્લિમ યુગ દરમિયાનના ભારતના વિગતવાર ઇતિહાસનો પાયો નાખ્યો હતો. ભવિષ્યનાં અનેક લખાણો માટે આ ગ્રંથો માહિતી પૂરી પાડે છે. 1879માં પ્રગટ કરેલ તેમનું ‘ક્લાસિકલ ડિક્સનેરી ઑવ્ હિંદુ માયથૉલૉજી ઍન્ડ રિલિજિયન, હિસ્ટરી ઍન્ડ લિટરેચર’ ઘણું ઉપયોગી કાર્ય છે. ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ તથા ‘જર્નલ ઑવ્ ધ રૉયલ એશિયાટિક સોસાયટી’માં તેમનાં લખાણો પરિશ્રમપૂર્વક તૈયાર કરાયેલાં તથા સ્વયંસંપૂર્ણ હતાં. ભારતીય અભિલેખો વિશેના તેમના સંશોધનલેખો પણ નોંધપાત્ર હતા. આમ છતાં ‘ભારતીય મૂળાક્ષરોની શોધ’ના તેમના સિદ્ધાંતને ટેકો મળ્યો નહિ.
જયકુમાર ર. શુક્લ