ટ્રસ્ટીશિપ : ટ્રસ્ટીશિપ એટલે વાલીપણું. ટ્રસ્ટ એટલે વિશ્વાસ. મનુષ્ય મનુષ્ય વચ્ચેના સામાજિક, ધાર્મિક, રાજકીય, આર્થિક વગેરે સર્વસામાન્ય વ્યવહારો વિશ્વાસના પાયા પર ગોઠવાય છે. વિનોબાજીના કથન અનુસાર જીવનમાં જે સ્થાન શ્વાસનું છે તે સ્થાન સમાજમાં વિશ્વાસનું છે. એટલે વિનોબાજીએ ટ્રસ્ટીશિપને ‘વિશ્વસ્ત વૃત્તિ’ નામ આપ્યું અને એને શિક્ષણથી પરિપુષ્ટ કરવાની વાત કરી.
ગાંધીજીએ આ શબ્દ કાયદાના ક્ષેત્રમાંથી લીધો. દક્ષિણ આફ્રિકામાં હિંદી કોમની સેવા અર્થે અપરિગ્રહી જીવન તરફ વળ્યા તે અગાઉ કોમની સેવાના બદલામાં ત્યાંના હિંદીઓએ આપેલી બધી ભેટસોગાદોનું એમણે ટ્રસ્ટ કરી દીધું હતું. હવે અપરિગ્રહ, સમભાવ અને સર્વવ્યાપી પ્રેમભાવ કેળવવામાં એમને ગીતાનો અભ્યાસ ખૂબ ઉપયોગી થઈ પડ્યો. ગાંધીજીએ રજૂ કરેલા ‘ટ્રસ્ટીશિપ’ના સિદ્ધાંતને કાયદાશાસ્ત્રનું અને ધર્મશાસ્ત્રનું અનુમોદન હતું.
મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઘર કરી ગયેલી અસમાનતાના નિરાકરણ માટે સામ્યવાદે સંઘર્ષ અને હિંસાનો માર્ગ અપનાવ્યો. સમાજવાદે કરવેરા, જાહેર ખર્ચ અને અન્ય કાનૂની માર્ગો દ્વારા સામાજિક નિયંત્રણનો માર્ગ અપનાવ્યો. ગાંધીજીએ વ્યક્તિની સ્વતંત્રતા ટકાવવા વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત રજૂ કર્યો અને આર્થિક વિષમતાના અહિંસક ઉકેલની મથામણમાંથી એમને ‘ટ્રસ્ટીશિપ’નો સિદ્ધાંત સૂઝ્યો. એ સિદ્ધાંત અનુસાર માણસ સુખેથી પોતાનો નિર્વાહ કરી શકે તે માટે જરૂરી હોય તે સિવાયની તેને પોતાને અધીન રહેનારી જે કંઈ આર્થિક સંપત્તિ હોય તે સૌનો તેણે ટ્રસ્ટી બનીને સમાજના હિતમાં ઉપયોગ કરવો જોઈએ.
