ટ્રસ્ટીશિપ કાઉન્સિલ : ટ્રસ્ટપ્રદેશોના સ્વશાસન કે સ્વતંત્રતાને અનુલક્ષીને કરવામાં આવતા વહીવટના નિરીક્ષણ માટે સ્થપાયેલી સંયુક્ત રાષ્ટ્રસંઘની એક મહત્વની સંસ્થા. ટ્રસ્ટીશિપ કાઉન્સિલ હેઠળ જે પ્રદેશોનો વહીવટ કરવામાં આવતો હોય તે ટ્રસ્ટ-પ્રદેશો તરીકે ઓળખાયા. આવા પ્રત્યેક પ્રદેશનો વહીવટ સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્ર હેઠળ નક્કી કરાયેલા સિદ્ધાંતોને અનુલક્ષીને થયેલી સમજૂતીની જોગવાઈઓ મુજબ કરવાનો હતો. ટ્રસ્ટસત્તા (વહીવટકર્તા દેશ) પોતાની દેખરેખ હેઠળના ટ્રસ્ટ-પ્રદેશ બાબતે સંપૂર્ણ અધિકાર ધરાવતી હતી.

સંયુક્ત રાષ્ટ્રસંઘની ટ્રસ્ટીશિપ પ્રથા અગાઉના રાષ્ટ્રસંઘ(1920–1945)ની મૅન્ડેટ પ્રથાની જેમ એ સિદ્ધાંત પર સ્થાપિત થયેલી હતી કે બીજા વિશ્વયુદ્ધમાં પરાજય પામેલાં રાજ્યો પાસેથી કબજે લેવાયેલા સાંસ્થાનિક પ્રદેશોને વિજેતાસત્તાઓ પોતાના  પ્રદેશમાં ભેળવી દેવાને બદલે જ્યાં સુધી આ સાંસ્થાનિક પ્રદેશો પોતાનો ભાવિ રાજકીય દરજ્જો સ્વતંત્ર રીતે નક્કી ન કરે ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ ટ્રસ્ટસત્તા તેનો વહીવટ ચલાવે.

ટ્રસ્ટીશિપ કાઉન્સિલમાં ટ્રસ્ટ-પ્રદેશોનો વહીવટ કરનાર સંયુક્ત રાષ્ટ્રસંઘનાં સભ્ય રાજ્યો ઉપરાંત ટ્રસ્ટ-પ્રદેશનો વહીવટ ન કરતા હોય તેવા સલામતી સમિતિના કાયમી સભ્યો અને ત્રણ વર્ષની  મુદત માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ ચૂંટી કાઢેલા સભ્યોનો સમાવેશ થાય છે. શરૂઆતમાં તેમાં 14 સભ્યો હતા, પરંતુ 1980થી તેમાં માત્ર સલામતી સમિતિના પાંચ કાયમી સભ્યોનો સમાવેશ થાય છે. ટ્રસ્ટીશિપ કાઉન્સિલના તમામ સભ્યો સમાન મત ધરાવે છે અને તેમાં લેવાતા નિર્ણયો હાજર રહેલા સભ્યોની સાદી બહુમતીથી લેવામાં આવે છે.

1945માં રાષ્ટ્રસંઘ(League of Nations)ની મૅન્ડેટ પ્રથા નીચે પૅલેસ્ટાઇન અને દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા સહિત 12 પ્રદેશો હતા; પરંતુ 1948માં પૅલેસ્ટાઇનનું વિભાજન થયા પછી સંયુક્ત રાષ્ટ્રસંઘની ટ્રસ્ટીશિપ પ્રથા હેઠળ 10 પ્રદેશો રહ્યા હતા. તેમાં નાઉરૂ-ન્યૂગીની, રુઆન્ડા-ઉરુંડી, ટોગોલૅન્ડ અને કૅમેરૂનના પ્રદેશ (બ્રિટિશ વહીવટ નીચે), પશ્ચિમ સામોઆ અને ટાંગાનિકાનો સમાવેશ થતો હતો. જ્યારે દક્ષિણ આફ્રિકાનું સંઘરાજ્ય ટ્રસ્ટીશિપ કાઉન્સિલમાં જોડાયું નહિ તેથી 1920થી રાષ્ટ્રસંઘ દ્વારા તેના વહીવટ હેઠળ મુકાયેલ દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા ટ્રસ્ટીશિપ પ્રથાનો ભાગ બની શક્યું નહિ. જોકે 1966માં સંયુક્ત રાષ્ટ્રસંઘે દક્ષિણ-પશ્ચિમ આફ્રિકાની સીધેસીધી જવાબદારી સંભાળી અને તેનું નવું નામ ‘નામિબિયા’ રાખવામાં આવ્યું. નામિબિયાને 1985માં સ્વતંત્ર રાજ્ય તરીકેનો દરવાજો પ્રાપ્ત થયો.

1975 સુધીમાં પ્રશાન્ત ટાપુ જૂથમાંના ત્રણમાંથી બેને બાદ કરતાં તમામ ટ્રસ્ટ-પ્રદેશો સ્વતંત્ર થયા; પરંતુ 1986 પછી પાલાઉ ટાપુઓ હવે એકમાત્ર ટ્રસ્ટ-પ્રદેશ રહ્યો છે. હવે ટ્રસ્ટીશિપ કાઉન્સિલનું મહત્વ માત્ર ઐતિહાસિક અભ્યાસનો વિષય રહ્યું છે.

નવનીત દવે