ડાઉસન, અર્નેસ્ટ (જ. 2 ઑગસ્ટ 1867, લી, લંડન; અ. 23 ફેબ્રુઆરી 1900, ફ્રાન્સ) : ‘ડિકેડન્સ’ યુગના એક આંગ્લ કવિ. તેમણે ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યો હતો, પણ ડિગ્રી મેળવ્યા વિના જ અભ્યાસ છોડીને ‘રાઇમર્સ ક્લબ’ નામના કવિજૂથમાં જોડાયા હતા. આર્થર સિમન્સ તથા યીટ્સ તેમના મિત્રો હતા. શરૂઆતમાં તે ‘ધ યલો બુક’ અને ‘ધ સૅવોય’માં કાવ્યો લખતા.

1891માં તેમને 12 વર્ષની મુગ્ધ કિશોરી ઍડિલેડ ફ્રૉલ્ટિનોવિઝનો ભેટો થયો અને અન્યથા દુન્યવી વ્યવહારથી સંતાપ અનુભવતી તેમની કાવ્યસૃષ્ટિ પૂરતું આ પાત્ર પ્રણય તેમજ નિર્દોષતાનું પ્રતીક બની રહ્યું. 1891–92માં તે રોમન કૅથલિક બન્યા અને 1895માં તેમનાં માતાપિતા બંનેએ થોડા થોડા મહિનાના આંતરે આત્મહત્યા કર્યા પછી તેમણે કોઈ પણ જાતના ઉદ્દેશ વગર ફ્રાન્સ, ઇટાલી અને યુરોપના બીજા દેશોમાં રઝળપાટ કરવા માંડી.

જીવનના ત્રીજા દશકના મધ્યમાં જ તેમની કવિપ્રતિભા ખીલતાં પહેલાં વિલાઈ ગઈ. તે યુગના જીવનાનુભવનો નિચોડ તેમણેં લખેલાં કાવ્યોમાં મળે છે. તે ક્લાસિકલ કૃતિઓ અને લૅટિન–ગ્રીકના અભ્યાસી હતા. તેમનું જીવન લંડનના સો હો ઓકના અને ઇટાલિયન મદિરાલયોમાં વીત્યું. આ ભટકતા આત્માને ક્યાંય કશામાં જાણે જીવનનો કોઈ સંદર્ભ જડતો નહોતો. આ યુગનો ઘેરો વિષાદ તેમના અતિપ્રસિદ્ધ લૅટિન શીર્ષકવાળા કાવ્ય ‘નોન સુમ ક્વોલિસ એરમ્ બોનાય સબ રેગ્નો સિનારાય’માં વ્યક્ત થયો છે. તેમાં એવો ભાવ વ્યક્ત થયો છે કે સિનારા સહેલાઈથી મેળવી શકાય તેમ નથી; ખરેખર તો તે અલભ્ય સ્વર્ગીય આનંદનું પ્રતીક છે. માનવીનું તે એક એવું  સ્વપ્ન છે જે તેને યુગયુગે તલસાવે છે. તે ન મળતાં વૃથા ફાંફાં મારતી મનોદશા પાપ અને વિષાદમાં સરી પડે છે. આ કવિનાં કાવ્યો છે તો થોડાંક જ, પણ તેમાંની ઉદાત્તતા તેમને ઊંચું સ્થાન અપાવે છે. મદિરાલય, વારાંગનાના લાલીરંજિત ઓષ્ઠ, જૂની મદિરા, સંગીત – આ બધાંની વચ્ચે પણ ઉપભોગ કરવાની ઘડીએ સિનારાનો શ્ર્વેત પવિત્ર ઓળો પડે છે અને કવિ ગાય છે : ‘અરે સિનારા નથી મેં ત્યજી તને, મારી રીતે હું હજીયે ચાહું તને !’

જીવનનાં છેલ્લાં વર્ષો તેમણે ફ્રાન્સમાં ગાળ્યાં અને ત્યાં દારૂની લતના કારણે તેમનું અવસાન થયું.

રજનીકાન્ત પંચોલી