જમીનદારો અને રાજાઓ જે સંપત્તિનો કબજો ભોગવે છે તેને વિશે સમાજવાદી સિદ્ધાંત દેશની આગળ મૂકવામાં આવ્યો ત્યારે ગાંધીજીએ આ ટ્રસ્ટીપણાના સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું. તેમના કથન મુજબ સમાજવાદીઓને તો આ ખાસ હકો કે સુખસગવડો ભોગવનાર વર્ગો નાબૂદ કરવા છે. ગાંધીજીએ આ વર્ગ પાસે એવી અપેક્ષા રાખી કે તેઓ તેમના લોભ અને માલિકીની ભાવના છોડે અને પોતે ધનિક હોવા છતાં શ્રમજીવી વર્ગોની હારમાં આવીને બેસે. મજૂરે એમ સમજવું રહ્યું કે મજૂર તેની પોતાની સંપત્તિનો એટલે કે શ્રમ કરવાની શક્તિનો જેટલો માલિક છે એના કરતાં ધનિક માણસ એના ધનનો ઓછો માલિક છે. ગાંધીજીના મત મુજબ કાયદાની મર્યાદા એ છે કે એ બૂરાઈને અટકાવી શકે ખરો, પણ સદવૃત્તિની પ્રેરણા ન આપી શકે. વધારાની ધનદોલત એકદમ વધતી જતી કરપદ્ધતિ દ્વારા આંચકી લેવાથી ધનિકોની આવડત, તેમની શક્તિ અને શુભેચ્છાઓથી સમાજ વંચિત રહે, જ્યારે ટ્રસ્ટીપણું ધનિકને પોતાની શક્તિ ખીલવવાની અને સમાજની સેવા માટે તેનો ઉપયોગ કરવાની નૈતિક સ્વતંત્રતા આપે છે. એટલે ગાંધીજી કાયદા દ્વારા બદલો આપીને કે આપ્યા વગર ઓછામાં ઓછી હિંસા દ્વારા સંપત્તિ જપ્ત કરવાની હિમાયત તો કરે છે; પણ તે સાથે એઓ એમ પણ કહે છે કે કાયદો થતાં પહેલાં એ અંગે લોકોને ટ્રસ્ટીશિપના ગર્ભિતાર્થો સમજાવી એ અંગેનું વાતાવરણ તૈયાર કરવાથી કાનૂની માર્ગ વધુ સરળ બનશે. હૃદયપલટા વિના કરવામાં આવેલો કાયદો બહુ અસરકારક બનતો નથી. આમ છતાં, ટ્રસ્ટીપણાનો સિદ્ધાંત એમને એટલા માટે શ્રેષ્ઠ લાગે છે કે માણસે ટ્રસ્ટીપણું અપનાવ્યું હોય એનાં ર્દષ્ટાંતો મોજૂદ છે, પણ ખરેખર ગરીબોને ખાતર જીવનાર રાજ્યનો એક પણ દાખલો મોજૂદ નથી. વ્યક્તિને આત્મા છે પણ રાજ્ય એક આત્મહીન યંત્ર છે. એટલે એની પાસે હિંસા છોડાવી શકાય નહિ. તેથી ગાંધીજીએ ટ્રસ્ટીપણાના સિદ્ધાંતની હિમાયત કરી છે.
ગાંધીજીએ ધનિકોને ચેતવ્યા છે કે જો ટ્રસ્ટીશિપના સિદ્ધાંતનો વ્યવહારમાં અમલ ન થાય તો હિંસક તેમજ ખૂનખાર ક્રાંતિ અહીં સફળ થયા વિના રહેવાની નથી.
જાણીતા અર્થશાસ્ત્રી પ્રો. એમ. એલ. દાંતવાલાએ ‘ટ્રસ્ટીશિપ’ની વ્યવહારુ યોજનાનો એક ખરડો તૈયાર કરી ગાંધીજીને મોકલ્યો ત્યારે તેમાં થોડા ફેરફારો કરી તેમણે છેવટનો ખરડો આ પ્રમાણે રજૂ કર્યો : (1) ટ્રસ્ટીપણું આજની મૂડીવાદી વ્યવસ્થાને સમાનતાની અવસ્થામાં પલટી નાખવા માટેનું સાધન પૂરું પાડે છે. મૂડીવાદને જરાયે મોકો આપ્યા વિના આજના મિલકતવાળા વર્ગોને પોતાની જાતને સુધારવાની તક ટ્રસ્ટીશિપની ભાવનાથી પ્રાપ્ત થાય છે. માનવ-સ્વભાવનો સદા ઉત્કર્ષ થઈ શકે, એ શ્રદ્ધા ઉપર એનું મંડાણ છે. (2) સમાજ પોતાના કલ્યાણને અર્થે માન્ય રાખે તેવી વિશેષ મિલકતની ખાનગી માલિકીનો હક તેને સ્વીકાર્ય નથી. (3) સંપત્તિની માલિકીના નિયમન તથા તેના ઉપયોગને અર્થે કાયદાઓ કરવાનો અવકાશ તેમાં છે. (4) આ રીતે રાજ્યનિયંત્રિત ટ્રસ્ટીપણાની વ્યવસ્થામાં વ્યક્તિને સ્વાર્થી ઉપયોગને અર્થે અથવા સમાજહિતની અવગણના કરીને સંપત્તિ ધરાવવાની કે વાપરવાની છૂટ નહિ હોય. (5) માણસના યોગ્ય જીવનનિર્વાહ માટે લઘુતમ વેતન નક્કી કરવાની દરખાસ્ત કરવામાં આવે છે તે જ રીતે સમાજમાં કોઈ પણ વ્યક્તિને વધુમાં વધુ કેટલી આવક કરવા દેવી તેની મર્યાદા નક્કી કરવી જોઈએ. આવી લઘુતમ અને ગુરુતમ આવક વચ્ચેનો તફાવત વાજબી, ન્યાયી અને વખતોવખત બદલાતો રહે એવો હોય. એ તફાવત એવી રીતે બદલાતો રહે કે જેથી છેવટે તે મટી જવા પામે. (6) ગાંધીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદનનું સ્વરૂપ વ્યક્તિના લોભ કે તેની મરજી મુજબ નહિ, પણ સમાજની જરૂરિયાત પ્રમાણે નક્કી થશે.
ઉત્પાદનનું મુખ્ય સાધન જમીન છે. એ જમીનનો પ્રશ્ન પણ ગાંધીજી ટ્રસ્ટીપણાના સિદ્ધાંત દ્વારા જ ઉકેલવા ઇચ્છતા હતા. ‘સબ ભૂમિ ગોપાલ કી’ એ સૂત્ર અનુસાર જમીનનો માલિક ભગવાન અથવા સમાજ છે. એટલે જમીનદારો ટ્રસ્ટીપણાના સિદ્ધાંતને અમલમાં ન મૂકે તો ‘ખેડે તેની જમીન’ એ નારાને વ્યાપક કરી સંપૂર્ણ સામાજિક જાગૃતિ દ્વારા અહિંસક અસહકારનો માર્ગ અખત્યાર કરવો પડે, અર્થાત્ ખેતમજૂરો ખેતીનો બહિષ્કાર કરે. માલિક કદી બધી જમીન જાતે ખેડી શકવાનો નથી એટલે છેવટે એને ગણોતિયાની વાજબી માગણી કબૂલ કરવી પડે. ગાંધીજીના કથન મુજબ મજૂરોને જે દિવસે સમજાશે કે સોના-ચાંદી વગેરે કહેવાતી કીમતી ધાતુના ટુકડાઓ નહિ, પણ ઉત્પાદક અને ઉપયોગી મજૂરી સાચી મૂડી છે તથા અહિંસક અસહકારનું હથિયાર અસરકારક રીતે વાપરતાં તેઓ શીખશે ત્યારે શોષણના ગઢનું પતન થશે.
આઝાદી પછી 1951માં ‘ભૂદાન આંદોલન’ દ્વારા જમીનના પ્રશ્નના અહિંસક ઉકેલની દિશામાં વિનોબાજીએ ભગીરથ કાર્ય આરંભ્યું. દેશભરમાં સતત પદયાત્રાઓ કરી એમણે લાખો હેક્ટર જમીન દાનમાં મેળવી. એ ભૂમિહીનોને વહેંચવાની કામગીરી પણ હાથ ધરાઈ. એ આંદોલનમાં દેશભરમાંથી અનેક કાર્યકરો જોડાયા અને ભૂદાન પછી ગ્રામદાન, સંપત્તિદાન, શ્રમદાન, બુદ્ધિદાન, જીવનદાન વગેરે કાર્યક્રમો દ્વારા પ્રત્યેક મનુષ્યને કંઈક ને કંઈક આપવાની પ્રેરણા પૂરી પાડી. દરેક ઘર અને દરેક જણ કંઈક તો આપી જ શકે એ ભાવનામાંથી સર્વોદયયાત્રાની કલ્પના પણ વિનોબાજીને સૂઝી. ગાંધીજીના શાંતિસેનાના વિચારને પણ એમણે ખૂબ વેગ આપ્યો. આમ ભૂદાન આંદોલને ટ્રસ્ટીશિપના સિદ્ધાંતને અમલમાં મૂકવા માટે ખૂબ વ્યાપક ફલક પૂરું પાડ્યું અને ગ્રામદાન ફલકે ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિ દ્વારા ગ્રામસ્વરાજ અને અહિંસક સમાજરચનાની શક્યતા દર્શાવી.
રમણભાઈ મોદી